________________
૧પ૬
ઉપદેશામૃત - ભક્તિના ભેદ બે છે : અજ્ઞાનભક્તિ અને જ્ઞાનભક્તિ. ભક્તિ તે જ આત્મા છે. સવળું કરી નાખવું. ભાવ, વિચાર અને ભક્તિ. બાકી તો ભક્તિ જગતમાં બધે છે.
મુમુક્ષુ“જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !”
પ્રભુશ્રી આનો આશય સમજવો જોઈએ, તે વગર કચાશ છે. “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ." જાગે તેને કહેવાનું છે. બાકી બધું કલબલાટ. કહેવાનું છે આત્માને કીધું ન કીધું થશે, સાંભળ્યું ન સાંભળ્યું થશે. બધું એનું એ જ. વાતની સમજ પડવી જોઈએ. થપ્પડ મારીને જગાડ્યા છે. આત્માને જગાડવો છે. તે શાથી જાગે તેની ખબર નથી. શાથી જાગે, કહો.
મુમુક્ષુ–સદ્ઘોઘથી.
પ્રભુશ્રી–નહીં હાથ આવે. એ તો એક સદ્ગુરુ જાણે. છ ખંડનો ભોક્તા હોય તેને ઘેર નવ નિશાન ચાલ્યાં આવે તેવું છે. થઈ જાઓ તૈયાર. તમારી વારે વાર છે. “માથું વાઢે તે માલ કાઢે.” ભણ્યો, પણ ગણ્યો નથી; ગણ્ય છૂટકો છે. વાત ખરી છે. “રાંકના હાથમાં રતન' એવી વાત આ
૧. એક કુંભાર માટી ખોદતાં એક પૂતળું મળી આવ્યું. તે તેણે રાજાને ભેટ આપ્યું. રાજાએ તેને સભામાં રાખ્યું. તે પૂતળાને ગળે લખેલું હતું કે માથું વાઢે તે માલ કાઢે. જે વાંચે તે સમજતા કે પોતાનું માથું વાઢે તે માલ કાઢે. પણ એક ક્ષત્રિય ત્યાં આવેલો, તેણે વાંચ્યું અને તરવારથી તેણે તે પૂતળાનું માથું કાપ્યું તો તેમાંથી સોનામહોરો નીકળી.
૨. એક કઠિયારો ઘણો ગરીબ હતો, જંગલમાંથી લાકડાં લાવી શહેરમાં વેચતો. પૈસા આવે તેમાંથી તેલ, દાણા ને દીવેલ લાવે. રોજનું રોજ લાવે તે પૂરું થઈ જતું. લાકડાં વેચવા શહેરમાં બધે ફરે, લોકોને મોજશોખ કરતા જુએ ને તેવું સુખ મેળવવાની ઇચ્છા કરે; પણ સાઘન નહીં એટલે નિરાશ થઈ થાક્યો-પાક્યો સૂઈ જાય.
એક રાત્રે તે વહેલો જાગ્યો ત્યારે પોતાની કમનસીબીના વિચારો તેને આવવા લાગ્યા. શું કરવાથી વધારે પૈસા મળે તે વિચારવા લાગ્યો. ઉપાય સૂક્યો કે જો સુખડનાં લાકડાં મળે તો ઘણા પૈસા ઊપજે. ચાંદની રાત હતી, એટલે ફરી ઊંધી જવાને બદલે ભાથું લઈને એ તો જંગલમાં નીકળી પડ્યો. સુખડની સુગંધ આવે ત્યાં સુધી ચાલ ચાલ કરું એમ ઘારી એ તો દસેક માઈલ ચાલ્યો. પણ સુખડનો કંઈ પત્તો લાગ્યો નહીં. તેથી થાકીને નદીકિનારે ભાથું ખાવા બેઠો.
ત્યાં નદીની ભેખડ તૂટેલી તેમાં કંઈક પથરા જેવું ચળકતું જોયું. છોકરાંને રમવાના કામમાં આવશે એમ જાણી કપડાને છેડે તેને બાંધી લીધું. પછી જે મળી આવ્યાં તે લાકડાં લઈ તે પાછો આવ્યો. શહેરમાં લાકડાં વેચીને દીવેલ વગેરે વસ્તુઓ લઈ સાંજે નિરાશ થઈ ઘેર આવ્યો. આખા દિવસનો થાકેલો તે આડે પડખે થયો, ત્યાં કપડાને છેડે બાંધેલું રતન ખેંચ્યું. તેથી તેણે છોડ્યું કે ઘરમાં અજવાળું થયું. એટલે છોકરાને રમવા આપવાને બદલે તેને તાકામાં મૂક્યું. મનમાં નિરાંત થઈ કે ચાલો રખડપટ્ટી નકામી તો ન ગઈ, રોજ દીવેલના પૈસા તો બચશે.
એ તો દરરોજ લાકડાં લાવે ને વેચે. દીવેલના પૈસા બચે તેમાંથી વળી ગોળ લાવે ને રાજી થાય. આમ ને આમ છ મહિના વીતી ગયા. પણ એને રત્નની ઓળખાણ ન પડી.
એવામાં એક ઝવેરીને ત્યાં જમણવારનો પ્રસંગ આવ્યો. એટલે એક દિવસ પેલા કઠિયારાને પોતાને ત્યાં લાકડાં નાખવાનું કહેવા ગયો. કઠિયારાને ત્યાં તાકામાં ચિંતામણિ રત્ન જોઈને તેને તો નવાઈ લાગી કે રાંકના હાથમાં રતન ! દયા આવવાથી તેણે તે કઠિયારાને ચિંતામણિ રત્નની ઓળખાણ પાડી, અને કહ્યું કે સવારે પૂજા કરીને એની પાસે જે માગીશ તે મળશે. તેથી તે રાજી રાજી થઈ ગયો, અને સવાર થતાં પૂજા કરીને રત્ન પાસેથી જોઈતું બધું માગી લીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org