________________
પત્રાવલિ–૨
૧૪૩ સત્પરુષે જે જાણ્યું છે, અનુભવ્યું છે અને આપણા પર પરમ કૃપા કરી ઉપદેશ દ્વારા જણાવ્યું છે તે પરમ સત્ય છે; તે જ મારે માન્ય કરવા યોગ્ય છે. બીજી કોઈ પણ પ્રકારની અહંભાવ-મમત્વભાવની કલ્પના મારામાં ન હો. “સત્ જે કંઈ છે તે સત્ જ છે. તેમાં મારી કલ્પના ઉમેરી મારે અસત્ કરવું નથી. તે પરમ સત્ શ્રી સદ્ગુરુએ અનુભવેલું મને માન્ય છે અને તે જ શ્રદ્ધા અને હો ! અત્યારે મને સુખદુઃખરૂપે, શાતા-અશાતારૂપે, ચિત્ર-વિચિત્રરૂપે જે જણાય છે તે મારે માનવું નથી. પણ પરમ આનંદ સ્વરૂપ સર્વ દુઃખનો આત્યંતિક નાશ કરનાર પરમાત્મસ્વરૂપ મારું છે તેમાં મારી સ્થિર અડોલ સ્થિતિ થાઓ એ ભાવનાની વૃદ્ધિ કરવી ઘટે છે.
જ્યાં સુધી આ મનુષ્યભવ છે ત્યાં સુધી સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાનો નિશ્ચય અને પુરુષાર્થ ચાલુ રાખી કાળ નિર્ગમન કરવા યોગ્ય છે. સત્પરુષનો યોગ અને સદ્ગોઘની પ્રાપ્તિ સફળ થઈ ત્યારે ગણાય કે જ્યારે આપણે સિંહના સંતાનની પેઠે દુ:ખના પ્રસંગોમાં પણ કાયર નહીં થતાં સિંહ જેવું શૂરવીરપણું ઘારણ કરીએ અને તેને પગલે પગલે ચાલી તેની દશાને પામવા ભાગ્યશાલી થઈએ. “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?' એનું વારંવાર બને તેટલા વિચારપૂર્વક સ્મરણ ભાવના કરી તે દશામાં રમણતા થાય તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. પરિણામની ઘારા ઉપર જ બંધમોક્ષનો આધાર છે; એ સદ્ગુરુનો બોઘ વિચારી, વિભાવ પરિણતિ અટકાવી, પરમાં એટલે રાગ-દ્વેષ-મોહ-વિષયમાં તન્મયપણું થઈ જાય છે તે બળપૂર્વક વિચારી વિચારી દૂર કરી આત્મભાવનામાં ભાવના રાખવાથી પરમ કલ્યાણ થાય છે. “વૃત્તિને રોકવી, સંકલ્પ-વિકલ્પ પરમાં જતા રોકવા,” એ સત્પરુષની હિતશિખામણ કહેલ છે. “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો !”
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org