________________
ઉપદેશામૃત
૧૪૫ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. સં. ૧૯૮૯ તમારો કાગળ એક વાંચી, વિગત જાણી, તમ પ્રત્યે સૂચના આપવાની છે તે આત્માર્થે ધ્યાનમાં લેશો. તમે પર્યાયવૃષ્ટિથી અત્રે મનુષ્યભવ ઘારણ કર્યો છે તે રત્નચિન્તામણિ સમાન છે. તેમ જાણી દયા ખાતર કાંઈ શબ્દ કહેવાયા છે તો ખોટું લગાડશો નહીં અને એમ વિચારશો કે આપણી ઉપર દયા આણીને કંઈ છબી અવસ્થાને લઈ ખારાશથી, એટલે તે આચરણ તમારાથી ફરી ન થાય એમ જાણી, કહેવાયું છે. જોકે એવું કાંઈ કહ્યું નથી, કહેવાયું છે તે ફરીથી તેવી ભૂલ ન થાય એવા ભાવથી સમજ લેવા કહેવાયું છે. અમારે તો સર્વ ઉપર સમભાવ છે; પણ કોઈ જીવનું ભલું થાય એમ જાણી કહેવાય છે.
કોઈ કોઈનું ભૂંડું કરે એમ છે નહીં. એક આત્મા જ આત્માનું ભલું કરશે, અથવા વિભાવ આત્મા ભૂંડું કરશે. આ જગતમાં કોઈ કોઈનું ભૂંડું કરવા, સારું કરવા સમર્થ નથી.માટે આ ભવમાં તૈયાર થઈ જવું. મેમાન છે, પરોણો છે, ઘણો કાળ રહેવાનું નથી. એકલો આવ્યો, એકલો જશે–તેમાં ચેતવા જેવું છે, જાગૃત થવા જેવું છે, માટે જણાવ્યું છે. જો પોતાની ભૂલ કાઢી નાખે તો આ જીવ કલ્યાણ કરી નાખે. જેમ બને તેમ તેવા ખોટા વ્યવસાયને ઓકી નાખી સારા ભાવ કરવાનું કર્તવ્ય છે. વઘારે શું લખવું? સમજુને તો આ બસ છે. પોતાના દોષ છે તે નથી જોવાયા, મતિકલ્પનાએ જીવ કલ્પી લે છે એવી કોઈ ભૂલ છે તે જ કાઢવા જેવું છે, જરૂરનું છે એમ જાણી મનમાં ઊઠતી વૃત્તિને રોકી, કલ્પનાને રોકી યોગ્યતા લાવશો. આત્માનું સારું કરનાર, ભૂંડું કરનાર એક આત્મા જ છે. કલ્પના કાઢી નાખી એક યોગ્યતા વઘારશો તો ઘરમાં બેઠાં કે વનમાં બેઠાં સારું થશે. તમને જેટલું ખોટું લાગ્યું છે તેટલું અમૃત પાયું છે; તમને સારું લગાડે તે ઝેર પાયું માનશો. માટે હવે પરમકૃપાળુદેવનું વચન છે, તેમની આજ્ઞા છે તે ધ્યાનમાં લઈ જાગૃત થશો, જાગૃત થશો. ફરીથી વૃત્તિ, મન, ચિત્તને પરમાં જતાં રોકશો. વાંચવા-વિચારવામાં, વચનામૃતમાં કાળ નિર્ગમન કરશો. એમાં બીજાનું કામ નથી, પોતાનું કામ છે. “સત્સંગ, સત્સંગ' કરશો, પણ સત્સંગ કુસંગરૂપ થઈ પડશે. સત્સંગ વસ્તુ શું છે ? પોતાનો આત્મા. બાકી તો સત્સંગ બફમમાં ને બફમમાં માનશો તે અસત્સંગ થઈ પડશે. જ્યાં ત્યાં આત્માનું કલ્યાણ થાય તે કર્તવ્ય છે. ત્યાં બીજો કોઈ કરી આપનાર નથી. આપ સમાન બળ નથી અને મેઘ સમાન જળ નથી. યોગ્યતા લાવશો. આત્માને ચેતવા જેવું છે. કોઈનો દોષ અને વાંક જોવા જેવું નથી. માટે મનુષ્યભવ પામ્યા છો તો હવેથી નરકમાં, નિગોદમાં, તિર્યંચમાં જવાય તેવું ન થાય તેમ કરવું તે પોતાના હાથમાં છે. એકલો આવ્યો અને એકલો જશે. માટે રત્નચિત્તામણિ જેવો મનુષ્યભવ હારી ન જવો જોઈએ. “કોડી સાટે રતન, બાટી સાટે ખેત' ન હોવું જોઈએ. કરોડો રૂપિયાથી અધિક મનુષ્યભવ છે, તેનો લાભ લઈ લેવો જોઈએ. વઘારે શું કહેવું ? પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ગયો તો ત્યાં કોઈ આઘાર નથી. ભૂંડું કરે છે પોતાની મતિ-કલ્પના. તેને કંઈ સદ્ભાવમાં લાવવી જોઈએ, સદ્વર્તનમાં વર્તવું જોઈએ. ભલું કરશે તોય તમારો આત્મા કરશે; ભૂંડું કરશે તોય તમારો આત્મા કરશે. માટે ચેતવા જેવું છે. અમે કાંઈ તમોને (આત્માને) કહ્યું નથી, અમે તો દોષને, વિભાવને, ખોટાને કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org