________________
જૈન હસ્તપ્રતસંશોધન અને સંરક્ષણ
પ્રકારના ઘૂંટાથી ઘૂંટી લેવાથી તે દોષો દૂર થઈ જાય છે. વિલાયતી તથા આપણા દેશમાં બનતા કેટલાક કાગળો કે જેનો માવો તેજાબ અથવા સ્પિરીટ દ્વારા સાફ કરાય છે, તે કાગળોનું સત્વ પહેલેથી જ નષ્ટ થઈ જતું હોવાથી તે ચિરસ્થાયી નથી હોતા. પુસ્તક લખવા માટે તેનો ઉપયોગ કરાતો નથી. કાગળનો પ્રચાર થતાં તાડપત્રનો જમાનો આથમી ગયો. ભારતીય પ્રજા કાગળ બનાવવાની કળા ઈ. સ. પૂર્વે ૩ સૈકા પહેલાં પ્રાપ્ત કરી ચૂકી હતી, છતાં લેખન માટે ભારતવર્ષમાં એનો સાર્વત્રિક પ્રચાર થઈ શક્યો નહોતો.
જૈનોએ પુસ્તકલેખન માટે કાગળનો ક્યારથી ઉપયોગ કર્યો તે કહેવું સહેલું નથી. છતાં શ્રીમાનજીનમંડનગણિકૃત ‘કુમારપાલપ્રબંધ' (સં. ૧૪૯૨) અને શ્રીરત્નમંદિરગણિકૃત ‘ઉપદેશતરંગિણી’ (૧૬મો સૈકો)ના ઉલ્લેખો મુજબ આચાર્ય શ્રી હેમચંદ્ર અને મહામાત્ય શ્રી વસ્તુપાલે પુસ્તકો લખવા માટે કાગળનો ઉપયોગ કર્યો હતો, આથી ગુજરાતની જૈન પ્રજા વિક્રમની ૧૨મી સદી પહેલાં ગ્રંથલેખન માટે કાગળોને વાપરતી થઈ હતી એમ કહી શકાય. જોકે જૈન જ્ઞાનભંડારમાં બારમી તેરમી સદીમાં અગર તે પહેલાં કાગળ ઉપર લખાયેલું એક પણ પુસ્તક ઉપલબ્ધ થયું નથી. ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં લખાયેલું કોઈ કોઈ પુસ્તક મળી આવે છે.
૭૮
૨. કલમ આદિ :
ફલકને અનુરૂપ લખવાનાં અનેક સાધનો વિકસ્યાં છે. આમાં નીચેનાં સાધનોનો સમાવેશ થાય છે.
(ક) કલમ :
કલમ માટે અનેક પ્રકારનાં બરુ વપરાતા હતાં. જેમ કે તજિયાં બરુ, કાળાં બરુ, વાંસનાં બરુ આદિ. આમાં તજિયાં બરુ તજની માફક બહુ પોલાં હોવાથી ‘જિયાં’ એ નામથી ઓળખાય છે. એ સ્વભાવે બરડ હોવા છતાં તેમાં એક ગુણ એ છે કે તેનાથી ગમે તેટલું લખવામાં આવે તોપણ તેની અણીમાં કૂચો પડતો નથી. આ અપેક્ષાએ કાળાં બરુ બીજે નંબરે ગણાય. વાંસનાં બરુ પણ ઠીક ગણી શકાય. અણીદાર સાધન, સીસાપેન, લાકડાની કલમ વગેરેનો પણ ‘લેખની’ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. બ્રહ્મદેશ, મદ્રાસ આદિ જે જે પ્રદેશમાં તાડપત્રને ખોતરીને લખવાનો રિવાજ છે ત્યાં કલમને બદલે લોઢાનાં અણીદાર સોયાના સળિયાનો ઉપયોગ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org