________________
હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
સાંસ્કૃતિક સામગ્રીરૂપ વિપુલ હસ્તપ્રતોનો ખજાનો છે. આપણી પાસે છે એનું કારણ જૈનોની હસ્તપ્રતોને જાળવવાની સંસ્કાર પ્રણાલીની ભાવના છે.
આ જૈન હસ્તપ્રત ભંડારોમાંથી પાટણ, ખંભાત અને અમદાવાદના લા.દ. પ્રાચ્ય વિદ્યામંદિર વિષયક પરિચયાત્મક વિગતો અત્રે પ્રસ્તુત કરવાનો ઉપક્રમ છે.
૧૬
૬:૧ પાટણનું શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર
જૈનધર્મના મહારાજસાહેબોની વિચક્ષણ બુદ્ધિપ્રતિભા અને સાહિત્યિક સૂઝબૂઝનું એક ઉજ્જવળ ઉદાહરણ એટલે આજનું પાટણનું શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર.
પાટણ પાસે મધ્યકાલીન સાહિત્ય અને સંસ્કૃતિનો એક ભવ્ય ઇતિહાસ છે. આ ઇતિહાસની દસ્તાવેજી સામગ્રીરૂપ કંઈ કેટલીયે હસ્તપ્રતો, પાટણના જુદાજુદા પાડામાં (વિસ્તારમાં) ૨૮ જેટલા નાના-નાના હસ્તપ્રત ભંડારોમાં સંગ્રહીત હતી. આ ભંડારોનો વહીવટ જે-તે વિસ્તારના જૈન ભાઈઓ હસ્તક રહેતો. આ બધી સામગ્રીથી આકર્ષાઈને ઈ.સ. ૧૮૫૦માં ઍલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ, ૧૮૭૩માં ખુલ્લર સાહેબ, ૧૮૮૦માં પ્રોફે. એ.વી.કાથવટે, એ પછી પિટર્સન અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી વગેરે જેવા અનેક સંશોધકો પાટણના આ જુદાજુદા ભંડારોની હસ્તપ્રતોના અભ્યાસાર્થે-અવલોકનાર્થે પધારેલા, પરંતુ એ સમયે જૈન સમાજના સંગઠન અને સંકલનના અભાવે પ્રાચ્યવિદ્યાનો ઊંડો અભ્યાસ કરવા તત્પર વિદ્વાનોને વ્યવસ્થાપકોની અનુપસ્થિતિને કારણે કે અન્ય રોકાણોને કારણે બહુ સહકાર સાંપડતો ન હતો. વિદ્વાનોને પડતી આ મુશ્કેલીનો કંઈક અંશે ખ્યાલ આવ્યો હોય કે પછી પોતાની આંતરિક સૂઝથી એ સમયે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી અને એમના શિષ્ય શ્રી ચતુરવિજયજી, શ્રી પુણ્યવિજયજી અને શ્રી વિજયવલ્લભસૂરિજીએ સંઘની જ માલિકીનું એક જ્ઞાનતીર્થ સ્થપાય અને ત્યાં જ આ તમામ પ્રાચીન હસ્તપ્રતો સુવ્યવસ્થિત રીતે સંગ્રહાય, એનાં વિગતપૂર્ણ સૂચિપત્રો પ્રકાશિત થાય તથા સંશોધન-સંપાદન માટેની એક યોજના ગતિશીલ બને, એવો સદ્વિચાર પ્રસ્તુત કર્યો અને એના પ્રતિઘોષરૂપે વ્યાપકરૂપે જૈનસમુદાયનો બહુ મોટો સહકાર પણ સાંપડ્યો. સારી એવી જમીન પણ ઉચિત સ્થળે પ્રાપ્ત થઈ તથા શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના ભત્રીજા શ્રેષ્ઠી શ્રી હેમચંદ્રભાઈ મોહનલાલે ખાસ અંગત રસ લઈને અનુદાન આપી - અપાવરાવીને એક ભવ્ય એવા જ્ઞાનતીર્થના ભવનના નિર્માણનો આરંભ કરેલો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org