________________
૩. પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને તેનો ઇતિહાસ
ડૉ. બળવંત જાની ચિત્ર, શિલ્પ, પુરાતન અવશેષો અને જૂની-પ્રાચીન હસ્તપ્રતોને આપણી પ્રાચીન અને ભવ્ય સંસ્કૃતિના પુરાવાઓ માટેની મહત્વની સામગ્રી ગણાવી શકાય. આમાંથી મારો સંપર્ક માત્ર પ્રાચીન હસ્તપ્રતો પૂરતો જ મર્યાદિત હોઈ, હું અહીં એ વિશેની જ જતન-સંરક્ષણ તથા આપણે ત્યાંની એની પદ્ધતિની ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વિગતો પ્રસ્તુત કરીશ.
મારા આ વિશ્વના નિબંધમાં ખાસ કરીને ગુજરાત અને એમાંય મોટે ભાગે તો સૌરાષ્ટ્ર તથા કચ્છ સંદર્ભે જ મારી વિગતો રજૂ કરીશ. કેટલાક મહત્ત્વના હસ્તપ્રતભંડારોની મેં મારા સંશોધનકાર્ય માટે લીધેલી મુલાકાતો નિમિત્તે મને સૂઝેલી બાબતો પરત્વે ધ્યાન દોરવાનો મારો આશય છે. કોઈ હસ્તપ્રત-ભંડારની, એના તંત્રની કે વ્યક્તિની ટીકા કે પ્રશસ્તિ કરવાનો મારો હેતુ નથી, પણ આ ક્ષેત્રે કેવી કેવી કામગીરીની આવશ્યકતા છે અને એ સંદર્ભે કેવી પરિસ્થિતિઓનો સામનો કરવાનો રહે છે એ તરફ અંગુલિનિર્દેશ કરવાનો ઉપક્રમ છે.
ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છની સંસ્કૃતિ અત્યંત પ્રાચીન છે. આ ઐતિહાસિક સત્ય તો સર્વવિદિત છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો એક લાંબો સાહિત્યિક-સાંસ્કૃતિક ઈતિહાસ છે. આ વિષયક અનેક ગ્રંથો પણ રચાયા છે.
ગુજરાતી ભાષા-સાહિત્ય ઈ. સ.૧૧૫૦ થી અસ્તિત્વમાં આવ્યું એમ ગણી શકાય. આમાં વજસેનસૂરિની રચના ઈસ્વીસન ૧૧૬૯ અને શાલિભદ્રસૂરિની રચના ઈસ્વીસન ૧૧૮૪ની સમયનિર્દેશવાળી હસ્તપ્રતો ઉપલબ્ધ છે. ત્યારથી માંડીને ઈ.સ.૧૮૫૦ સુધીના મધ્યકાલીન સમયગાળાની દાયકા-દાયકાના સમયનિર્દેશવાળી હસ્તપ્રતો ઉપલબ્ધ છે. ભારતીય આર્યભાષાઓમાં આટલો એટલે કે સાતસો વર્ષ લાંબો ઇતિહાસ અને એની શ્રદ્ધેય સામગ્રી હસ્તપ્રતોરૂપે ઉપલબ્ધ છે એ ગુજરાતી ભાષા-સાહિત્યની આગવી વિશિષ્ટતા છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org