________________
૨. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીની બહુશ્રુતતા
ડૉ. ચીનુભાઈ જ. નાયક
ગુજરાત માથે એક આરોપ છે કે તે પોતાના ઘરદીવડાને ઓળખી શકતું નથી. મુનિ શ્રી પુણ્યવિજયજીની જન્મશતાબ્દીની ઉજવણી દ્વારા આપણે આ આરોપ દૂર કરી શકીએ. મારો અંગત મત એવો છે કે ગુજરાતમાં ઇતિહાસનું ખેડાણ જેટલું બિન ઇતિહાસકારો (Non Historians) દ્વારા થયું છે તેટલું ઇતિહાસકારો દ્વારા થયું નથી. આવી વ્યક્તિઓમાં મુનિ શ્રી જિનવિજયજી, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી, શ્રી કલ્યાણરાય જેશી, શ્રી શંભુપ્રસાદ હ. દેસાઈ, શ્રી મણિલાલ વોરા ઇત્યાદિનો સમાવેશ થાય છે. ઇતિહાસ અને પુરાતત્ત્વના અવશેષોની બાબતમાં ભારતનાં બીજાં રાજ્યો કરતા ગુજરાત ઘણું સમૃદ્ધ છે. પ્રો. એમ. એફ. લોખંડવાલા સંપાદિત મિરાત-એ-અહમદીની પ્રસ્તાવનામાં વિખ્યાત ઇતિહાસકાર સર જદુનાથ સરકાર કહે છે : The land of Gujarat is a heaven for archaeologists એટલે કે ગુજરાતની ભૂમિ પુરાવસ્તુવિદો માટે સ્વર્ગ સમાન છે. અહીંના જૈન ભંડારોમાં જે પોથીઓ અને હસ્તપ્રતો પડેલી છે તેનું સંશોધન કરવા માટે હજારો સંશોધકો ઓછા પડે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના નિમંત્રણથી ૨૦મી ગુજરાતી સાહિત્ય પરિષદ યોજાયેલી ત્યારે ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે પુણ્યવિજયજી મહારાજે જણાવેલું કે એકલા અમદાવાદના જૈન ભંડારો/જ્ઞાન ભંડારોની હસ્તપ્રતોનું સંપાદન કરી તેની પ્રસ્તાવના લખવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીને ૩૦,000 વિદ્યાર્થીઓને Ph.D. ની પદવી આપવી પડે ! આ સંશોધકો ક્યાં છે ? દીવો લઈને શોધવા જવું પડશે. હસ્તપ્રતોના ભંડારોને કબાટની તાળા-કૂંચીમાં પૂરી રાખવાથી જ્ઞાનની વૃદ્ધિ થવાની નથી. આપણે જે તે વિદ્વાનોને હસ્તપ્રતોનો ઉપયોગ ન કરવા દઈને જ્ઞાનને બંધિયાર બનાવી રહ્યા છીએ એનો આપણને ખ્યાલ છે ખરો ? જ્ઞાનને કોઈ સંપ્રદાય સાથે સંબંધ નથી એ તો વરસાદના શુદ્ધ પાણી જેવું વ્યાપક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org