________________
દેલવાડાનાં દેરાં
આ પટ્ટશાલાના પૂર્વ તરફ્ના અંત-ભાગે હસ્તિશાલામાં જવાનું પ્રવેશદ્વાર પડે છે. તેમાં આરસના ચકચકિત, અને માથે મોડબંધ તથા ગળામાં સાંકળમાળા, મણકામાળા, ચામરમાળાદિ અલંકારથી વિભૂષિત, દશ હારદોર ગજરાજો ગોઠવેલા છે (ચિત્ર ૭૪). વિમલવસહીની હસ્તિશાલાના હાથીઓ કરતાં આનું કામ વધારે સફાઈદાર છે. વસ્તુપાલ અને તેજપાલ મંત્રી, એમના પૂર્વજો અને પરિવારની મૂર્તિઓ તેના પર એક કાળે આરૂઢ થઈ હશે તેવું હાથીઓની બેસણી નીચે કોરેલ નામયુક્ત લેખોથી જાણી શકાય છે. પહેલા પાંચ હાથીઓ પછી હસ્તિશાલાના કેન્દ્ર ભાગે ત્રણ તબકકાવાળી ‘કલ્યાણત્રય’ની રચના કરી છે (ચિત્ર ૭૪), જેને સાંપ્રતકાલીન વિદ્વાનોએ મેરુગિરિની રચના માની લીધેલી. (મંત્રી તેજપાળે ઉજ્જયન્તગિરિ પર પણ ‘કલ્યાણત્રય’, એટલે કે ત્યાં થયેલા નેમિનાથનાં દીક્ષા, જ્ઞાનપ્રાપ્તિ, અને નિર્વાણનો ભાવ દર્શાવતી પ્રતીક-રચના કરાવ્યાના ૧૩માથી લઈ ૧૫મા સૈકા સુધીના અનેક ઉલ્લેખો પ્રાપ્ત છે.) આ કલ્યાણત્રયની રચના સામે અલંકૃત ખુલ્લું દ્વાર બનાવેલું છે (ચિત્ર ૭૫), જ્યારે હાથીઓની સામે મોરામાં, ભૌમિતિક શોભનોથી ઠાંસેલી ખંડદાર જાળીઓ ભરી દીધી છે (ચિત્ર ૭૨, ૭૩). હાથીઓની પાછળ પૂર્વ દિશાની ભીંતોમાં મોટા ગોખલાઓમાં કુલગુરુ નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિ તથા એમના શિષ્ય ઉદયપ્રભસૂરિ, પૂર્વજોની મૂર્તિઓ, તેમ જ વસ્તુપાલ મંત્રી અને એમની બે પત્નીઓ (લલિતાદેવી અને સુહડાદેવી) તેમ જ મંત્રી તેજપાલની પત્ની અનુપમાદેવી સમેતની માલાધર-આરાધક મૂર્તિઓ કરેલી છે. (અલબત્ત આ પ્રતિમાઓને યથાર્થવાદી (પોટ્રેઇટ) માની લેવાની જરૂર નથી.)
૨૮
હસ્તિશાળાના દક્ષિણ છેડાના દ્વારમાંથી દક્ષિણ તરફ્ની પટ્ટશાલા (ચિત્ર ૭૬) પ્રવેશ થઈ શકે છે. આ તરફ ખાસ વિશેષ સુંદર છતોની સંખ્યા કમ છે. છતાં ચોરસાસ્કૃતિ બંધોમાં વચ્ચે કાગળકટાઈ જેવી ક્રિયાથી નિષ્પન્ન બની હોય તેવો ભાસ કરાવતી છત (ચિત્ર ૭૭), અને અન્ય એક છતમાં નવ ખંડમાં એવી જ કટાઈદાર નવ માઓયુકત છત (ચિત્ર ૭૮) ધ્યાન ખેંચે તેવી છે. આ સિવાય જેમ વિમલવસહીમાં ચાર દેવીઓના વ્યૂહની એક છત છે (ચિત્ર ૨૯) તેમ અહીં પણ એક એવી છત છે તો ખરી (ચિત્ર ૭૯) પણ તેના આયોજનમાં ભિન્નતા છે. અહીં વચ્ચે પૂર્ણ વિકસિત ઇન્દિવરના મધ્યસૂત્રે ચતુર્દિશામાં અનુક્રમે ચક્રેશ્વરી, અપ્રતિચક્રા, વજ્રશૃંખલા, અને નિર્વાણીની મૂર્તિઓ કંડારી છે અને પ્રત્યેક કોણમાં શતદલ કમલનો ઉભાર કર્યો છે. આયોજનનું આ નાવીન્ય ચિત્તાકર્ષક બની રહે છે.
અને હવે પશ્ચિમ તરફ્ની પટ્ટશાલામાં દુખ્ખણાદિ પાંખમાં પ્રવેશીએ છીએ. અહીં પણ જે ધ્યાન ખેંચે તેવી છતો છે તેનું આકલન કરીશું. જેમ કે, ચિત્ર ૮૦માં લંબચોરસ ક્ષેત્રફળમાં કિનારીરૂપ દાદરી પાડી, વચ્ચેના ભાગમાં છીપલીઓના સમૂહમાંથી સર્જી દીધી હોય તેવી, આછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org