________________
શ્રી સિદ્ધનો રક્તવર્ણ તેમના રજોગુણ ઉપરના વિજયને સૂચવે છે. સંસારી જીવનું કર્તૃત્વ કર્મના કારણે છે. સિદ્ધોનું કર્તૃત્વ-અર્થક્રિયાકારિત્વ-સ્વતંત્ર માત્ર આત્મદ્રવ્યના કારણે જ છે.
આચાર્યનો પીતવર્ણ એ રજોગુણ અને સત્ત્વગુણના મિશ્રણરૂપ છે. રક્ત અને શ્વેતવર્ણ મળવાથી પીતવર્ણ થાય છે. આચાર્યો આચારપ્રધાન હોવાથી રજોગુણી છે. છતાં તેના અહંકારથી મુક્ત થવા પ્રયત્નશીલ છે.
ઉપાધ્યાયનો હરિતવર્ણ તમોગુણ અને સત્ત્વગુણના મિશ્રણરૂપ છે. શ્યામ અને શ્વેતવર્ણ મળે ત્યારે હરિતવર્ણ થાય છે. ઉપાધ્યાયો સત્ત્વગુણનો આશ્રય લઈને નિદ્રા, આળસ, પ્રમાદ આદિ તમોગુણને જીતવા માટે સ્વાધ્યાય વડે સતત પ્રયત્નશીલ હોય છે.
સાધુનો શ્યામવર્ણ તમોગુણનો સૂચક છે. નિદ્રાદિ દોષોને જીતીને અપ્રમત્તભાવ પામવા માટે સાધુ સતત પ્રયત્નશીલ હોય છે.
અરિહંતો અને સિદ્ધો સત્ત્વ અને રજોગુણના વિજેતા છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તેમનાં પગલે ચાલીને તમોગુણને પરાસ્ત કરવા માટેની સાધનામાં રક્ત છે. લીલા, પીળા, અને શ્યામ બનીને ત્રણ ગુણની પકડમાંથી છૂટવા માટે સતત ઉદ્યમશીલ છે.
આત્મભાવનું દાન
શ્રી પંચપરમેષ્ઠિભગવંતો આપણને આત્મભાવનું દાન કરે છે.
અનાત્મવસ્તુઓને આત્મા માની તેના પર આસક્તિભાવ કરી, આ જીવ અનાદિકાળથી ચાર ગતિમાં રખડી રહ્યો છે અને અનંત આપત્તિઓને ભોગવી રહ્યો છે.
શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર કે જેનો સમાવેશ એક પ્રથમ પરમેષ્ઠિનમસ્કારમાં પણ થઈ જાય છે તેનો આશ્રય લેવાથી, તેનું આલંબન સ્વીકારવાથી, તેમાં જ ચિત્તને પુનઃ પુનઃ પરોવવાથી આત્મભાવ જાગૃત થાય છે. અનાત્મભાવના અયોગ્ય આકર્ષણરૂપી વિષનો નાશ થાય છે.
આત્મભાવની પ્રાપ્તિ થવાથી જીવ અનુપમશાંતિનો અને નિરુપમસુખનો અનુભવ કરે છે.
‘સર્વે આત્માઓ આત્મતુલ્ય છે અને પોતાનો આત્મા પરમાત્મતુલ્ય છે. તથા પરમાત્મપદ શાશ્વતશાંતિનું ધામ છે. સર્વેને સુખ કરનારું, મંગળ કરનારું, કલ્યાણ કરનારું પદ છે' તે ભાવ ‘પરમેષ્ઠિનમસ્કાર’ અરિહંતનમસ્કાર ભાવને જગાડી આપે છે.
શ્રી અરિહંતો પોતે જ સિદ્ધ થાય છે, પોતે જ ગણધરોને ઉપદેશ આપનારા હોવાથી આચાર્ય પણ છે, તેમને જ ત્રિપદી સંભળાવનારા હોવાથી ઉપાધ્યાય છે અને સ્વયં સર્વ જીવો સાથે મન-વચન-કાયાથી મૈત્રી સાધવા વડે સાધુ-સાચા સાધક પણ છે.
શ્રી અરિહંતો આ રીતે પોતે જ સિદ્ધ, પોતે જ આચાર્ય, પોતે જ ઉપાધ્યાય અને પોતે જ સાધુ હોવાથી તેમને એકને નમસ્કા૨ ક૨વાથી પાંચેય પરમેષ્ઠિને નમસ્કાર થાય છે.
એક નમસ્કારમાં પાંચે નમસ્કારનો સંગ્રહ થઈ જાય છે તેથી તે બધાનો રાજા ગણાય છે.
રાજારૂપ અરિહંતોને કરાયેલો નમસ્કાર સાત જ અક્ષરોનો હોવા છતાં સાત ભયને ટાળનારો, સાત (ભૂમિ) ક્ષેત્રની જેમ શાશ્વત અને સાત (સુપાત્ર) ક્ષેત્રની જેમ અનંતફળનો દાયક બને છે.
આત્મભાવને પ્રગટાવનાર અરિહંત-નમસ્કારનો ઉપકાર નિઃસીમ છે, તેથી તેમાં ૧. તચ્ચિત્ત, ૨. તમન, ૩. તલ્લેશ્ય, ૪. તદધ્યવસાય, ૫. તત્તીવ્રઅધ્યવસાય, ૬. તદર્થોપયુક્ત, ૭. તદર્પિતક૨ણ, ૮. તદ્ભાવનાભાવિત થવું જોઈએ.
અનુપ્રેક્ષાકિરણ પ
Jain Education International
For Private & Personal Use Only
૩૮૯
www.jainelibrary.org