________________
" भावनानुगतस्य ज्ञानस्य तत्त्वतो ज्ञानत्वादिति”
♦ ધર્મબિન્દુ અધ્યાય-૬/૩૦
જ્ઞાન એ વસ્તુતંત્ર છે, અને ભાવના એ પુરુષતંત્ર છે. જ્ઞાન વસ્તુને અનુસરે છે, જ્યારે ભાવના પુરુષના આશયને અનુસરે છે. જે પુરુષ પોતાના આત્માને શીઘ્રપણે કર્મથી મુકાવવા ઈચ્છે છે, તે પુરુષ તેના ઉપાયરૂપ જ્ઞાનને માટે જેમ ઉદ્યમ કરે છે, તેમ તેના ઉપાયભૂત ભાવનાને માટે પણ સદા પરિશ્રમ કરે છે. જ્ઞાનથી આત્માના શુદ્ધસ્વરૂપને જાણી શકાય છે. ભાવનાથી આત્માના શુદ્ધસ્વરૂપને પામી શકાય છે. જ્ઞાન પમાય છે પણ આત્મસ્વરૂપને પામવા માટેની ભાવનાનો આશ્રય ન લેવાય તો મેળવેલું જ્ઞાન ફળહીન બને છે.
પ્રસ્તાવના
જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ સમતાસ્વરૂપ છે. સમતા સકલસત્ત્વહિતાશયરૂપ છે. સકલસત્ત્વહિતાશય ભાવનાથી લભ્ય છે. સર્વજીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ આપ્યા વિના, આત્મતુલ્ય સ્નેહના પરિણામ જગાડયા વિના, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવ લાવ્યા વિના હિતાશય ટકતો નથી અને તેના વિના સમતા ટકતી નથી. સમતા વિના વિરતિ ફળતી નથી. વિરતિ વિના જ્ઞાન વંધ્ય બને છે.
જ્ઞાનનો વિષય જ્ઞેય છે. ભાવનાનો વિષય ધ્યેય છે. તે ધ્યેયરૂપે સર્વજીવ રાશિ અને તેમનાં સુખદુઃખ પણ છે. જે સુખ પોતાને અભીષ્ટ છે તે સુખ સર્વને મળે અને જે દુઃખ પોતાને અનિષ્ટ છે, તે કોઈને ન મળે એ જાતનો ભાવ જાગ્યા વિના પુરુષની શુદ્ધિ કેવી રીતે થાય ? ઈર્ષા-અસૂયાદિ ચિત્તના મળો કેવી રીતે નાશ પામે ? પરમાત્માની ભક્તિમાં નડતા વિક્ષેપો કેવી રીતે દૂર થાય ? સમસ્ત પ્રદેશે કર્મના ભારથી ભરેલો આત્મા હલકો કેવી રીતે બને ? વાસનાના જોરથી પરાભૂત થયેલો આત્મા વાસના નિર્યુકત કેવી રીતે થાય ?
માટે જ્ઞાનના સ્થાને જ્ઞાનનું જેટલું માહાત્મ્ય છે, તેટલું જ ભાવનાના સ્થળે ભાવનાનું માહાત્મ્ય છે અને તેટલું જ ચારિત્ર, વિરતિ કે સર્વસાવઘના ત્યાગના સ્થાને તેના પ્રત્યાખ્યાન અને પાલનનું માહાત્મ્ય છે. એકબીજાના સ્થાને એકબીજાની નિરૂપયોગિતા ભલે હો પણ પોતપોતાના સ્થાને દરેકનું એકસરખું મહત્વ છે. અજ્ઞાનીજીવ ભવ કેવી રીતે ત૨શે એ જેમ પ્રશ્ન છે, તેમ ભાવનાહીન કે વિરતિશૂન્ય જીવ પણ કેવી રીતે ભવને તરશે એ પણ તેટલો જ મહત્ત્વનો પ્રશ્ન છે. જ્ઞાન કે વિરતિ ક્વચિત્-કદાચિત્ સર્વસુલભ ન હોય તોપણ વિવેકયુકત માનવ જન્મમાં ભાવના તો સર્વસુલભ છે.
શ્રી જિનાગમમાં નમસ્કારમહામંત્રને પ્રથમસ્થાન આપવામાં આવ્યું છે. તેનું કારણ પણ હવે સમજાશે નમસ્કારમહામંત્ર માત્ર જ્ઞાનનો વિષય નથી, પણ જ્ઞાનની સાથે ભાવનાનો વિષય છે. મહામંત્રને જાણી લીધો પણ મંત્ર મુજબ ભાવની વિશુદ્ધિ ન થઈ, પરમેષ્ઠિઓનો જેવો ભાવ છે, તેવો ભાવ પોતાને ન સ્પર્શો તો તે મંત્ર કેવી રીતે ફળે ? મંત્રમાં ‘શેય’ અને ‘ધ્યેય’ ની યથાર્થતા ઉપરાંત ‘જ્ઞાતા' અને ‘ધ્યાતા'ની વિશુદ્ધિ પણ આવશ્યક છે. ધ્યાતાની વિશુદ્ધિ ભાવનાના બળ ઉપર આધાર રાખે છે. જ્ઞાન ન મળવાથી જેમ અજ્ઞાનનો અંધકાર વ્યાપે છે, તેમ ભાવના ન વધતાં કર્તવ્યહીનતાનો-કર્તવ્યભ્રષ્ટતાનો દોષ આવે છે. ધર્મીમાત્રનું કર્તવ્ય છે કે તેની ભાવના સર્વજીવના હિતવિષયક હોવી જોઈએ. તેમાં જેટલી કચાશ તેટલી તેના ધર્મીપણામાં કચાશ. કર્ત્તવ્યહીન થતાં બચવા માટે સર્વજીવ વિષયકહિતની ભાવના અને એ ભાવનાપૂર્વક યથાશક્યવર્તનની અપેક્ષા છે. વર્તનમાં ઓછા-વત્તાપણું હોય તો તે આલોચનાદિથી શુદ્ધિ થઈ શકે. ભાવનામાં ન્યૂનતા માટે ભાવનાની પૂર્ણતા સિવાય બીજી કોઈ આલોચના નથી. બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. લૌકિકમાં જેમ કૃતઘ્નને કૃતજ્ઞતા સિવાય શુદ્ધિ માટે બીજું કોઈ પ્રાયશ્ચિત માન્યું નથી, તેમ લોકોત્તરમાં નમસ્કારભાવ વિના, સર્વજીવોના હિતાશય વિના, સર્વ જીવો પ્રત્યે સ્નેહભાવ વિકસાવ્યા કે અનુમોદ્યા વિના બીજું કોઈ પ્રાયશ્ચિત નથી કે શુદ્ધિકરણનો બીજો કોઈ ઉપાય નથી.
ત્રૈલોક્યદીપક-મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
20
www.jainelibrary.org