________________
રત્નને પ્રાપ્ત થયેલો અગ્નિ જેમ રત્નના મળને બાળી નાંખી શુદ્ધિને પેદા કરે છે, તેમ આત્મરત્નને પ્રાપ્ત થયેલો અનુપ્રેક્ષારૂપી અગ્નિ કર્મમલને બાળી નાંખી આત્મશુદ્ધિને પેદા કરે છે. અનુપ્રેક્ષા વિચાર સ્વરૂપ છે. જોયેલા, સાંભળેલા અને અનુભવેલા પદાર્થો ઉપર ફરી ફરી વિચાર કરવો, ચિંતન કરવું, એનું નામ અનુપ્રેક્ષા છે. એથી જ્ઞાન પરિપક્વ થાય છે, પ્રતીતિ દૃઢ થાય છે. પ્રતીતિ પૂર્વકનું દૃઢજ્ઞાન સંવેગ અને વૈરાગ્યની વૃદ્ધિ કરે છે તથા ચિત્તવૃત્તિને કૈવલ્ય અને મોક્ષ તરફ વાળે છે.
‘પરમેષ્ઠિનમસ્કાર’ પરની અનુપ્રેક્ષામાં એ બધા ગુણો રહેલા છે. ઉપરાંત કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યાવિચારોને ભગાડી દેવાનું પણ એનામાં સામર્થ્ય છે. એથી એના પઠન, પાઠન, શ્રવણ, મનન, પ્રતિપ્રત્તિ, સ્વીકાર વગેરેમાં મન લાગે છે; તેના જાપ, ધ્યાન વગેરેમાં પ્રવૃત્તિ થાય છે; અનુક્રમે સ્થિરતા આવે છે અને સિદ્ધિ મળે છે. સિદ્ધિ માટે સ્થિરતા જોઈએ, સ્થિરતા માટે પ્રવૃત્તિ જોઈએ અને પ્રવૃત્તિ માટે ઈચ્છા જોઈએ. એ ઈચ્છા પેદા કરવાનું સામર્થ્ય અનુપ્રેક્ષાસ્વાધ્યાયમાં રહેલું છે. એકની એક વાતનો પુનઃપુનઃ શાસ્ત્રાનુસારી વિચાર કરવાથી કુતર્કોનું બળ ઘટી જાય છે તથા ઈચ્છા અને પ્રવૃત્તિમાં પ્રતિબંધક કુવિકલ્પો શમી જાય છે.
‘પરમેષ્ઠિનમસ્કાર’ના મૂળમાં ‘ગુણરાગ’ રહેલો છે. ગુણરાગ એ ગુણહીન જીવોની ઉન્નતિમાં મુખ્ય હેતુ છે. જ્યાં સુધી જીવમાં દોષ રહેલા છે, ત્યાં સુધી તે દોષોમાંથી મુક્ત થવા માટે જેમ તેની પુનઃ પુનઃ નિન્દા અને ગીં આવશ્યક છે, તેમ જ્યાં સુધી જીવમાં ગુણોનો અભાવ છે, ત્યાં સુધી તે ગુણોની પ્રાપ્તિ માટે ગુણસ્તુતિ અને ગુણ પ્રશંસા પણ તેટલી જ જરૂરી છે.
દોષોના સેવનમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ જે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે, તેના કરતાં દોષોનું સેવન કર્યા બાદ તેની નિંદા, ગઈ, આલોચના કે પ્રાયશ્ચિત્ત નહિ કરનારને તે ઘણું વધતું જાય છે, યાવત્ અનંતગણું પણ બની જાય છે. એ જ નિયમ ગુણોના વિષયમાં પણ લાગુ પડે છે. કોઈ ગુણ જીવમાં ન હોવો એ તેટલું દોષપાત્ર નથી, જેટલું પોતામાં ગુણ ન હોવા છતાં જે ગુણવાન છે તેની સ્તુતિ કે પ્રશંસા, વિનય કે ભક્તિ નહિ કરવામાં દુષ્ટતા-દોષપાત્રતા રહેલી છે; એ કારણે દોષના પ્રતિક્રમણની જેમ ગુણોની સ્તુતિને પણ શાસ્ત્રકારોએ એક આવશ્યક કર્તવ્ય તરીકે પ્રબોધેલ છે.
ગુણસ્તુતિ વિના નિર્ગુણતાનિવારણનો બીજો કોઈ ઉપાય શાસ્ત્રકારોએ જોયો નથી. જ્યાં સુધી ગુણસ્તુતિના માર્ગે જીવ વળે નહિ, ત્યાં સુધી નિર્ગુણવસ્થામાંથી મુક્તિ મળવાની આશા આકાશકુસુમવત્ છે.
‘પરમેષ્ઠિનમસ્કાર’ ગુણ સ્તુતિરૂપ છે. સ્તુતિ ગુણવાનની જ હોય. પંચપરમેષ્ઠિ પ૨મ ગુણવાન છે, તેથી તેમની સ્તુતિરૂપ ‘પરમેષ્ઠિનમસ્કાર' ઉત્કૃષ્ટ મંત્રરૂપ બને છે. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ દેવતાની સ્તુતિને વિશિષ્ટમંત્રરૂપ કહે છે.
जपः सन्मंत्रविषयः, स चोक्तो देवतास्तवः । द्दष्टः पापापहारोऽस्माद्विषापहरणं यथा ॥ १ ॥
અર્થ :- જેમ તથાપ્રકારનાં મંત્રોથી વિષાપહાર થાય છે, તેમ દેવતાની સ્તુતિરૂપ સન્મત્રોથી પાપનો અપહાર થાય છે. (યોગબિન્દુ શ્લોક-૩૮૧)
‘પરમેષ્ઠિનમસ્કાર' ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં થઈ ગએલા, થઈ રહેલા અને ભવિષ્યમાં થનારા મહર્ષિઓને પ્રણામરૂપ હોવાથી પરમસ્તુતિરૂપ છે અને તેથી જ મહામંત્રરૂપ પણ છે. તેનાથી સર્વપાપનો સર્વથા નાશ થાય છે, એટલું જ નહિ તેનાથી સર્વ કાળ અને સર્વ લોકના સર્વ મહર્ષિઓનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. સાથે જ તેમના પર પ૨મ ભક્તિભાવને ધારણ કરનારા ચારેય નિકાયના દેવો અને દેવેન્દ્રો, અસુરો અને અસુરેન્દ્રો, વિદ્યાધરો અને નરેન્દ્રોનો પણ અનુગ્રહ પ્રાપ્ત થાય છે. પાંચેય પ્રકારના ભૂતો અને સમગ્ર સચરાચરસૃષ્ટિ અનુકૂળતાને ધારણ કરનારી બને છે. ગુણ સ્તુતિનું આ ઉત્કૃષ્ટ ફળ છે.
ગુણરાગનો પ્રભાવ વર્ણવતાં સકલ સિદ્ધાંતવેદી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે ઃगुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाऽधमबुद्धयः ॥ १ ॥
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org