________________
તાણ અને ખાન [૧] ૧૦૯ ઇન્દ્રિય ચેતનાથી સંબંધિત છે. વનસ્પતિમાં ઇન્દ્રિયનચેતના હોય છે. પાંચ ઇન્દ્રિયો નથી હોતી પરંતુ એક સ્પર્શેન્દ્રિય હોય છે. આથી વ્યાખ્યાકારોએ સંતોષ માન્યો કે તેમાં સ્પર્શેન્દ્રિય છે તો મતિજ્ઞાન માનવામાં કોઈ બાધ નથી. પરંતુ જ્યારે પ્રશ્ન ઊભો થયો કે વનસ્પતિમાં શ્રુતજ્ઞાન પણ છે ત્યારે વ્યાખ્યા કઠિન બની ગઈ. કારણ શ્રુતજ્ઞાન, ત્યારે હોય છે કે જ્યારે ભાષા હોય, તેની શ્રોત્રેન્દ્રિય હોય અને મનની વિકસિત અવસ્થા હોય. વનસ્પતિમાં ન તો ભાષા છે, ન શ્રોત્રેન્દ્રિય છે અને ન મનની વિકસિત અવસ્થા. અતીત અને અનાગતનું જ્ઞાન સંકલિત કરી શકે અને વર્તમાનમાં ઉપલબ્ધ જ્ઞાનની સામગ્રીને અતીત અને અનાગત સાથે સંતુલિત કરી શકે તેવી દીર્ધકાલીન સંજ્ઞા પણ વનસ્પતિમાં નથી હોતી. આ ક્ષમતા વનસ્પતિ જીવોમાં નથી હોતી. આવી સ્થિતિમાં તેમનામાં શ્રુતજ્ઞાન કેવી રીતે હોઈ શકે? તેઓએ તર્કનો આશરો લીધો અને તર્ક દ્વારા આ પ્રસ્થાપનાને ટેકો આપવાનો પણ પ્રયત્ન કર્યો. તેમની પાસે બુદ્ધિ હતી, તર્કબળ હતું. તેઓએ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો કે વનસ્પતિમાં શ્રુતજ્ઞાન સ્પષ્ટ નથી, છતાં પણ તેમનામાં અસ્પષ્ટ શ્રતજ્ઞાન છે. તેઓએ ઉદાહરણ આપીને કહ્યું કે – વનસ્પતિમાં કોધની સંજ્ઞા હોય છે, આહારની સંજ્ઞા હોય છે, ભય અને મૈથુનની સંજ્ઞા હોય છે. પરિગ્રહણની સંજ્ઞા હોય છે. આ બધું કથન બુદ્ધિના બળ પર હતું, તર્કના બળ પર હતું. તેના સાક્ષાત્કાર જેવી વાત ન હતી. દર્શનની સાથે સાક્ષાત્કારની પ્રક્રિયા છે જોડાયેલી હોત, પ્રયોગ અને પરીક્ષણની વાત જોડાયેલી હોત તો એ આચાર્યો વનસ્પતિ સંબંધમાં ઉપલબ્ધ સામગ્રીના આધાર પર કંઈક નવું જ આપી શકયા હોત. અગાઉમાં તેઓ નવું ઉમેરી શક્યા હોત. જેટલાં તથ્ય વિજ્ઞાનીઓ આપી રહ્યા છે તેટલાં તથ્ય એ રષિઓ પણ આપી શકયા હોત. પરંતુ એવું એટલા માટે નથી થતું કે સાક્ષાત્કારની પ્રક્રિયા છૂટી ગઈ છે.
આજે આપણી પાસે શબ્દ તર્ક અને ચિંતન સિવાય બીજું કોઈ જ્ઞાન નથી જેનાથી સાક્ષાત્કારની વાત થઈ શકે. એથી આપણી ચેતના કુંઠિત થઈ ગઈ. દર્શન લંગડું બની ગયું. તેનો એક પગ ભાંગી ગયો કે કાપી નખાયો. સાક્ષાત્કારવાળો પગ કપાઈ ગયો અને તર્કવાળો પગ લંગડાતો લંગડાતો ચાલવા લાગ્યો. સૌથી શક્તિશાળી પગ હતો અનુભવનો. તે કપાઈ જતાં તર્કની ઘોડી પર દર્શન ચાલતું રહ્યું. ઘોડીની એક મર્યાદા હોય છે. એ એક સીમિત સાધન છે. તેના ટેકે ચાલનાર ઝડપથી થાકી જાય છે. તેના પગ જ નથી થાકતા, ખભા અને હાથ પણ થાકી જાય છે. દર્શનની પણ આવી દશા બની ગઈ. તે લંગડું થઈ ગયું.
વૈજ્ઞાનિક વિશ્વમાં જ્યારે આ સ્થાપના થઈ કે વનસ્પતિ સજીવ છે, તેમાં ચેતના છે ત્યારથી વિવિધ પ્રયોગ અને પરીક્ષણ થવા લાગ્યાં. ડૉ. જગદીશચંદ્ર બોઝથી માંડીને આજ સુધી પ્રયોગ થતા રહ્યા છે અને રોજે રોજ નવી નવી જાણકારી મળતી રહી, જેની કલ્પના સામાન્ય માણસ નહિ કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org