________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૦
પ્રભવ આ સાંભળી દંગ થઈ ગયો. સુમિત્ર આ પછી પોતાના મહેલમાં આવ્યો. તે જાણતો હતો કે વનમાલા પવિત્રતાની મૂર્તિ છે. આ સાથે તેનામાં ગંભીરતા અને વિચક્ષણતા રહેલાં છે. એ મિત્ર પ્રભવને ત્યાં જઈ કુશળતાથી તેની ભૂલ સમજાવી તેને સન્માર્ગ પર લાવવામાં સમર્થ નીવડશે જ. રાજાએ વનમાલાને સંપૂર્ણ બીનાથી વાકેફ કરીને, પોતાના મિત્રને સુધારવાની જવાબદારી તેને સોંપી. વનમાલાએ તેનો સ્વીકાર કર્યો.
વનમાલા પ્રભાવને ઘેર પહોંચી. તેણે સંકલ્પ કર્યો હતો કે મારા શીલનું રક્ષણ કરીને, હું પ્રભવને જરૂર સુધારીશ. તે સતી સ્ત્રી હતી. તેના જીવનમાં પવિત્રતા હતી. આથી તે સતી સ્ત્રીની પવિત્રતાનો પ્રભાવ પ્રભવ ઉપર પડ્યા વિના ન રહ્યો.
પ્રભવ ભાન ભૂલ્યો હતો, પણ તેના સારા સંસ્કારોનાં મૂળિયાં મરી પરવાર્યાં ન હતા. પોતાના મિત્રની અગાધ વિશાળતા જોઈને તેના હૃદયમાં પરિવર્તન આવી ગયું. તેના મનમાં રહેલી દુષિત ભાવના ચાલી ગઈ. તેને પોતાની ભૂલ માટે ખૂબ પસ્તાવો થયો. પસ્તાવાની આ આગમાં તેનું હૃદય નિર્મળ થઈ ગયું. વનમાલા સામે જોવામાં પણ એ અનહદ શરમ અને સંકોચ અનુભવવા લાગ્યો. તેના ચરણોમાં પડીને પોતાના અશ્રુથી એ ચરણો ધોઈ નાંખ્યાં અને ગદ્ગદ શબ્દોમાં એ બોલ્યો – “દેવી! તમને ધન્ય છે. મારા પરોપકારી મિત્ર સુમિત્રને પણ ધન્ય છે. હું મહા પાપી છું, અને મેં અક્ષમ્ય અપરાધ કર્યો છે. દેવી! મારા નીચ સંકલ્પ પર હું ખૂબ ખૂબ શરમિંદો છું, મને ક્ષમા કરો. મારો અપરાધ માફ કરો. - વનમાલાએ પ્રભવને આશ્વાસન આપતાં કહ્યું, “આટલા બધા બેચેન ન બનો. માણસ માત્ર ભૂલને પાત્ર છે. તમારા અસત્ સંકલ્પ માટે તમને જે પશ્ચાત્તાપ થાય છે, તે તમારા જીવનને શુદ્ધ કરવા માટે સમર્થ છે. આથી ભૂતકાળ ભૂલી જાવ અને ભવિષ્ય માટે સત્ય સંકલ્પ કરો.”
આ પ્રકારે ધર્મમાર્ગમાંથી પતિત થતી વ્યક્તિને ઉગારી, ધર્મમાં સ્થિર કરી વનમાલા પોતાના મહેલમાં પાછી આવી. સુમિત્ર રાજાને એણે પ્રયોજન - સિદ્ધિના સુખદ સમાચાર આપ્યા. દંપતીએ ખૂબ હર્ષનો અનુભવ કર્યો. કારણ કે પોતાના પરમ મિત્રને પતનની ઊંડી ખીણમાં પડતો તેઓ બચાવી શક્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org