________________
[૧૦] ખેમો દેદરાણી
ગુજરાતમાં હડાળા નામે એક નાનું ગામ. ગામમાં દેદરાણી નામના એક શ્રાવક. તેમનો દીકરો તે ખેમાશાહ.
ચાંપાનેરથી મહંમદ બેગડો ગુજરાતનું રાજ્ય સંભાળે. કાળનું કરવું. રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો. મહંમદ બેગડાને ખૂબ ચિંતા હતી. દુષ્કાળના નિવારણ માટે કોઈ ઉપાય શોધવાની ગડમથલમાં તેઓ હતા. આ સમયે તેમના દરબારમાં એક ભાટ આવ્યો. કંઈક વાત નીકળી ને ભાટે શાહ લોકોના ગુણગાનની શરૂઆત કરી, “શાહ એ તો શાહ!' બાદશાહ કે પાદશાહ એ તો પા એટલે કે ચોથા ભાગના શાહ; અને જરા અર્થ વિચારીએ તો શાહમાંથી બાદ એ બાદશાહ. બાદશાહ શાહની તોલે ન જ આવે.”
મહંમદ બેગડાને આથી ખોટું લાગ્યું, પણ તેઓ આવી કોઈ તક શોધતા હતા. તેમણે આ તક ઝડપી લેતાં કહ્યું, “આ શાહ લોકો જો ગુજરાતના દુકાળનું નિવારણ કરે તો હું તેમને સાચા શાહ કહું અને તો જ આ ભાટની વાત સાચી છે એમ માનું.”
ચારણ કે ભાટ માટે આ વાત એક આવાહનરૂપ હતી, એક પડકાર હતી. ચારણ સ્વાભિમાની હતો. આ ઉપરાંત શાહોની ઉદારતા માટે તેના મનમાં ભરપૂર વિશ્વાસ હતો. આથી બાદશાહના પડકારને તેણે ઝીલી લીધો.
ચારણ દરબારમાંથી બહાર આવ્યો. મહાજનો (શાહો) પાસે આવીને બાદશાહે કરેલા પડકાર અને પોતે કરેલા સ્વીકારની વાત તેણે અથથી ઇતિ સુધી કહી સંભળાવી. એ સમયના શાહો ઘણા સ્વાભિમાની હતા. પોતાની પ્રતિષ્ઠા સાચવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવામાં પાછી પાની ન કરે તેવા એ લોકો હતા. તેમણે ચારણને આશ્વાસન આપતાં કહ્યું : “તમે જે કંઈ કર્યું છે તે બરાબર જ કર્યું છે. બાદશાહને જઈને અમારો સંદેશો કહો કે, આ દુકાળમાંથી પાર ઊતરવા માટે જોઈતી બધી ગોઠવણ કરવાની જવાબદારી શાહો પોતાના ઉપર લે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org