________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૪૫
દેવી નહીં.” પ્રતિષ્ઠાનું મુહૂર્ત સંવત ૧૮૯૩ના મહા સુદ દશમનું હતું. પરંતુ સંવત ૧૮૯૨ના પર્યુસણ પર્વ દરમ્યાન ભાદરવા સુદ એકમના દિવસે ૫૪ વર્ષની વયે શેઠ મોતીશાનો સ્વર્ગવાસ થયો.
પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતો ગયો. પતિના મનોરથ પૂર્ણ કરવાના ભાવથી દીવાળીબહેને તથા શેઠના દીકરા ખીમચંદભાઈએ પ્રતિષ્ઠાના સમયે મુંબઈથી પાલિતાણાનો સંઘ કાઢ્યો. સૌને આમંત્રણ હતું અને વિનંતી કરાઈ હતી કે કોઈએ શોક કરવાનો નથી.
સંઘ પાલિતાણા પહોંચ્યો. છૂટા હાથે દીવાળીબહેને દાનની વર્ષા કરી. કિન્તુ કુદરતના કાનૂન ન્યારા છે. પાલિતાણામાં જ દીવાળીબહેન અચાનક માંદાં પડી ગયાં. પથારીમાં સૂતાં સૂતાં તેમણે કહ્યું, “હું પણ જાઉં છું. ધર્મકાર્યમાં કોઈ વિક્ષેપ ન કરશો. પ્રતિષ્ઠા અદ્ભુત થવી ઘટે. હું તો પ્રતિષ્ઠા સુંદર રીતે થઈ રહી છે તેમ શેઠને કહેવા જાઉં છું.” એમ કહેતાં શેઠાણીનો પ્રાણ ઊડી ગયો.
શેઠ ખીમચંદભાઈએ સમય સાચવી લીધો. શોક નહીં કરીને અને કમર કસીને પ્રતિષ્ઠા માટે જરૂરી કામ ચાલુ રાખ્યું. શિલ્પી રામજીની વેદનાનો પાર ન હતો. ‘પોતે શેઠને સમજાવી ન શક્યો; કમૂરતાંએ ભાવ ભજવ્યો. મંદિર તો બનાવ્યું પણ પ્રતિષ્ઠા જોવા ના રહ્યા શેઠ - કે શેઠાણી રે! કેવો ભાવિભાવ!'
મહા સુદ દસમે, બરાબર મુહૂર્ત પ્રમાણે પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠાની પૂર્ણાહૂતિ થતાં આકાશમાંથી ઝરમર ઝરમર વર્ષા વરસવા લાગી અને પર્વતાધિરાજ શત્રુંજયની ચોમેર અલૌકિક હવા મહેકી ઊઠી. સકળ ચતુર્વિધ સંઘે સુવિખ્યાત ‘મોતીશાની ટૂંક'ને વધાવતાં ગાયું :
લાવે લાવે મોતીશા શેઠ નહન જળ લાવે છે! નવરાવે મરૂદેવા નંદ નવ્હન જળ લાવે છે! સકળ સંઘને હરખ ન માય નબન જળ લાવે છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org