________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૦
શેઠ, શાહુકારો રહે છે તે બધાને ધર્મનો લાભ મળશે.”
કેશીસ્વામીએ સમયની અનુકૂળતાએ શ્વેતાંબિકા પધારવા હા કહી. રાજી થઈ ચિત્તસારથિ પોતાના માણસો સાથે શ્વેતાંબિકા પરત આવ્યો અને શ્રાવસ્તિ નગરીના રાજાએ આપેલું નજરાણું તેણે પ્રદેશ રાજાના ચરણે ધર્યું.
કેટલાક સમયે કેશી ગણધર વિહાર કરતાં કરતાં શ્વેતાંબિકા નગરીના મૃગ ઉદ્યાનમાં પધાર્યા. ચિત્તસારથિના આદેશ મુજબ ત્યાંના માળીએ મુનિનું યોગ્ય સ્વાગત કર્યું અને પાટ, પાટલા વગેરે જરૂરી ચીજોની સગવડ કરી આપી.
ચિત્તસારથિને ખબર મળવાથી, પોતાના ધર્માચાર્યના આગમનથી ખૂબ આનંદ થયો અને કેશીસ્વામીને વંદન કરી તેમનો ઉપદેશ સાંભળવા આવ્યો. વંદન કરી તેણે ગુરુજીને કહ્યું, “પ્રભુ! અમારો રાજા અધર્મી છે તો તેને આપ ધર્મબોધ આપો તો ઘણો લાભ થશે.” ત્યારે કેશીસ્વામી બોલ્યા, “હે ચિત્ત! જીવ ચાર પ્રકારે કેવળી પ્રરૂપિત ધર્મ પામે છે :
૧. આરામ અથવા ઉદ્યાનમાં રહેતા સાધુમુનિને વંદન કરે. ૨. ઉપાશ્રયમાં સેવાભક્તિ કરે. ૩. ગોચરી વખતે સાધુમુનિની સેવા કરે, ભાત-પાણી વહોરાવે. ૪. જ્યાં જ્યાં સાધુમુનિને દેખે ત્યાં ત્યાં પ્રેમપૂર્વક તેને વંદન કરે.
હે ચિત્ત! તમારો પ્રદેશ રાજા આરામમાં પડ્યો રહે છે, સાધુમુનિનો સત્કાર કરતો નથી. તો હું તેમને કેવી રીતે ધર્મબોધ આપું.”
ચિત્તસારથિએ કહ્યું, “પ્રભુ! મારે તેમના સારુ ઘોડા જોવાને માટે સાથે ફરવા નીકળવાનું છે તો તે રીતે હું તેમને આપની પાસે લાવીશ. આપ ત્યારે તેમને ધર્મબોધ આપજો.” એટલું કહી ચિત્ત સ્વસ્થાનકે ગયો.
બીજે દિવસે સવારે ચિત્તસારથિએ પ્રદેશી રાજાને કહ્યું: “કંબોજ દેશથી જે ચાર ઘોડા આવ્યા છે, તે ચાલવામાં કેવા છે તે જોવા સારુ પધારો.” તે સાંભળી પ્રદેશી રાજા તૈયાર થયો. ચાર ઘોડાથી રથને જોડી બન્ને જણ એમાં બેસી સહેલગાહે ઊપડ્યા. ઘોડા ઘણા પાણીદાર હોવાથી જોતજોતામાં ઘણા દૂર નીકળી ગયા. રાજાને તરસ અને ભૂખ લાગવાથી ચિત્તસારથિને પાછા ફરવા જણાવ્યું. ચિત્તે સમજપૂર્વક જ્યાં કેશી ગણધર ઊતરેલા હતા તે મૃગ ઉદ્યાનમાં રથ લાવીને ઊભો રાખ્યો. તેણે ઘોડાઓને છૂટા કર્યા અને થાક ખાવા તેઓ એક ઝાડની નીચે બેઠા. થોડે જ દૂર કેશી સ્વામી બુલંદ અવાજે દેશના આપી રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org