________________
[૫૮]
શ્રમણભદ્ર
ચંપાનગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને શ્રમણભદ્ર નામે પુત્ર હતો. તેણે એક દિવસ ધર્મઘોષ નામના ગુરુમહારાજ પાસે ધર્મોપદેશ સાંભળ્યો. આ ઉપદેશ સાંભળીને કામભોગથી વિરક્ત થયેલા શ્રમણભદ્રે દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી ખૂબ જ ઊંડાણથી ધાર્મિક અભ્યાસ કર્યો. ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી.
એક વાર તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશમાં વિહાર કરતાં, શરદ ૠતુને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રિને વિષે પ્રતિમા ધારણ કરીને રહ્યા. ત્યાં સોયની અણી જેવા તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તે મુનિના કોમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી ચૂસવા લાગ્યા. ડંખવામાં મશગુલ એવા ડાંસોએ લોહી ચૂસી ચૂસી સુવર્ણ પર્ણ જેવા તે મુનિ લોહના વર્ણ જેવા શ્યામ થઈ ગયા. ડાંસોના ડંખથી મુનિના શરીરમાં મહાવેદના થતી હતી તો પણ ક્ષમાધારી તે મુનિ તેને સમતાપૂર્વક સહન કરતા રહ્યા. તેમણે ડાંસોને ઉડાવવાનો લેશ પણ પ્રયત્ન ન કર્યો અને મનથી વિચારતા રહ્યા, “આ વ્યથા મારે શી ગણતરીમાં છે? આનાથી અનેક ગણી વેદના નરકમાં મેં અનંત વાર સહન કરી છે. નારકીમાં ઉત્પન્ન થતી વેદનાનું સંપૂર્ણ વર્ણન જ્ઞાનીઓ પણ કરવા સમર્થ નથી અને આ શરીર આત્માથી ભિન્ન છે તેમ જ આત્મા શરીરથી ભિન્ન છે, તો મારે શરીર પર મમતા શું કામ કરવી?” ઇત્યાદિ વિવેક કરીને શુભ ભાવ ભાવતાં ભાવતાં તે મુનિ તે મહાવ્યથાને સહન કરતા રહ્યા. તે ડાંસોના કરડવાથી તેમના શરીરનું સઘળું લોહી શોષાઈ ગયું, તેથી તે જ રાત્રિએ તે મુનિ કાળ કરીને સ્વર્ગે સિધાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org