________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૮૮
અંગોને યૌવનનો પ્રથમ સ્પર્શ આપ્યો. ગાઢ આપ્લેશમાં બન્ને ગૂંથાઈ ગયાં. ચંદ્ર પણ જાણે શરમાઈ ગયો. સંગનું અનેરું સુખ બન્નેએ ભોગવ્યું. તૃપ્તિનો આનંદ એમના ચહેરા ઉપર રમી રહ્યો. આ રીતે ગાંધર્વ વિવાહથી બન્ને જોડાઈ ગયાં.
વળી નાવડું આગળ ચાલ્યું. સમય ક્યાં પસાર થયો તેની તેઓને ખબર પણ પડી નહીં. પૂર્વમાં સૂર્ય ઊગ્યો. તેઓ એક કિનારે ઊતર્યો. સુંદર લાગતી હતી એ ભૂમિ. તેઓ થોડુંક ચાલ્યાં. બન્ને જણ એકબીજાનાં પગલાં પડતાં હતાં તેનાં વખાણ કરતાં આગળ ને આગળ ચાલતાં હતાં.
ત્યાં એમની નજર દૂર પહોંચી. બાપ રે! બિહામણા લાગતાં માણસો હથિયારો સાથે એમની નજીક આવી રહ્યા હતા. તે લૂંટારાઓ હતા. તરંગવતી ગભરાઈ ગઈ, સ્વામીની સોડમાં લપાઈ ગઈ ને ચિત્કાર કરી ઊઠી, “બાપ રે! હવે શું થશે? પદ્મદેવે તેને હિંમત આપી. કહ્યું, “હું છું. તું ગભરાય છે કેમ? હું પહોંચી વળીશ.” પણ તરંગવતી ન માની. સામે આટલા બધા લૂંટારા હથિયારો સાથે અને તેનો સ્વામી એકલો. તેણે કહ્યું, “ના, આપણે લડવું નથી. જોખમ ઘણું છે. અત્યારે શરણે થવું એ જ ડહાપણ છે.”
લૂંટારા નજીક આવી પહોંચ્યા. તેઓએ તીરકામઠાં બતાવી તેમને ડરાવવા પ્રયત્ન કર્યો. તેઓએ પદ્મદેવને પકડી લીધો. તરંગવતીના શરીર ઉપરનાં આભૂષણો નિર્દય રીતે ઉતારી લીધાં. તેણે જોરથી રડવા માંડ્યું ત્યારે એક લૂંટારો જે તેમાં નાયક જેવો લાગતો હતો તેણે તરંગવતીને મૂંગી રહેવા જણાવ્યું, “વધારે હોહા કરીશ તો તારા ધણીને મારી નાખીશ” એવી બીક બતાવી. પતિને મારી નાખવાની વાત શી રીતે સહન થાય? તરંગવતીએ માંડ રુદન દબાવી દીધું, પણ નિઃસાસા ન રોકી શકી. પદ્મદેવ પાસે રત્નની પોટલી હતી તે લૂંટારાઓએ પડાવી લીધી. તરંગવતીના કહેવાથી તેનો પતિ બળપ્રયોગથી દૂર રહ્યો. મૂલ્યવાન રત્નો જોઈ લૂંટારા રાજી થઈ ગયા અને તે બંનેને બિહામણા રસ્તાઓ ઉપર ચલાવી એક પર્વતની ભયાનક કોતરમાં ગુફા હતી ત્યાં લઈ ગયા. ગુફામાં એક અદ્ભુત મંદિર હતું અને ત્યાં દેવીની મહાપૂજનનો ઉત્સવ ચાલતો હતો. કેટલાક ગાતા હતા, કેટલાક નર્તન કરતા હતા. એક પછી એક, ચોરો લૂંટનો માલ જે લાવેલા તેનો ત્યાં ઢગલો કરતા હતા. તરંગવતી અને પધદેવ બંધનમાં હતાં. મૂંગામૂંગાં જે થાય તે જોયા કરવા સિવાય બીજો કોઈ તેમને માટે ઉપાય ન હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org