________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૨૦
હતા અને વિપત્તિમાં ભમતા હતા ત્યારે મેં તમને પાણી પાયું હતું. મને ખબર પડી કે આપ તો ચક્રવર્તી થયા છો, તો તમને મળે તો મારું દળદર ફીટે. આવા આશયથી અહીં આ રીતે ઊભો છું.' ચક્રવર્તીએ તેને ઓળખ્યો. પ્રસન્ન થઈ તેને જે જોઈએ તે માંગવા કહ્યું. મંદબુદ્ધિના બ્રાહ્મણે પોતાની સ્ત્રીએ શીખવ્યા પ્રમાણે પ્રતિદિન નવા ઘરે જમણ તથા દક્ષિણામાં બે સોનામહોર મળે તેવી વ્યવસ્થા કરી આપવા જણાવ્યું. રાજાએ બીજું કાંઈ સારું માંગવા કહ્યું, પણ તેણે માન્યું નહીં, એટલે રાજાએ બ્રાહ્મણની માગણી મુજબ પ્રબંધ કરી આપ્યો અને તેના કહેવાથી આની શરૂઆત પોતાના રસોડેથી કરાવી.
ચક્રવર્તીએ બ્રાહ્મણને સમજાવ્યો કે મારા માટે કરેલી રસોઈ તને નહીં ફાવે. પણ તે માન્યો નહીં. ચક્રવર્તીએ પોતાના રસોડે બ્રાહ્મણને સપરિવાર જમાડ્યો અને સારી દક્ષિણા આપી. પણ ચક્રવર્તીનું અતિગરિષ્ઠ ભોજન જીરવવું કઠણ હતું. ઘરે આવ્યા પછી સહુને તેનો કેફ ચડ્યો. રાત્રિને સમયે તેણે બહેન, માતા સાથે પશુવત્ નિષિદ્ધાચરણ કર્યું. સવારે જ્યારે ભાન થયું ત્યારે તેને ઘણી લજ્જા આવી ને સાથે ચક્રવર્તી ઉપર ક્રોધ આવ્યો. આ અપકૃત્ય તે રાજાએ જાણીજોઈને કરાવ્યું છે એવું તેને લાગ્યું. તેથી તે રાજાનો વેરી થયો અને આ ચક્રવર્તીને તો મારી નાખવો જોઈએ' એમ વિચારી તેને કેમ મારવો તેનું ચિંતવન કરવા લાગ્યો.
એવામાં તેણે જંગલમાં એક પાકો નિશાનબાજ જોયો. તે ગલોલથી ઝાડ ઉપરના પાંદડાને ધાર્યાં કાણાં પાડી શકતો હતો. તેણે તેને કેટલુંક દ્રવ્ય તથા બીજી મોટી લાલચ આપી તેના દ્વારા ચક્રવર્તીની બન્ને આંખો ફોડાવી નાખી. પણ તે નિશાન-બાજ પકડાઈ ગયો. તેણે બ્રાહ્મણનું નામ આપી દીધું રાજાએ પરિવાર સાથે બ્રાહ્મણને મારી નંખાવ્યો, છતાં ચક્રવર્તીનો ક્રોધ ઓછો થયો નહીં. તેણે આજ્ઞા આપી કે થોડા બ્રાહ્મણોને રોજ મારી નાખવા અને તેમની આંખો મને આપવી. આમ રોજ કરવામાં આવતું ને તેમની આંખો હાથેથી ચોળી ચક્રવર્તી ઘણો રાજી થતો. આવી રીતે ઘણા નિર્દોષ જીવોનો ઘાત થતો જાણી મંત્રીએ આંખના આકાર જેવાં ફાડેલાં વડગુંદાં આપવાનું ચાલુ કર્યું. તે વડગુંદાં બ્રાહ્મણોની આંખો જ છે એમ ચક્રવર્તી સમજતો. આ રીતે તેણે સોળ વર્ષ આ પાપ કર્યા કર્યું. છેવટે રૌદ્ર ધ્યાનમાં મૃત્યુ પામી તે સાતમી નરકે ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org