________________
૪૧૦
પૂ. વેલબાઈ મ. તથા પૂ. માણેકબાઈ મ. ત્યારપછી જીવીબાઈ મહાસતીજીના નામનો સંઘાડો ચાલ્યો. શ્રી માણેકબાઈ મહાસતીજીનો જન્મ વિ.સં. ૧૯૪૭, ભાદરવા વદિ-૫ના મુન્દ્રા (કચ્છ) મુકામે દશાશ્રીમાળી જ્ઞાતિમાં પિતા શ્રી કુશલચંદભાઈ દોશી તથા માતાશ્રી જેવતીબહેનની કુક્ષિએ થયો હતો. તેમની દીક્ષા વિ.સં. ૧૯૭૧, મહાસુદિ-૧૧, મંગળવારના માનકૂવા મુકામે પૂ. ડાહીબાઈ મહાસતીજી આદિ ઠાણાઓની નિશ્રામાં થઈ હતી. તેઓશ્રી ખૂબ જ વિચક્ષણ હોવાથી ટૂંક સમયમાં શાસ્ત્ર-સિદ્ધાંતના જ્ઞાનમાં પારંગત બન્યા હતા. દીક્ષા પહેલાના માણેકબહેન, માણિક્યબાઈ મહાસતીજી થયા પછી કેટલાક વર્ષો બાદ તેમને દેખાવમાં દુષ્ટ નહિ, પણ વેદના ઘણી એવું કંઠમાળનું દર્દ થયું તથા દૃષ્ટિએ દેખાય નહિ. અગાઉ આટલા ડૉક્ટરી સાધનો ન હતા. કર્મોદયે કંઠમાળ ફૂટી અને ભયંકર વેદના થવા લાગી. ખોરાક લેવામાં પણ બહુ જ તકલીફ પડતી. પરંતુ પોતે સુજ્ઞ, સહનશીલ આત્મા હોવાથી સમભાવે વેદના સહતાં. કાળક્રમે ઉપચારોથી દર્દ શાંત થયું પણ એટલો ભાગ નબળો થઈ ગયો. જેથી વિહારમાં પોથી ઉપાડી શકાય નહિ. આ પરિસ્થિતિ જોઈને પૂ. જીવીબાઈ મહાસતીજીએ તેમને કહ્યું, “વેલુ ! તું માણેકબાઈની સાથે રહી સહાયક બનજે.’’ તેમણે નતમસ્તકે ગુરૂણીની આજ્ઞા સ્વીકારી. તે દિવસથી વેલ-માણિક્ય મહાસતીજી સાથે વિચરવા લાગ્યા. ત્યારથી તેમની જોડી વખણાઈ.
પરસ્પર સમર્પણ : સામાન્ય રીતે શિષ્યા ગુરૂણીની સેવા કરે પરંતુ અહીં તો ગુરૂણી શિષ્યાની સેવા કરવા લાગ્યા. એકવાર પૂ. વેલબાઈ મહાસતીજીના હાથે વીંછી કરડ્યો. તેની ભયંકર વેદના હોવા છતાં મુખમાંથી ઊંહકારો પણ નહીં, રાતે પરઠવવા ય પોતે ગયા. પૂ. વિચક્ષણ મહાસતીજી શ્રી માણેકબાઈ આર્યજી પણ એમના તરફ એવો પૂજ્યભાવ રાખતા કે પોતાના જ્ઞાનનું અંશમાત્ર મિથ્યાભિમાન નહિ. પૂ. ગુરૂણીનું માન, મોભો, ગૌરવ, પોતાથી વધારે જાળવતા. ક્ષીર-નીરની જેમ ગુરૂણી-શિષ્યાનો સંબંધ સદૈવ ઝળહળતો રાખ્યો.
ગોચરી વહોરવાની પ્રેરણાદાયી પદ્ધતિ
પૂ. વેલબાઈ મહાસતીજીની ગોચરી વહોરવાની રીત વખણાતી. એમનો વિવેક ખૂબ જ હતો. દરેક લોકોને વારાફરતી લાભ આપે. એક પીઢ બહેન પૂ. ઉજ્જવળકુમારીજી મ. આદિને કહે, તમે બધા ગોચરી વહોરો પણ વેલબાઈ મહાસતીજી જેવી ગોચરી કોઈની નહિ. તેઓશ્રીએ એવું લાભાંતરાય કર્મ તોડેલું કે સામાન્ય ગામમાં ગોચરી પધારે તો ય સરસાઈવાળી ગોચરી લાવે. જ્ઞાનાભ્યાસી, તપસ્વી, નવદીક્ષિતા, વડીલો આદિને નિર્દોષ ગોચરી દ્વારા ખૂબ જ શાતા ઉપજાવતા. ધન્ય છે તેમની વૈયાવચ્ચની ઉત્કૃષ્ટ ભાવનાને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org