________________
આ પ્રકારના પટ સામાન્ય રીતે ચોરસ, લંબચોરસ અને ગોળ જેવી ભૌમિતિક આકૃતિઓમાં રજૂ કરવામાં આવે છે. એમાં સમવસરણ, સુશોભન અને અચૂકપણે કેન્દ્રમાં બેઠેલા તીર્થંકરની આકૃતિ ચીતરવામાં આવે છે. પ્રતીકોને મંત્રાવર(મંત્રના અક્ષરો) સાથે લાલ દેવનાગરી લિપિમાં આલેખવામાં આવે છે. યંત્ર તરીકે ઓળખાતી આ ગૂઢ કૃતિઓનું મુખ્ય પ્રયોજન આધ્યાત્મિક તેમ જ ભૌતિક શ્રેય પ્રાપ્ત કરવાનું હોય છે.
ત્રીજા વર્ગના પટોમાં તીર્થપટોનો સમાવેશ થાય છે: ૧. પંચ તીર્થ પટો ૨. વિવિધ તીર્થ પટો ૩. શત્રુંજય તીર્થ પટો અને અન્ય પટો
જૈન માન્યતા અનુસાર દરેક શ્રાવકે જ્ઞાનપ્રાપ્તિ અર્થે જીવનમાં ઓછામાં ઓછી એક વાર શત્રુંજય તીર્થની યાત્રા કરવી જોઈએ. સાથે સાથે તેણે મુખ્ય પાંચ તીર્થોની પણ પૂજા કરવી જોઈએ. અર્થાત્ દરરોજ આબુ, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને શત્રુંજયની ચિત્રમય આકૃતિઓની એક સાથે પૂજા કરવી જોઈએ. આ પ્રયોજન અર્થે જ આ વર્ગના પટો બનાવવામાં આવે છે. પંચતીર્થ પટના પ્રાચીન નમૂનામાં જૈન ચિત્રકળાની રૂઢ અને પરંપરાયુક્ત વિશિષ્ટ શૈલીનાં દર્શન થાય છે. પરંતુ સોએક વર્ષ પછી શીર્ષકવાળા કળાત્મક નકશાની કક્ષાએ તે જઈ પહોંચે છે. આને અનુસરીને વીસમી સદીમાં બે કે ત્રણ પરિમાણયુક્ત પટ પણ મળે છે. આવા પરિમાણવાળા અને તીર્થો દર્શાવતા પટ પથ્થર કે લાકડાના માધ્યમમાં કોતરેલા કે કંડારેલા હોય છે. અત્યારે જુદા જુદા રંગની ઝીણી કપચી તથા કાચની રંગીન કપચીથી તૈયાર થતા વિશાળ પટો પણ જોવામાં આવે છે. વિવિધ તીર્થપટોમાં મુખ્ય પાંચ કરતા વધારે તીર્થ પણ ચીતરેલા હોય છે. અમદાવાદમાં ઈ.સ. ૧૬૪૧માં ચીતરાયેલા પટોનું મહત્ત્વ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહિ, પણ તે તે સમયની જૈન ચિત્રશૈલીનાં ઉત્કૃષ્ટ નિદર્શનો મળતાં હોવાથી કળાની દૃષ્ટિએ પણ છે. શત્રુંજય તીર્થ પર સારા પ્રમાણમાં જુદા જુદા માપના અને જુદા જુદા માધ્યમમાં પટ મળી આવે છે. એમાં તે તીર્થની યાત્રા કરતી વખતે માર્ગમાં આવતાં ઝરણાંઓ, ટેકરીઓ નદીઓ, શિખરમંડિત ફરફરતી ધજાવાળાં મંદિરો, નાનાં મંદિરો, મકાનો, ધર્મશાળાઓ, વૃક્ષો, કુંડો, સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સુંદર રીતે રેખાંકિત છે. તથા એ સર્વ રંગવૈવિધ્યથી, શોભાશણગારથી ચિત્રિત હોઈ કળાત્મકતાની દષ્ટિએ આકર્ષક છે.
છેલ્લા અને ચોથા વર્ગમાં નીચે પ્રમાણેના વસ્ત્રપટોનો સમાવેશ થાય છે. : ૧. વિજ્ઞપ્તિ પત્રો : જૈન મુનિઓને ચાતુર્માસ ગાળવા માટે પધારવા વિનંતી કરતા પત્ર. ૨. ક્ષમાપના પત્રિકા ૩. ચિત્રકાવ્ય પટ ૪. જ્ઞાનબાજી-સાપસીડીની રમત જેવો પટ ૫. જન્મકુંડળીઓ ૬, અન્ય જુદા જુદા વિષયના પટ ૭, વહીવંચાનો ઓળિયો, જૈન વંશાવલિનો પટ
વિજ્ઞપ્તિ પત્રો પહોળાઈમાં સાંકડા અને લંબાઈમાં ખાસ્સા લાંબા હોય છે. આ પત્ર કાગળ પર ચીતરી કપડા પર ચીપકાવવામાં આવેલા હોય છે અને તેમાં પોતાના નગરનાં મહત્ત્વનાં, સુંદર જોવાલાયક સ્થળોનું કાવ્યમય વર્ણન કરેલું હોય છે. આ પટો રૂઢ, પરંપરાગત શૈલીમાં જ બનાવવામાં આવે છે. મોટે ભાગે આ પટ જે તે સ્થળના સ્થાનિક ચિત્રકારો તૈયાર કરી આપતા.
આ પ્રકલ્પ દરમિયાન મેં જુદે જુદે સ્થળે શ્વેતાંબર તેમ જ દિગંબર જૈન મંદિરોમાં ભીંતચિત્રો અને પટચિત્રો જોયાં. ભીંતચિત્રો અને વસ્ત્રપટો પરનાં ચિત્રો લુપ્ત થઈ ગયાં છે. ફક્ત બે મંદિરોમાં જૂનાં ભીંતચિત્રો જોવા મળ્યાં, જે અત્યારે લગભગ નષ્ટપ્રાય દશામાં છે. આશરે સવાસો વરસ જૂનાં ભીંતચિત્રો ચિત્રકળાના ઉત્તમ નમૂના સમા છે. લઘુચિત્રોની પરંપરાનો ખ્યાલ આપતાં આ ચિત્રોમાં શ્રેષ્ઠ ચિત્રસંયોજન, સીમિત રંગો, લાવણ્યમય આકૃતિઓ, અલંકારો અને વેશભૂષાથી સજ્જ માનવ આકૃતિઓ, સુદેઢ રેખાંકન, પ્રકૃતિનું વૈવિધ્યપૂર્ણ દર્શન, પર્વતની વિવિધ સંરચના, જળચર અને ભૂચર પ્રાણીઓ પ્રાચીન પરંપરાના ખૂબ જ મહત્ત્વનાં ઉદાહરણો છે અને તેની મેં અનુકૃતિઓ પણ કરી છે. તાંત્રિક અને રહસ્યમય અંશો દર્શાવતા, વાંકી અને સીધી રેખાઓની અદ્ભુત લીલા પ્રગટ કરતા, જૈન ભૂગોળ, ખગોળનું રહસ્ય સમજાવતા પટ પણ ભીંતચિત્રોમાં ચીતરાયલા છે.
ખાસ કરીને તો લાકડાના પટ ખૂબ ધ્યાન ખેંચે એવા છે. જોકે મંદિરોનો પુનરુદ્ધાર થતાં આ કળાકારીગરી લુપ્ત થઈ છે. ઘણું જ સુંદર અને નજાકતભરેલું કાષ્ઠ શિલ્પકામ અને તેના ઉપરનું ચિત્રકામ પણ લુપ્ત થયું છે એ એક દુઃખદ ઘટના છે. પરંતુ આજે થોડાંક મંદિરોમાં એ જૂની પરંપરાની ઝલક પ્રત્યક્ષ જોવા મળે છે. જૈન પૂજનવિધિનાં ઉપકરણો, પ્રાચીન પંચધાતુની અસંખ્ય સુંદર મૂર્તિઓ, પાષાણની દિવ્ય પ્રતિમાઓ, ઘુમ્મટ, છત, સ્તંભો અને ભારોઠિયા પરનું સુંદર ચિત્રકામ આજે પણ જોવા મળે છે, એમાં વિશેષ આકર્ષણ લાકડા પર ચિત્રિત પંચતીર્થના પટો છે. ઘણાં મંદિરોમાં સુરક્ષિત રહેલા આ પટો જૂની ચિત્રપરંપરાની સાક્ષી પૂરે છે. એ જમાનાની સમૃદ્ધિ, લોકજીવન, સામાજિક જીવન, ધાર્મિક ભાવના, તીર્થકરોની દિવ્ય આકૃતિઓ સાધુ-સાધ્વી અને શ્રાવકો, આધ્યાત્મિક પરિવેશ, સુવર્ણમંદિરો, ઘુમ્મટો-શિખરોથી શોભાયમાન છે. કાઇસ્તંભો પર વાજિંત્રો વગાડતી દિવ્ય અપ્સરાઓ-પૂતળીઓ, સુંદર કોતરણીવાળા સ્તંભો ઉપર ચિત્રિત વિવિધ મુદ્રામાં આકૃતિઓ – આ બધું ઉત્કૃષ્ટ કળાનું દ્યોતક છે. સોનેરી રંગનો સુંદર વિનિયોગ કરીને પ્રાચીન જૈન ચિત્રશૈલીમાં જે આલંકારિક સુશોભન કરવામાં આવતું હતું કે આ બધા પટોમાં જળવાઈ રહ્યું છે.
૨૪: જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org