________________
સ્વપ્ન શિલ્પીઓ
સોંપીને બસ કર્મ કરું છું. ખાનપાનમાં મિતાહારી અને કુદરતના ક્રમ સાથે તાલ મિલાવતો ચાલું છું. માણસ ખાનપાન, આહારવિહારમાં પ્રકૃતિથી દૂર જાય એટલે દુઃખી થાય છે.' નિયમિત જીવન અને કુદરતે જ પૂ. શાસ્ત્રીજીને નિરામય આરોગ્ય બક્યું છે. તેઓ શ્રદ્ધાટંકાર કરતાં કહે છે “હું સદી પૂરી કરવાનો છું.”
લોકવાર્તાઓનો સમર્થ રખેવાળ : મૌલિક માણિગર કાનજી ભુટા બારોટ
પૃથ્વીના પટ પર વસતો કાળા માથાનો માનવી ઈશ્વરની અકળ લીલાનો પાર ક્યારેય પામી શક્યો છે ખરો? નોરતાની નવમી રાતે કાળદેવતાએ ચૂપચાપ આવી સૌરાષ્ટ્રના સમર્થ લોકવાર્તાકારને આપણી વચ્ચેથી એકાએક જ ઉપાડી લીધા. એ તારીખ હતી ૨૮મી સપ્ટેમ્બર. એ વર્ષ હતું ૧૯૯૦નું અને એ કલાકાર હતા. લોકવારતાના મરમી અને કામણગારી કથનશૈલીના શહેનશાહ સ્વ. કાનજી ભુટા બારોટ. એમના અલખને દરબાર ગયાને આજે દસ વર્ષનાં વહાણાં વાયાં ભાઈ! કાનજી ભુટા બારોટની સ્મૃતિને એક દાયકા પછીયે લોકસાહિત્યના પ્રેમીઓ પોતાની હૈયા-કટોરીમાં હેમખેમ સાચવીને બેઠા છે. લોકહૈયાં પર અહર્નિશ રાજ કરનારા સમર્પિત કસબી કલાકારોની યાદનાં પગલાંને તો કાળદેવતાય ભૂંસી શકતા નથી.
એમના વ્યક્તિત્વની છાપ મારા સ્મરણપટ પર આજેય એવીને એવી અકબંધ છે. દેશી સુરવાળ, પહોળી બાંયની કફની, કાળા રંગની બંડી અને માથે બારોટશાહી ધોળો ફેંટો ધારણ કરી કાઠિયાવાડના કોઈ ગામડે, કાઠી દરબારની ડેલીએ કે ગામના ચોરે બેસી કાનજીબાપા દેશી સતારના તાર રણઝણાવતા ‘રાજા વીર વિક્રમ', ‘હોથલપદમણી’, વીર માંગડાવાળો', ‘રા’નવઘણ’, ‘કસ્તુરી મૃગ’, ‘કન્યાદાન’, ‘સાંઈ નેહડી', ‘સતી વિકોઈ', ‘સોન કંસારી', ‘જીથરો ભાભો', ‘હકો ભાભો’, ‘કાળિયો ઢગો’ જેવી કંઈક કંઈક વાર્તાયું માંડતા ત્યારે મોરલી માથે મણિધર ડોલે એમ હજારોની માનવમેદની ડોલવા માંડતી. વિશિષ્ટ લોકભોગ્ય તળપદી શૈલીમાં વાઘા પહેરી ગીતસંગીતથી મઢાઈને આવતી વારતાઓનું સામ્રાજ્ય શ્રોતાઓનાં હૈયાં પર અજબગજબની અસર ઊભી કરતું. મધરાતનો ગજર ભાંગી ગયો હોય, બારોટજીએ પોતાની દેશી સતારના સથવારે કોઈ લાંબી વારતાની જમાવટ કરી દીધી હોય અને હોંકારા, પડકારા
Jain Education International
૪૪૫
ને વાહવાહથી વાર્તાકારને દાદ દેતા હોય, ઝમઝમ કરતી રાત વહેતી જાય. પ્રાગડના દોરા ફૂટે પણ બારોટજીની વાર્તા નો ખૂટે. એક જ વારતા એક આખી રાત કે પછી બબ્બે ત્રણ ત્રણ રાતો ચાલે. શ્રોતાઓ બેઠાં ઈ બેઠાં. નો હાલે નો ચાલે. નો બોલે નો ડોલે. ચીત્તરમાં ચીતરાઈ ગયાં હોય એવો માહોલ, ઠાઠ અને ઠસ્સો. આ લેખક અને આ ગ્રંથના સંપાદકે પણ માણ્યો છે.
સૌરાષ્ટ્રમાં ચારપાંચ પ્રકારે વારતાઓ કહેવાય છે. ચારણો દુહા, છંદ સાથે ગીતો મઢી વારતા માંડે છે. ભરથરી રાવણહથ્થા પર વારતારસ રેલાવે છે. રાવળદેવ ડાક માથે વારતાની બઘડાટી બોલાવે છે, જ્યારે બારોટ વારતાકારો સિતારના સૂરના સથવા૨ે વારતાયું માડે છે. સ્વ. કાનજી ભુટા બારોટ જ્યારે વારતા માંડતા ત્યારે વાણીના નવેય રસ એમની વાર્તાસૃષ્ટિમાં વિહાર કરવા ઊતરી આવતા. એમાં અદ્ભુત અને શૃંગાર રસ આવે. ફરહાણરૂપે હાસ્યરસ આવે ત્યારે હસી હસીને સાંભળનારના પેટમાં આંટિયું પડી જતી. વીરરસની વાણીમાં અભિનય સહ તેઓ શૌર્યકથા માંડતા ત્યારે આપણી આંખ આગળ ઘોડાઓની તડબડપાટી. તરવારોનો તાશીરો અને મારો મારો’ના ધીંગાણાંનાં દૃશ્યો દેખાવા માંડતાં, કાચાપોચા માનવીના તો કાળજાંય થડકવા માંડતાં. એમનાં રૂવાડાં બણણાટ દેતાં બેઠાં થઈ જતાં. એમની વારતાની સાથે દેશી સિતારનું સંગીત સતત સંગત કર્યા કરતું. એમાં આવતા કરુણ રસ વખતે પરજના કરુણ સ્વરો બારોટજી છેડતા ત્યારે હૃદયના તાર હલબલાવી નાખતા.
વારતાકળાની એમની બીજી ખૂબી એ હતી કે વાર્તાઓમાં આવતાં જુદાં જુદાં પાત્રોને અનુરૂપ બોલીનો લહેકો તેઓ જે તે પાત્રમાં ઓતપ્રોત થઈને રજૂ કરતા, જેથી શ્રોતાઓ પર એમનો ધાર્યો પ્રભાવ પડતો. કથાની વારતાના બધાં પાત્રોને જીવંત કરવા એટલા ઓતપ્રોત થઈ જતા કે જાણે કોઈ પ્રસંગ અત્યારે જ બની રહ્યો છે! અને છેલ્લે છેલ્લે ખૂબ જ બુલંદ સ્વરે ભાવાવેશ સાથે કહેવાતી આવી વારતાઓ કરવાનો થાક ૭૧ વર્ષની જૈફ વયે દેખાતો. એને કારણે એકાદ કાર્યક્રમ પછી બે ત્રણ દિવસનો વિરામ એમના માટે અનિવાર્ય બની ગયો હતો.
જીવનભર લોકસંસ્કૃતિનો મૂલ્યવાન વારસો જાળવનાર લોકવારતા કળાના ઘેઘૂર વડલાસમ આ કલાકારની જનભોમકા સૌરાષ્ટ્રનું ટીંબલા ગામ. માતા અમરબાઈની કૂખે એમનો જન્મ. ઉછેર પણ ત્યાં જ થયો. બાપદાદાનો વારસાગત ધંધો વાળા,
For Private & Personal Use Only
www.jainelibrary.org