________________
સ્વપ્ન શિલ્પીઓ.
૨૧
આ ગુર્જરધરા એટલે ગુણગર્વીલો પ્રદેશ અને વિશ્વઉદ્યાનનું પ્રફુલ્લ પુષ્પ. ગુજરાત એટલે રસાળ ચેતનવંતી વસુંધરાની પાંગરેલી સંસ્કૃતિવેલ. ગુજરાત એટલે માન અને આદર, પ્રેમ અને શૌર્ય માટે પંકાયેલી ધરતી. જયાં અનેકે આદર્શ અને ઉન્નત જીવનની પ્રેરણાનાં પાન કર્યા છે. જ્યાં સૌંદર્ય અને સરસ્વતી, શ્રમ અને શૌર્ય, વ્યાપાર અને વીરતાનું આબાદ સર્જન થયું છે.
સુજલામ્ સુફલામ્ એવા આ ભૂમિના ઊંડા તળમાં ભંડારાયેલાં સંસ્કાર-સૌરભ આજે વિશ્વના ખૂણે ખૂણે મહેકી રહ્યાં છે. ભલે ભૌગોલિક સીમા આ ધરતીની બદલાતી રહી પણ એની સાંસ્કૃતિક વિશિષ્ટતા અને અસ્મિતા પવિત્ર ગંગાના પ્રવાહની માફક નિરંતર વહેતી જ રહી છે. એનાં રૂપ અને રંગ સમયે સમયે ભલે પરિવર્તન પામ્યાં પણ ભૂમિના રખરખાવટ અને બિરાદરીએ ઇતિહાસનાં પાનાં ઠીક ઠીક રીતે રોક્યાં છે.
આ પ્રદેશના વીર પુરુષોની યશસ્વી ગાથાએ તો જગતનાં લોકોને પ્રેરણાનું પુષ્કળ ભાથું પૂરું પાડ્યું છે. નેક ટેક ખાતર ન્યોછાવરી કરનારા મરજીવાઓની ખાંભીઓ એની સાક્ષી પૂરે છે. એક સમયે શત્રુંજયની તળેટીમાં તીર્થરક્ષા માટે બારોટોએ આપેલા બલિદાન જગજાહેર છે. પ્રજાની સંસ્કારિતા, સચ્ચાઈ અને ધર્મભાવનાને હરઘડીએ સજાગ રાખનારા સંતો અને મુનિવર્યો ગુજરાતને યશકલગી અપાવામાં ભારોભાર નિમિત્ત બન્યા છે.
ગુણવૈભવી વારસો
રળિયામણા આ પ્રદેશને વિસ્તૃત અને સમૃદ્ધ સાગર કિનારો મળ્યો. રમણીય પર્વતીય ZAV પ્રદેશો મળ્યા. ફળદ્રુપ મેદાનો મળ્યા. આમ પ્રકૃતિએ ગુજરાતને સર્વ પ્રકારની વિવિધતા બક્ષી.
એટલું જ નહીં પણ આ પ્રાકૃતિક-સ્થિતિએ જ માનવસંસ્કારનું ઘડતર અને નિર્માણ કરવામાં 'વિશેષ ભાગ ભજવ્યો છે. સંતો, ભક્તો, ધર્મસ્થાપકો, કલાકારો અને શાહસોદાગરોની આ ભૂમિને પ્રકૃતિની અનુપમ ભેટ મળી છે. સાહસ અને શૌર્ય, ખંત અને બુદ્ધિ, પ્રેમ અને કરુણા
આ પ્રજાના ગુણવિશેષ છે. દોરી-લોટો લઈને દરિયાપારના દેશોની જોખમી સફરે ગયેલા ગુજરાતીઓએ શાહસોદાગરોની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. એટલું જ નહીં, શાણા ગુર્જરી સુપુત્રોએ પોતાની બુદ્ધિમત્તા અને હૃદયસૂઝના બળે ગુર્જર પ્રદેશની આગવી પરંપરાઓનું સૃજન-પાલન-વિસ્તૃતીકરણ પણ કર્યું છે. સમાજ જીવનનાં તમામ ક્ષેત્રે પોતાનું હીર બતાવી ગુજરાતને ગૌરવ અપાવવામાં આ બહુમુખી પ્રતિભાઓનો ફાળો ચિરંજીવ અને નોંધપાત્ર બન્યો છે.
પ્રતિભા' શબ્દ ઘણો જ ઊંચો અને વજનદાર છે. પ્રતિભા શબ્દ ઊંડી વિચારણા અને ઘેરું રહસ્ય માંગી લે છે. વ્યક્તિત્વ તો સૌમાં સારું-નરસું હોય જ, પણ નવાં નવાં આયોજનો અને ઉન્મેષો પ્રગટાવવાની પ્રજ્ઞા અને ચેતના, અન્યને માટે ઘસાઈ છૂટવાની તમન્ના એ જ આ પ્રતિભા.....શ્રદ્ધા, ભક્તિ, પ્રીતિ, સમર્પણ જેવા વિશિષ્ટ ગુણોનું જેમનામાં દર્શન થતું હોય તે જ પ્રતિભાઓનું આપણે અવલોકન કરવાનું છે. વિનયશીલ પ્રતિભાઓના જીવનમંથન દ્વારા સદ્ગુણોરૂપી જે કાંઈ નવનીત આપણને સાંપડશે તે જ આપણી સંજીવની, આપણી કુળપરંપરા, આપણા જીવનનું ધારક અને પ્રેરકબળ બની રહેવાનું. ત્યાગ અને સમર્પણની હકીકતોનો આ રસથાળ અને આ વિશિષ્ટ નજરાણું જનસમૂહ સુધી પહોંચાડવાનો આ ગ્રંથ દ્વારા એક નમ્ર પ્રયાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org