________________
પરમાહત કુમારપાળ મહારાજાનું જીવન વૃત્તાંત
પરમ આહત મહારાજા કુમારપાળનું સંક્ષેપમાં જીવનવૃત્તાંત આ પ્રમાણે છે –
સિદ્ધપુર પાસે દધિસ્થલીમાં ચૌલુક્યવંશીય ત્રિભુવનપાલ રાજાની કશ્મીરદેવી નામે ધર્મપત્નીની કુક્ષિથી વિક્રમ સંવત ૧૧૪૯માં મહારાજા કુમારપાળનો જન્મ થયો હતો. યુવાવસ્થામાં અણહિલપુરપત્તન (પાટણ)માં તેઓ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજના સમાગમમાં આવ્યા હતા અને તેમના ધર્મોપદેશથી ખૂબ પ્રભાવિત થયા હતા. વિક્રમ સંવત ૧૧૯૯ માગસર વદી ૪ રવિવારે અણહિલપુરપત્તન (પાટણ)માં તેમનો રાજ્યાભિષેક થયો હતો. પછી દિગ્વિજય કરીને તેઓ ૧૮ દેશના મહારાજા બન્યા હતા.
શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજના સમાગમ અને સદુપદેશથી તેઓ પરમ આહત (પરમ જૈન શ્રાવક) થયા હતા. ગુરુ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ પાસે વિક્રમ સંવત ૧૨૧૬માં તેમણે સમ્યત્વમૂલ બાર વ્રતોનો સ્વીકાર કર્યો હતો. તેમણે ગામે ગામ જિનમંદિરો બંધાવીને પૃથ્વીને જિનાયતનમંડિત કરીને, જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરીને અનેક રીતે વિશ્વમાં અહિંસા ધર્મનો - અમારિનો પ્રચાર કરીને, પ્રજામાંથી સાતેય વ્યસનો નિર્મૂળ કરીને સ્વજીવનને અને પ્રજાને પણ ધર્મવાસિત કરી દીધી હતી. ઈતિહાસમાં તેમનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. છેવટે તેમનો વિક્રમ સંવત ૧૨૩૦માં સ્વર્ગવાસ થયો હતો.
(યોગશાસ્ત્રમાંથી, મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org