________________
૭૮
આગમ કથાનુયોગ-૧
નામ અયોધ્યા પણ છે. તે પ્રાન્તનું નામ વિનિત ભૂમિ અથવા ઇકૂનાગ ભૂમિ પડ્યું. જે પછીથી મધ્ય દેશ નામે પણ વિખ્યાત થયું. ૦ રુષભદેવની રાજ્ય વ્યવસ્થા :
ઋષભ દેવ રાજા બનતા બાકીના લોકો પ્રજા બની ગયા. કુલકર વ્યવસ્થાનો અંત આવ્યો. નવીન રાજ્ય વ્યવસ્થાનો પ્રારંભ થયો. પ્રથમ રાજા એવા ઋષભદેવ પ્રભુ પોતાના સંતાનની માફક પ્રજાનું પાલન કરવા લાગ્યા. ઊંચી જાતિના ઘોડા, હાથી, બળદ, ગાયો વગેરેનો સંગ્રહ કર્યો. રાજ્યની સુવ્યવસ્થાના હેતુથી આરક્ષક દળની સ્થાપના કરી, જેના અધિકારી “ઊગ' કહેવાયા. મંત્રીમંડળ બનાવ્યું. જેના અધિકારી “ભોગ' કહેવાયા. સમ્રાટના પાસેના માણસો કે જે પરામર્શ દાતા હતા. તેઓ “રાજન્ય' નામે ઓળખાયા. અન્ય રાજકર્મચારી ક્ષત્રિય' નામે જાણીતા થયા. ૦ આહાર સમસ્યાનું નિવારણ :
કાળની ઉત્તરોત્તર હાનિથી ઋષભદેવ પ્રભુના વખતમાં કલ્પવૃક્ષના ફળો મળતા ન હતા. તેથી જેઓ ઇક્વાકુ વંશના હતા. તેઓ શેરડી ખાતા હતા, બીજા પ્રાયઃ વૃક્ષોના પત્ર, પુષ્પ, ફળાદિ ખાતા, તે વખતે અગ્નિ ન હોવાથી ચોખા વગેરે કાચું ધાન્ય ખાતા. પણ કાળના પ્રભાવથી તે પચતું ન હતું. પ્રભુના કહેવા પ્રમાણે ધાન્યને હાથથી મસળી તેના ફોતરા કાઢી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી પ્રભુના કહેવા પ્રમાણે ધાન્યને હાથથી મસળી ફોતરા કાઢી પાંદડાના પડીયામાં જળથી ભીંજાવીને ખાવા લાગ્યા. પછી તે પણ પચતું બંધ થયું
ત્યાર પછી ભિંજાવેલા ધાન્યને કેટલોક વખત મૂઠીમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી ભિજાવેલા ધાન્યને કાંખમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. આ પ્રમાણે ધાન્યને પચાવવાના વિવિધ ઉપાયો કરવા લાગ્યા. તે કાળે વૃક્ષોના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થયો. તૃણકાષ્ઠ આદિને બાળતા એવા તે નવીન અગ્નિની
વાળાઓ વધવા લાગી. યુગલિકોએ અગ્નિ ક્યારેય જોયેલો નહીં. વિસ્મિત થયેલા યુગલિકોએ તેને નવીન રત્ન સમજી ગ્રહણ કરવા હાથ લંબાવ્યા. તેના વડે તેઓ પણ બળવા લાગ્યા. પ્રભુ પાસે આવી તેમણે આ વાત જણાવી.
પ્રભુએ જાણ્યું કે અગ્નિ ઉત્પન્ન થયો છે. ત્યારે તેમણે યુગલિકોને જણાવ્યું કે એ અગ્નિ ઉત્પન્ન થયો છે માટે તમે ચોખા વગેરે ધાન્યને અગ્રિમાં સ્થાપન કરીને ખાઓ. જેથી તે ઘાન્ય તમને સુખેથી પચશે. અજીર્ણથી કંટાળેલા તેઓ પ્રભુના વચને હર્ષ પામ્યા. પણ પકાવવાનો અભ્યાસ ન હોવાથી ચોખા વગેરે ધાન્યોને સીધું જ અગ્નિમાં નાંખવા લાગ્યા. તે ધાન્ય બધું બળીને ભસ્મ થઈ જતું હતું. ભોળા એવા તે યુગલિકોએ અગ્નિને પાપાત્મા સમજી શિક્ષા કરાવવા વિચાર્યું. પ્રભુ તે વખતે હાથી ઉપર બેસી આવી રહ્યા હતા. તેઓએ પ્રભુ પાસે ફરિયાદ કરી.
પ્રભુએ તેઓને સમજાવ્યું કે તમારે વાસણ વગેરેની મદદથી ધાન્યને અગ્નિ ઉપર રાખી પકાવવું જોઈએ. એમ કહી પ્રભુએ યુગલિકો પાસે ભીની માટીનો પિંડ મંગાવ્યો. હાથીના કુંભ સ્થળ પર માટીનો પિંડ મૂકી મહાવત પાસે વાસણ બનાવડાવ્યું. એ રીતે આહારની ખાદ્ય સમસ્યાનું નિવારણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org