________________
ઢાળ આઠમી
દોઉ મૂલનય ભાષિયા રે, નિશ્ચય નઇ વ્યવહાર । નિશ્ચય દ્વિવિધ તિહાં કહિઓ રે, શુદ્ધ અશુદ્ધ પ્રકાર રે પ્રાણી પરખો આગમભાવ || ૮-૧ ॥
જીવ કેવલાદિક યથા રે, શુદ્ધવિષય નિરુપાધિ ।
મઇનાણાદિક આતમા રે, અશુદ્ધ તે સોપાધિ રે ॥ પ્રાણી ॥ ૮-૨ ॥
ટબો : પ્રથમ અધ્યાત્મ ભાષાઇ ૨ નય કહિયા એક નિશ્ચયનય, બીજો વ્યવહારનય. તિહાં નિશ્ચયનય દ્વિવિધ કહીઓ-એક શુદ્ધ નિશ્ચય નય, બીજો અશુદ્ઘનિશ્ચયનય. હે પ્રાણી ! આગમના ભાવ પરખીનઇ ગ્રહો. ॥ ૮-૧ ॥
દિગંબરાચાર્યશ્રી દેવસેન કૃત નયચક્રમાં આપેલ નિરૂપણની વિચારણા ચાલી રહી છે. એને જ આગળ ચલાવતાં ગ્રન્થકાર હવે એમને માન્ય બે મૂળનયની વાત આ ઢાળમાં પ્રારંભે કરી રહ્યા છે.
ગાથાર્થ : અધ્યાત્મની દૃષ્ટિએ બે મૂળ નય કહ્યા છે. નિશ્ચયનય અને વ્યવહારનય. તેમાં નિશ્ચયનય બે પ્રકારનો કહ્યો છે. શુદ્ધ અને અશુદ્ધ. નિરુપાધિક શુદ્ધ વિષયને નજરમાં લઈને જીવને કેવલજ્ઞાનાદિરૂપ કહેવો એ શુદ્ધનિશ્ચય છે... અને સોપાધિક અશુદ્ધ ગુણને નજરમાં રાખીને જીવને મતિજ્ઞાનાદિકરૂપ કહેવો એ અશુદ્ધ નિશ્ચયનય છે. હે પ્રાણી ! આગમના ભાવ પરખો. II ૮-૧, ૨ ॥
વિવેચન : શ્રી દેવસેનાચાર્યે નયોની બે રીતે પ્રરૂપણા કરી છે... તર્કશાસ્ત્રને અનુસરનારા નયો અને અધ્યાત્મની દૃષ્ટિવાળા નયો.
તર્કશાસ્ત્રની દૃષ્ટિએ - અર્થાત્ તર્કસંગત થાય એ રીતે, જુદા-જુદા દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો તે તે પદાર્થ કેવો ભાસે ? એવું કથન ૯ નય તથા ત્રણ ઉપનય દ્વારા થાય છે... આ નિરૂપણ સર્વપદાર્થોને આવરી લેનારું હોય છે.
માત્ર આત્મા અને આત્મસંલગ્ન બાબતોનો જુદા - જુદા દૃષ્ટિકોણથી વિચાર કે જે વૈરાગ્યના પોષણ દ્વારા અધ્યાત્મને સાધનારો બને... અધ્યાત્મનો પોષક બને... એ આધ્યાત્મિક નય છે.
નયોના બે અલગ-અલગ પ્રકારના નિરૂપણ પાછળ શ્રી દેવસેનાચાર્યનો અભિપ્રાય આવો કોઈક હોવો જોઈએ.
એકત્વ-અનિત્ય-અન્યત્વ વગેરે ભાવના દ્વારા વૈરાગ્યના અધ્યાત્મના પોષણ માટે હવે આધ્યાત્મિક નયોનું નિરૂપણ ચાલુ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org