________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૧
૭
આમ સૂત્રના ચાર ભેદ થયા.. તો અનુયોગના ચાર ભેદ છે એમ કેમ કહો છો ? અનુયોગના ચાર ભેદ તો ત્યારે કહેવાય કે જો તે તે દરેક સૂત્રનો ચારે પ્રકારે અનુયોગ થઈ શકતો હોય.
ઉત્તર ઃ શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજે દુર્બલિકા પુષ્યમિત્રના નિમિત્તે પંચમકાળના પ્રભાવે ધૃતિ-મેઘા વગેરેનો ડ્રાસ જોઈને અનુયોગને પૃથક્ કર્યા. એ પહેલાં અનુયોગ પૃથક્ નહોતો. અર્થાત્ દરેક સૂત્રનો ચાર પ્રકારે અનુયોગ થતો. જેમ શ્રીયોગશાસ્ત્રના પ્રથમ શ્લોક નમો દુર્વારાગાદિ... ના ૧૦૮ અર્થ થયેલા છે. વિવક્ષિત અક્ષરને પહેલાં પૂર્વના શબ્દનો ઘટક માની
એક અર્થ કર્યો... પછી એ શબ્દમાંથી અલગ કરીને એને પાછળના શબ્દનો ઘટક બનાવીને નવો અર્થ મેળવવામાં આવ્યો. એમ સંધિ વગેરે જુદી રીતે કરીને અર્થ તદ્દન જુદો મેળવાય. આવું જ પૂર્વના કાળમાં થતું.. દા.ત. આચારાંગજીનું એક સૂત્ર લીધું... એનો એક અર્થ એવો કરવામાં આવ્યો કે જેથી ચરણસિત્તરિનું સમર્થન થાય.. સૂક્ષ્મ માર્ગદર્શન મળે... આને ચરણકરણાનુયોગ કહેવાય. પછી એ જ સૂત્રનો અર્થ એવી રીતે કરવામાં આવતો કે જેથી ગણિત-સંખ્યા વગેરેની મુખ્યતા થાય... આ ગણિતાનુયોગ થયો. એ જ રીતે એ જ સૂત્રનો જુદી જુદી રીતે અર્થ એવી રીતે કરાતો કે જેથી ધર્મકથા-ઉપદેશ ધ્વનિત થાય અને દ્રવ્યોનું સ્વરૂપ સ્પષ્ટ થાય. આ જ રીતે પ્રત્યેક સૂત્રની ચાર-ચાર વ્યાખ્યા થતી. એટલે કે સૂત્રે સૂત્રે ચારે અનુયોગ સાથે ચાલતા.
આમાં તે તે શબ્દોના અતિપરિચિત જે અર્થ હોય તે અર્થ દ્વારા મળતો અનુયોગ સમજવામાં ને સમજ્યા પછી યાદ રાખવામાં સરળ રહેતો. પણ બાકીના ત્રણ અનુયોગ મેળવવા માટે ભલે વ્યાકરણના નિયમોને કે ભાષાની મર્યાદાને ચાતરવાનું નહોતું.. છતાં તે તે શબ્દોનાં અલ્પપરિચિત કે અપરિચિત અર્થો કરવા પડતા.. ને એના કારણે સૂત્રે સૂત્રે એને ગ્રહણ કરવા અને ગ્રહણ કર્યા પછી ધારી રાખવા એ અતિ-અતિ મુશ્કેલ કાર્ય હતું.. એટલે પંચમકાળના પ્રભાવે બુદ્ધિ-ધારણાશક્તિમાં જ્યારે ઘણો ઘણો હ્રાસ થઈ ગયો ત્યારે આ કાર્ય અશક્ય જેવું બની ગયું. ચારે અનુયોગને સમજવા-ધારવાની મથામણમાં એક પણ અનુયોગને વ્યવસ્થિત રીતે સમજવોધારવો મુશ્કેલ બની ગયો. એટલે શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજે ભાવીના જીવો પર કરુણા કરીને અનુયોગને પૃથક્ કર્યો. ‘તે તે સૂત્રગત શબ્દોના પ્રચલિત અર્થ પરથી જે અનુયોગ મળે એ જ એક અનુયોગ તે તે સૂત્રનો કરવો. બાકીના ત્રણ અનુયોગ કરવા નહીં.' આવું તેઓએ ઠેરવ્યું.. આ રીતે વ્યાખ્યા કરવાથી શ્રીઆચારાંગ વગેરે સૂત્રો પરથી ચરણકરણાનુયોગ મળ્યો. શ્રીચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે પ૨થી ગણિતાનુયોગ મળ્યો. એમ, શ્રી જ્ઞાતાધર્મકથા વગેરે પરથી તથા શ્રીસૂત્રકૃતાંગ વગેરે પરથી ક્રમશઃ ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ મળ્યા.
આમ, વર્તમાન આવી વ્યાખ્યાપદ્ધતિને આશ્રીને વિચારીએ તો, તે સૂત્રનો તો એક એક પ્રકારનો જ અનુયોગ છે, પણ સૂત્રના ચરણકરણ-વિષયક સૂત્ર, ગણિતવિષયક સૂત્ર આમ ચાર પ્રકાર થઈ ગયા હોવાથી અનુયોગ પણ ચાર પ્રકારનો બને છે. બાકી મૂળમાં તો, પૂર્વકાળની દરેક સૂત્રનો ચાર-ચાર રીતે અનુયોગ કરવાની જે પરંપરા હતી તેને અનુસરીને ‘અનુયોગ ચાર પ્રકારે છે' એ વાત પ્રસિદ્ધ થયેલી છે એ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org