________________
ઢાળ પાંચમી એક અરથ ત્રયરૂપ છઈ, દેખ્યો ભલઈ પ્રમાણમાં રે ! મુખ્યવૃત્તિ ઉપચારથી, નયવાદી પણિ જાણઈ રે !
જ્ઞાનદૃષ્ટિ જગ દેખિઈ / પ-૧ . ટબો - હિવઈ પાંચમાં ઢાળઈ નય પ્રમાણ વિવેક કરઈ છઈ . એક અર્થ ઘટ પટાદિક, જીવ અજીવાદિક, ત્રય રૂપ કહતાં, દ્રવ્ય - ગુણ - પર્યાય રૂ૫ છઈ. જે માર્ટિ ઘટાદિક મૃત્તિકાદિરૂપઇ દ્રવ્ય, ઘટાદિરૂપઈ સજાતીય દ્રવ્ય પર્યાય, રૂપ-રસાદ્યાત્મકપણઈ ગુણ. ઈમ જીવાદિકમાં જાણવું. એહવું પ્રમાણઈ=સ્યાદ્વાદવચનો દેખ્યું, જે માર્ટિ પ્રમાણઈ સપ્તભંગાત્મકઇ ત્રયરૂપપણું મુખ્યરીતિ જાણિઈ.
ગાથાર્થ - કોઈપણ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ રૂપવાળો છે. આવું નિર્દોષ પ્રમાણ વડે જણાય છે. નયવાદી પણ આ ત્રણરૂપવાળા પદાર્થને જાણે છે... પણ એમાંથી એકરૂપ મુખ્યવૃત્તિથી જાણે છે.. ને અન્ય બે રૂપ ઉપચારથી જાણે છે. જ્ઞાનદૃષ્ટિથી જગતને દેખો... | પ-૧ ||
વિવેચન - હિવઈ પાંચમાં ઢાળઈ. બીજી ઢાલમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ દેખાડ્યો... ત્રીજી ઢાળમાં પરસ્પર અભેદ જણાવ્યો.. ચોથી ઢાળમાં ભેદભેદ દર્શાવ્યા... હવે પાંચમી ઢાળમાં આ દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન પ્રમાણ શી રીતે કરે છે અને નય શી રીતે કરે છે? એ દર્શાવે છે. ને એ દર્શાવવા દ્વારા પ્રમાણ - નયનો વિવેક કરે છે એનો ભેદ દર્શાવે છે....
ઘટ-પટ વગેરે લૌકિક.. કે જીવ-અજીવ વગેરે લોકોત્તર... કોઈપણ પણ પદાર્થ દ્રવ્યાત્મક છે, ગુણાત્મક છે અને પર્યાયાત્મક છે. આમ ત્રણરૂપ છે. કારણ કે ઘડો માટીથી અભિન્ન હોવાથી માટીરૂપ દ્રવ્યાત્મક છે. એમ ઘટરૂપે (એ માટી દ્રવ્યના) સજાતીય પર્યાયાત્મક છે.. ને રૂપ-રસાદિ ગુણોથી અભિન્ન હોવાથી રૂપ-રસારિરૂપે ગુણાત્મક છે... એ જ રીતે જીવાદિકમાં પણ જાણવું... અર્થાત્ જીવ, જીવદ્રવ્યાત્મક છે, મનુષ્યાદિ પર્યાયાત્મક છે... અને જ્ઞાનાદિ ગુણાત્મક છે...
પ્રશ્ન - દરેક પદાર્થ આમ દ્રવ્યાદિત્રયાત્મક છે, એવું શી રીતે જાણ્યું?
ઉત્તર - એવું પ્રમાણથી = સ્યાદ્વાદગર્ભિત વચનથી અમે જાણ્યું છે. કારણ કે સપ્તભંગાત્મક પ્રમાણથી દરેક પદાર્થનું ત્રણરૂપપણું મુખ્ય રીતિએ = મુખ્યવૃત્તિએ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org