________________
બત્રીશી-૭, લેખાંક-૩૫
૩૬૯
સ્વઅનભિપ્રેત ને સામાને અભિપ્રેત વસ્તુનું નિરાકરણ કરવા માટે અતિપ્રસંગ દેખાડતું આ અનુમાન જે આપ્યું તે પ્રસંગસાધન અનુમાન કહેવાય છે. આમાં પ્રસંગ એટલે જ અતિપ્રસંગ... એટલે જ અનભિપ્રેતની સિદ્ધિ માનવી પડવાની આપત્તિ. આમાં એ ખ્યાલ રાખવા જેવો છે કે સ્વતંત્રસાધન અનુમાનમાં હેતુ સ્વમતે સિદ્ધ હોવો જોઈએ. જ્યારે પ્રસંગસાધન અનુમાનમાં તે પરમતે સિદ્ધ હોવો જ જોઈએ, સ્વમતે હોય કે ન હોય તો પણ ચાલે. આને અનુસરીને જૈન બૌદ્ધને કહે છે -)
જો તમે આપેલું અનુમાન સ્વતંત્રસાધન હોય તો એમાં આપેલું ભાત વગેરેનું દૃષ્ટાન્ત અયોગ્ય છે, કારણકે બૌદ્ધોને વનસ્પતિ વગેરે એકેન્દ્રિય જીવ તરીકે માન્ય નથી. માટે ભાત એ જીવના કલેવર તરીકે માન્ય ન હોવાથી એમાં હેતુ રહેલો નથી. જો તમે આપેલું આ અનુમાન પ્રસંગસાધન છે તો પણ અયોગ્ય છે, કારણ કે જે જીવનું કલેવર હોય તે ભક્ષ્ય હોય.. આવો અમે સિદ્ધાન્ત માન્યો જ નથી.. અર્થાત્ અમે કાંઈ આવા નિયમના આધારે ભાતને ભક્ષ્ય કહેતા નથી કે જેથી એના આધારે માંસ પણ ભક્ષ્ય બની જવાનો પ્રશ્ન પેદા થાય. અમે તો શિષ્ટ લોક અને આગમથી નિશ્ચિત થયેલ ભક્ષ્યાભક્ષ્યની વ્યવસ્થાના આધારે ભાતને ભક્ષ્ય ને માંસને અભક્ષ્ય કહીએ છીએ.
આશય એ છે કે જે જીવનું કલેવર હોય તે ભક્ષ્ય હોય એવું અમે નથી કહેતા. કે જીવનું કલેવર હોય ને જેનું ભક્ષણ શક્ય હોય તે ભક્ષ્ય હોય એવું પણ અમે નથી કહેતા.. અમે તો એમ કહીએ છીએ કે જેનું ભક્ષણ અધર્મનું અજનક હોય તે ભક્ષ્ય.
પ્રશ્ન : પણ કોનું ભક્ષણ અધર્મનું જનક ને કોનું ભક્ષણ અધર્મનું અજનક? આનો નિર્ણય શી રીતે થાય ? કારણકે અધર્મ (= પાપ) તો અતીન્દ્રિય હોવાથી ઉત્પન્ન થાય છે કે નહીં ? એ આપણને છદ્મસ્થને પ્રત્યક્ષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org