________________
ઉદાસીન ભાવે તારો પાર્ટ ભજવીને અશુદ્ધ પર્યાયોમાંથી ઝડપથી પસાર થઈ જા. કેમ કે નાટક એ તો અંતે નાટક જ છે. ના ટકે તેનું નામ નાટક. તારા મૌલિક ચૈતન્યસ્વરૂપનું ભાન સતત કરતો રહે તો આ નાટક લાંબો સમય ચાલી નહિ શકે.
પરંતુ તેના બદલે ‘મારે વિકલ્પ કરવા નથી, રાગાદિ કરવા નથી’એમ કર્યા કરે તો દઢ મનોબળથી રાગાદિ વિભાવપરિણામો અને શબ્દઅંતર્જલ્પ વગેરે વિકલ્પો શાંત થવાથી કદાચ મનમાં શાંતિ લાગે. પણ તે સ્થાયી નથી, કારણ કે અંદરમાં વિભાવના મૂળ ઉખેડવાની પ્રક્રિયા જ શરૂ નથી થઈ. પરંતુ ભેદજ્ઞાન દ્વારા અંદરમાં ન્યારાપણું આવે, શુદ્ધ આત્મપરિણતિ પ્રગટે તો શાંતિ સાચી સમજવી. વિચક્ષણ આત્માર્થી તો ઉદાસીન ભાવે રાગાદિને સ્વભિન્નરૂપે આત્મસ્થ રહીને જોતા રહે. એટલે રાગાદિને ઉખેડવાની પ્રક્રિયા શરૂ થઈ જાય.
‘મારે ક્રોધ નથી કરવો'- આવી વિચારધારામાં “હું ક્રોધ કરી શકું છું. ક્રોધ કરવો કે ન કરવો- આ બાબત મારા અધિકારમાં છે” એમ ઊંડે ઊંડે આત્મસ્વરૂપ વિશે સૂક્ષ્મ ભ્રાન્તિ રહે છે. જ્યારે “ક્રોધ મારું સ્વરૂપ જ નથી. હું તેનાથી જુદો છું. હું મારા ચૈતન્ય સ્વરૂપમાં છું. ક્રોધ તેના સ્વરૂપમાં છે. હું ક્રોધ કરી શકતો જ નથી. ક્રોધ કરવો એ મારો સ્વભાવ જ નથી. ક્રોધ કરનાર છે તે હું નહિ. ક્રોધ કરનાર તો બીજો જ કોઈક છે. ક્રોધ પોતે જ ક્રોધને કરી રહેલ છે. કર્મના દોરીસંચાર મુજબ, સહજમલના પ્રભાવથી, મલિન અનુબંધના પ્રતાપથી કામ-ક્રોધ-લોભ વગેરે નાચી રહેલા છે. તેમાં મારે શું લેવા દેવા છે ?’- આવી ઊંડી સમજ આવે તો કામક્રોધ વગેરે વિભાવ પરિણામોમાં ચેતના જોડાતી જ અટકી જાય છે.
કર્મના ઉદયનો પ્રબળ ધક્કો કદાચ લાગે તો પણ પ્રગટ થયેલા કામક્રોધ વગેરે ક્લિષ્ટ પરિણામો આવી સમજદારી ધરાવનારી ચેતનાના સહારે લાંબો સમય ટકી શકતા નથી, બહુ આગળ વધી શકતા નથી, આત્માને પોતાના પ્રવાહમાં તાણી શકતા નથી. ચેતના દ્વારા આ રીતે સદંતર ઉપેક્ષિત થયેલા કામ-ક્રોધાદિ પરિણામો સ્વયં ક્ષીણ થઈ જાય છે, પાંગળા થઈ જાય છે, થાકીને રવાના થાય છે. આ માર્ગ વિભાવદશાના ઉપશમનો નથી પણ તેના ક્ષયનો છે. ગ્રંથિભેદનું, નિર્મળ ઉચ્ચતમ આત્મદશાનું અને આગળ વધીને ક્ષપક શ્રેણીનું બીજ આમાં સમાયેલ છે.
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org