________________
નાથ ! તને એક જ પ્રાર્થના છે, અંતરમાં એક જ ભાવના છે કે બીજા વિના ચાલશે પણ આત્મા વિના, આત્મદર્શન વગર નહિ જ ચાલે. મારે બીજું કાંઈ જોઈતું નથી. અન્ય કાંઈ માંગવું નથી. આત્માર્થે જ જીવન ગાળવું છે. મારે એક આત્માનું જ કરવું છે. બહારનું કાંઈ આત્માને લાભકારી હોય તેમ જણાતું નથી. આત્મા માટે જીવન ગાળ્યું હોય તે જ યથાર્થ જીવન. બાકીની જિંદગી વાંઝણી. મારા શાશ્વત આત્મઘરમાં જ હવે મારે રહેવું છે. પુદ્ગલપર્યાય-વિભાવ તો પારકું ઘર છે.
મને ત્યાં ચેન નથી પડતું. શાંતિ નથી લાગતી. મારે તો કેવળ આત્માને જ દેખવો છે. બસ તેને જ જોયા કરું. તેના જ ગુણગાન કરું. એવું આ અંતર ઝંખે છે. જેનાથી સમગ્ર વિશ્વ દૃશ્યમાન છે તે આત્મા જ જોવાજાણવા-વિચા૨વા-પૂજવા-અનુભવવા લાયક લાગે છે. આ જ કરવા જેવું છે. બીજું કાંઈ ક૨વા જેવું નથી. આવું સમજવા છતાં મારા નાથ! મને આત્મા દેખાતો નથી. આપનો માર્ગ પકડાતો નથી. એ જ વાતનો મોટો રંજ રહ્યા કરે છે. મારા સ્વામી ! ‘આત્મામાં જ સુખ-શાંતિ છે' એવો અભ્રાન્ત નિર્ણય હૃદયથી કરવા છતાં આત્માનો પરિચય વધતો કેમ નથી ? તું જે છોડાવે છે તેને હું ફરી ફરી કેમ વળગી પડું છું ?
ખરેખર તો તારો વાસ્તવિક માર્ગ જ મને મળ્યો નથી. તેથી જ મુઢદશામાં વારંવાર અટવાયે રાખું છું. મૂઢદશામાં જ હું મુસ્તાક છું. તેથી જ ધર્મપુરુષાર્થ વર્ષોથી કરવા છતાં તેનું તાત્ત્વિક આધ્યાત્મિક ફળ નથી મળતું તોય તેની કશી ચિંતા કરતો નથી. આવું કયાં સુધી ચાલ્યા કરશે?
મારે તો આત્મસાક્ષાત્કાર કરવો છે. આત્મા અદશ્ય ભલે હોય પણ મારે અદૃશ્યને દૃશ્યમાન કરવો છે, દશ્યને ગૌણ કરવું છે, તેની ઉપેક્ષા કરવી છે. કારણ કે મારો શુદ્ધ આત્મા જ મંગલકારી, આશ્ચર્યકારી અને સર્વોત્કૃષ્ટ છે. એ જ મારું સર્વસ્વ છે- એવું આપના પ્રભાવે હવે સમજાયછે.
હવે હું આત્મદર્શન કર્યા વિના રહી શકું- એવી મારી સ્થિતિ નથી રહી. આત્મસાક્ષાત્કાર નહિ થાય તો આ દેહ ઢળી પડશે. આમેય મારે સ્વાનુભૂતિ ન થાય તો આ દેહને ટકાવવો નથી. શુદ્ધ આત્માને પ્રગટ કર્યા વિના હું ઊભો થવાનો જ નથી. અહીંથી ખસવાનો નથી જ.
હે પરાર્થવ્યસની ! હવે આમાં તને કાંઈ કરવા જેવું લાગે તો કરજે. મોડું થશે તો તારે પસ્તાવું પડશે. એ તું ભૂલતો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
૪૯
www.jainelibrary.org