________________
છળકપટની મૃગજાળમાં, મહત્ત્વાકાંક્ષાના મૃગજળમાં સામે ચાલીને અનંતવાર ફસાયો. અને ફસાવા છતાં ખુશ થવાની ગંભીર ભૂલ કરી. સત્ત્વહીન, શ્રદ્ધાહીન, ઉત્સાહહીન, ચારિત્રહીન બેભાન અવસ્થામાં હું અટવાઈ ગયો. થોડી ઘણી ભૂલોનું વ્યવહારથી પ્રાયશ્ચિત કરવા છતાં ભૂલનો ભૂલ તરીકે હૃદયથી સ્વીકાર કર્યો નથી. ભૂલો કાંટાની જેમ ખૂંચતી નથી. નિર્દોષ થવાની સાચી દાઝ હૈયામાં જાગતી જ નથી.
હે સર્વોપરી ! મારા દોષ જોઈ તેને ટાળવામાં મને ટાઢ ચઢે છે, પારકા દોષ જોવાની ખણજ પોષવામાં લીન બનવાથી નિજદોષને તટસ્થપણે ઓળખવાની તથા ઓળખીને તેને દૂર કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવાની મારી અંગત અગત્યની ફરજ હું સાવ જ ભૂલી ગયો. બીજે બધે ડહાપણ કરવામાં અટવાઈ જવાથી ઓળખપૂર્વક દોષક્ષયનું જે કામ ખરેખર કરવાનું હતું તે કાર્ય સાવ એમ ને એમ જ પડી રહ્યું. સ્વદોષક્ષયના આવશ્યક કાર્યમાં સાવ ઢીલ કરી.
એટલું જ નહિ દોષને જાણે-અજાણે, ટાણે-કટાણે તગડા બનાવવાની ભૂલ પણ કરી. આટલેથી જ આ કાતિલ ભૂલ અટકતી નથી. પણ ગુણવાનોની ભરપૂર નિંદા કરીને વર્તમાનમાં તેમના માર્ગમાં અને ભાવમાં મારા માર્ગમાં ભરપેટ અંતરાયો જાતે ઊભા કર્યા. ‘તારા જ્ઞાન બહાર કશું જ નથી તેમ જાણવા છતાં તારી પાસે વર્તન જુદું ને તારાથી દૂર વર્તન સાવ જ જુદું ! આવી ભૂલ હજુ થયે જ રાખે છે. ગંદા વિષયોમાંથી ઊઠી, તારા વિયોગમાં ય વૃત્તિને તારામાં જ રાખવાનો ઉમળકો જાગતો નથી.
ઓ મારા પ્રભુ ! મારી શી કથની કહું ? જેમ જેમ ભૂલો યાદ કરું છું. તેમ તેમ મારી અજ્ઞાનદશા, મૂઢ અવસ્થા, મહામૂર્ખતા બદલ ભારે પસ્તાવો થાય છે. મારી અનાદિની અવળી અને ભૂંડણ જેવી અપવિત્ર સમજણને આધીન થવાના લીધે હું અનંત કાળ ભટક્યો છું. એનો જોઈએ તેવો તીવ્ર બળાપો કે જન્મ-મરણનો થાક પણ પ્રભુ ! મને નથી જ લાગતો. આ કેવી કંગાળ, કારમી અને દરિદ્ર દશા છે મારી !
હે અનાથના નાથ ! થોડું સાંભળવા-વાંચવા-સમજવા મળ્યું કે હું જાણી ગયો. મને બધું જ સમજાઈ ગયું...” એવા અહંકારમાં આથડવાની ભૂલ હજુ પણ ચાલુ જ છે. મારા પ્રભુ ! ભિખારીને થોડો એઠવાડ મળે ને રાજી થઈ જાય તેવી હાલતમાં હું હજુ ભૂલો પડી જ જાઉં છું.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org