________________
હું તો સમર્પણભાવનો પાવન હાથ ઝાલી રહ્યો છું. અંધ-પંગુ હોવા છતાં એકમાત્ર તારા ભરોસે ચાલી રહ્યો છું. કારણ કે હું ભલે અંધ છું. પણ તું તો દેખતો છે ને ! પછી મારે શી ફિકર ? હું ભલે લંગડો છું, પાંગળો છું. પણ તારા પગ તો મજબૂત છે ને? હું થાકી જાઉં તો તારા ખભે સામે ચાલીને તું મને બેસાડીશ- એવી તારી અપરંપાર સ્વયંભૂ કરૂણા મારા ખ્યાલ બહાર નથી જ હોં.
તારા જેવો માલિક-સ્વામી-નાથ કર્યા પછી મારે શી ચિંતા કરવાની? બધી ચિંતા અને ફિકર તને ભળાવીને હું તો એકમાત્ર તારા અચળ વિશ્વાસે આ ચાલ્યો.
પરંતુ મારા પ્રભુ ! મારી દિષ્ટની ખામીના કારણે કદાચ રાહ દેખાતો બંધ થાય તો તું રાહ બતાવજે. તારા ચીંધેલા માર્ગ ઉપર ચાલવાની શક્તિ ખૂટી જાય તો તું તારા રાહ ઉપર મને ચલાવજે. કદાચ મારી ચાહના બદલી જાય, અવળી થાય, તો પ્રભુ ! મારી ચાહ પણ તું સવળી કરજે.
ઓ નોધારાના પરમ આધાર ! હું તો એકમાત્ર તારા ભરોસે જ અહીં આવ્યો છું. તું મારી સાથે-પાસે જ રહીશ- એવી શ્રદ્ધાથી તારા દરબારમાં આવ્યો છું. હવે હું જરાય છેતરાઈશ નહિ. કારણ કે કેવળ “તારા ગુણથી, તારી કરુણાથી ખેંચાઈને આવ્યો છું. તને છોડીને બીજે કયાંય પણ હું જવાનો નથી. કારણ કે તને છોડીને બીજે કયાંય ઠંડકનો અનુભવ થતો નથી. તારા સાંનિધ્યમાં પરમ શીતળતા અનુભવાય છે. અનેરી ટાઢક લાગે છે. તું મારી પાસે ૨હે તો કદાચ દુનિયા ન હોય, દુનિયાનો સાથ-સહકાર મને ન મળે તો ય શું ? મને તેનાથી કાંઈ ફરક નથી પડવાનો. હું તારા પાવન સાન્નિધ્યમાં તૃપ્ત જ રહીશ. જો તું સાથે નથી તો દુનિયાનો મને સાથ હોય તો ય શું ? મારે તેનું શું કામ છે ? પાવરહાઉસના કનેકશન વિના લાંબા વાયરના ભારેખમ ગૂંચળાને પણ શું કરવાના ?
હે પૂર્ણબ્રહ્મસ્વરૂપી ! આપના દર્શન કરવાની ઈચ્છા અવાર નવાર રહે છે. પણ તે સફળ થવી એ તો આપ કૃપાનાથને આધીન છેજી. બસ પ્રભુ ! મારી આ સ્થિતિ છે. જે હકીકત છે તે તને જણાવી દીધી છે. કહેનારો કહી છૂટે. હવે તને ઠીક લાગે તે કરજે.
न भवन्तमतीत्य रंस्यते, गुणभक्तो हि न वञ्च्यते जनः । ( सिद्धसेनीय द्वात्रिंशिका - ४ / २ )
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org