________________
તાપી નિકટતાના માર્ગમાં છે વિકટતા
ઓ વીતરાગ ભગવંત! આપને જોવા-મળવા-ભેટવા કયારનો નીકળેલ છું. પણ તું મળતો નથી. રસ્તો ખૂટતો નથી કે છૂટતો નથી.
મારા પ્રભુ! ખરેખર તારા માર્ગે ચાલવા માટે હું આંધળો છું. અજાણ્યો છું. અશક્ત છું. દીન-હીન છું. ગરીબ છું. રાંક છું. લૂલો-લંગડો ને પાંગળો છું. બહેરો અને મૂંગો છું. સાથોસાથ લુચ્ચો-લોફર-લફંગો ને લાવારીશ પણ છું. અધમાધમ છું. પતિત છું, ભ્રષ્ટ છું. બ્રાન્ત છું. બીજે બધે રખડેલ ને ભટકેલ છું. હું માંદો તો છું જ, સાથે ગાંડો પણ છું. તેથી હકીકતમાં તારો મૂળભૂત તાત્ત્વિક મોક્ષમાર્ગ મને મળતો જ નથી. પારમાર્થિક વીતરાગમાર્ગ જડતો જ નથી. વળી તારો બતાવેલ માર્ગ પણ અતીન્દ્રિય છે, ગહન છે. ગૂઢ અને ગુપ્ત છે. ઘણો અટપટો છે.
વચ્ચે ઘાતિકર્મોના નક્કર પર્વતો અડીખમ ઊભા છે. તૃષ્ણાનો દુસ્તર સાગર વચ્ચે ફેલાયેલ છે. માયાના વિકૃત વમળો પાર વિનાના ઊંડા છે. વક્ર વાસનારૂપી ડાકણનો વળગાડ અસહ્ય રીતે નડે છે. મિથ્યાભ્રાન્તિનો દિશાભ્રમ અવારનવાર કનડી રહ્યો છે. વિભાવદશાની ઊંડી ખાઈ ભયભીત બનાવે છે. મનમાંકડુ કૂદાકૂદ કરીને હેરાન કરે છે, પીંખી નાંખે છે, વીખી નાંખે છે. સુખશીલતાના કાંટા અને ચારેય સંજ્ઞાના કાંકરા વાગી રહ્યા છે. બહિર્મુખદશાનું વિકરાળ જંગલ નડી રહ્યું છે. ઈર્ષાનાગણના ડંખો અસહ્ય બની રહ્યા છે. સ્પર્ધાના વિછીની કનડગત પણ ઓછી નથી. દેહાધ્યાસનામાધ્યાસરૂપી ભૂખ્યા જંગલી શિકારી પશુઓ આમથી તેમ ભટકી રહ્યા છે. મહાઅજ્ઞાનનું ઘોર અંધારું પાર વિનાનું ચોમેર ફેલાયેલ છે. ચીકણો નિંદાકાદવ પણ ઘણો ઊંડો છે.
ઓ દિનાનાથ ! આ બધા પરિબળોને લીધે તારા માર્ગે આગળ વધવાની આશા નિરાશામાં પરિણમે છે. હતાશા ફેલાઈ જાય છે. ખરેખર પ્રભુ! તારી નિકટ પહોંચવાનો અંતરંગ માર્ગ બહુ જ વિકટ લાગે છે. વળી અનાદિકાળથી તારો માર્ગ મારા માટે અજાણ્યો અને અપરિચિત છે. ગમે તે હો. પણ તારા માર્ગે ચાલવાનો નિર્ણય હજુ અફર અને અટલ જ છે. કારણ કે મને માત્ર તારો જ આધાર છે, આશરો છે, સહારો છે, નિશ્રા છે.
હે પરમપાવન કારુણ્યમય ! તારી ભીની ભક્તિ અને શરણાગતિની મજબૂત આંગળી પકડીને ચાલી રહ્યો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org