________________
રહસ્યાર્થસ્ફુરણ પણ કોઈક અજબ-ગજબનો આનંદ ઉપજાવે છે. આત્માનું સાન્નિધ્ય પ્રગટાવે છે, આત્મસ્વરૂપની ઝાંખી અનુભૂતિ કરાવે છે. તો જ્યારે શુદ્ધ આત્મસ્વરૂપમાં હું સ્થિર થઈશ, કેવલ ચૈતન્યરૂપે પરિણમી જઈશ ત્યારે તો આનંદની અનુભૂતિ કેવી થશે ? તેની કલ્પના પણ સાડા ત્રણ કરોડ રૂંવાડા ઊભા કરે છે.
પણ મારા સ્વામી ! તને ના ગમે એવી એક કડવી પણ સાચી વાત કહું? ખોટું નહિ લાગે ને ? ‘હું શુદ્ધાત્મા છું...' એમ વારંવાર અભ્યાસ કરું છું. પણ ઉપયોગ એકમાં ટકતો નથી. તથા એક ને એક વિકલ્પવાળું ચિંતન લૂખું થઈ જાય છે. અવાર નવાર તેવો વિચાર કે વિકલ્પ કરવામાં તો ગોખવા જેવું થઈ જાય છે, રસ છૂટી જાય છે. પ્રભુ ! ‘હું શુદ્ધાત્મા છું, ધ્રુવાત્મા છું, સિદ્ધાત્મા છું, પૂર્ણાત્મા છું’- એવા સ્મરણમાં એવો રસ પૂરો, એવા પ્રાણ પ્રગટાવો કે ત્યાંથી છૂટવું મારા માટે મુશ્કેલ પડી જાય.
હે કૃપાળુ-દયાળુ પ્રભુ ! અંતરની હકીકત તો તને શું જણાવું ? ‘આત્મા આનંદમય છે, ધ્રુવ છે, શરીર ભિન્ન છે' એમ જાણવા છતાં પણ જ્યારે કર્મના ઉદયથી એકાએક માથું દુઃખે, તાવ આવે, વેદના થાય, કોઈ પ્રશંસા કરે, સન્માન આપે, અનુકૂળ કે પ્રતિકૂળ કોઈ ઘટના બને ત્યારે તેમાં હું તણાઈ જાઉં છું.
અરે ! જાપ, ચિંતન કે ધ્યાન વખતે કોઈ અવાજ કે ઘોંઘાટ કરે તો તે પણ સહન થતું નથી. પોપટનો કલરવ, કોયલનો ટહુકો, મોરનો કેકારવ અને ચકલી વગેરેનો કલબલાટ પણ મારા ધ્યાનને અને પ્રાર્થનાને વિચલિત કરી નાખે છે. કોઈ અપમાન કરે ત્યારે પણ સમાધિ વેરવિખેર થઈ જાય છે. વિજાતીયના લાલ-ગુલાબી પચરંગી રૂપ દેખાય છે ને ફરી બેભાન બનીને તેમાં હું ગરકાવ થઈ જાઉં છું. આટલી બધી નિમ્ન કક્ષાથી હું કયારે ઊંચો આવીશ ? કયારે આપે જણાવેલ આનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવ આત્મસ્વરૂપને અનુભવીશ? તું મંઝીલ બતાવે છે તો તેવી અનુભૂતિનો કોઈક માર્ગ પણ બતાવ ને !
Jain Education International
For Private & Personal Use Only
૧૯૧
www.jainelibrary.org