________________
115
શ્રી ભગવતીજી સૂત્ર-વિવેચન
પડયો, એના ૫૨ ધૃણા ન કરવી પડી કે ‘આ તું પ્રશસ્ત પણ રાગ જ ને ? તું ય ખોટો,' એવું ન કરવું પડ્યું, એ તો વીતરાગ-વીતરાગતાના ઉત્કૃષ્ટ રાગથી એની સાથે એવા એકમેક થઈ ગયા, કે પછી ‘હું સરાગ, પેલા વીતરાગ,' એવો ભેદ જ ભુલાઈ ગયો. તેથી સહેજે વીતરાગ ઉપર રાગ કરવાનો રહ્યો નહિ ને એ ન રહેતાં વીતરાગભાવ પામ્યા.
એટલે અપ્રશસ્ત રાગ-દ્વેષ-મોહ-મમતા વગેરેને હટાવવા દેવ-ગુરુ-શાસ્ત્રતીર્થ-સંઘ વગેરે ઉપર રાગ વધારતાં ડરવાનું નથી કે ‘આ પણ એક જાતના કષાય જ છે ને ? એથી તો બંધન ઊભું રહ્યું !' ના, આ ભય ખોટો છે, કેમકે એથી જ પેલા દેહ-દ્રવ્ય-કુટુંબ-કીર્તિ વગેરે પરના અપ્રશસ્ત કષાય દબાતા આવે અને આ દેવાધિદેવાદિ પરનો રાગ-ભાવ પરાકાષ્ઠાએ પહોંચતાં તો અંતરથી પરમાત્મા સાથે એવી એકમેકતા ઊભી થશે કે પછી એમની સાથેનો ભેદ જ ભુલાઈ જશે. પોતાની જાત પરમાત્મસ્વરૂપ લાગે એવી અભિન્નતા-અભેદ ઊભો થશે, ત્યાં પરમાત્મા પોતાથી જુદા જ નહિ ભાસે, તો એમના પર રાગ કરવા જવા પણ ક્યાં ઊભું રહે ? પછી ત્યાં તો વીતરાગ ભાવ આવીને ઊભો રહેવાનો.
બાહુબલજી મુનિને એ થયું. જાત પરનું ગૌરવ હટી વીતરાગ સર્વજ્ઞ લઘુબંધુ -મુનિઓ પ્રત્યે એવું બહુમાન ઊભું થયું કે એ વીતરાગ પ્રત્યેનો અધ્યવસાય પરાકાષ્ઠાએ પહોંચતા પોતે જ વીતરાગથી અભિન્ન એટલે કે સ્વયં વીતરાગ બની ગયા. પરંતુ એમાં ભૂલવાનું નથી કે એ બહુમાન જાગવા વધવામાં આલંબન બની નમન ક્રિયા, મનથી એમણે ધાર્યું કે આ હું ભાઈઓને ન નમવાનું ધારૂં છું એ જ મારી મોટી ભૂલ છે. તેથી જ અહીં બાર બાર મહિનાથી આટલો ઉગ્ર તપ સંયમ અને ઘ્યાન છતાં અટકી પડયો છું. માટે હવે તો જાઉં ભાઈઓને નમું ને મારા અભિમાનનો ચૂરો કરૂં.’ શું કર્યું આ? વીતરાગ ભાઈમુનિઓને નમસ્કાર કરવાની ક્રિયાનું મનથી આલંબન કર્યું. એવા ચડતા રંગે કર્યું કે એ રંગે વીતરાગતાના રંગ સુધી પહોંચી ગયો ! પણ તે ક્રિયાનું આલંબન ધરવા ઉપર. માટે ક્રિયા તો ભાવનું મહાન આલંબન છે.
પોકળ નિશ્ચયવાદી બિચારા આ વિશ્લેષણ કરી શકતા નથી, એટલે ક્રિયાને તિરસ્કારી ભાવ માટે ફોગટ ફાંફા મારે છે ! ‘ફોગટ’ એટલા માટે, કે શુભ ધર્મક્રિયાનો ખપ કરવો નથી એટલે અશુભ પાપક્રિયાઓ ભરચક ચાલુ રહે છે, ને તેથી અશુભ ભાવ પોષાયો રહે છે; પછી શુભ ભાવ શાનો જાગે ? શી રીતે સગો થાય ? તપની ક્રિયા જો નથી તો ‘ખા-ખા’ની ક્રિયા ઊભી રહેવાથી જીવનો અનાહારિપણાનો ભાવ લેશ પણ શે ઊભો થાય ? આહારની લંપટતા-આસક્તિનો ભાવ શે દબાય ? એમ પૂજ્યને નમન-પૂજનાદિ ક્રિયાના ખપ વિના સ્વાભિમાનનો હ્રાસ ને પૂજ્ય પ્રત્યે બહુમાનનો વિકાસ શી રીતે થઈ શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org