________________
16
• ૧૯ થી ૨૨ બત્રીસીનો ટૂંકસાર द्वात्रिंशिका આવે તો જ તાત્ત્વિક પરમાત્મસમાપત્તિ ગ્રહીતાસમાપત્તિ શક્ય બને. આમ પાતંજલ દર્શનની ‘જીવ અપરિણામી અને અભાવ્ય છે' એવી વાત સંગત થતી નથી. (ગા.૧૬)
==
11
ગ્રન્થકારશ્રી કહે છે કે પરિણામી જીવમાં પરમાત્મસમાપત્તિ થઈ શકે છે. કારણ કે યોગશાસ્ત્રોમાં ત્રણ પ્રકારના આત્માની વાત કરેલ છે - (૧) બાહ્યાત્મા = ‘હું દુબળો છું’ વગેરે પ્રતીતિથી આત્મારૂપે જણાતો દેહ. (૨) અંતરાત્મા = કાયિક પ્રયત્નોનો આધારભૂત અધિષ્ઠાયક આત્મા અને (૩) પરમાત્મા - ધ્યેય સ્વરૂપ પરિશુદ્ધ આત્મા. તેની સાથે એકત્વપરિણામથી સર્વ કર્મ ક્ષીણ થતાં તાત્ત્વિક એકત્વપરિણામ પ્રગટે છે. આ વાતથી આત્મા પરિણામી છે, એવું સિદ્ધ થાય છે. (ગા.૧૭) અન્ય વિદ્વાનોનો મત જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે મિથ્યાત્વીને બાહ્યાત્મા, સમકિતીને તથા સંયમીને અંતરાત્મા તથા કેવળીને પરમાત્મા કહી શકાય. પરમાત્મદશા ઉપાદાન એવા આત્મદ્રવ્યમાં પ્રગટ થાય છે. માટે આત્માનો સહજ શુદ્ધ પરિણામ તે આત્માની સમાપત્તિ કહેવાય. (ગા.૧૮-૧૯) માટે જ જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપ દ્રવ્ય, કેવલજ્ઞાનાદિ સ્વરૂપ ગુણ અને સ્વભાવપરિણમન સ્વરૂપ પર્યાય દ્વારા અરિહંતને જાણે છે તે જ સાધક પોતાની જાતને પરમાર્થથી જાણે છે. આ પ્રમાણે દિગંબરાચાર્ય કુંદકુંદસ્વામીનો મત તેઓ દર્શાવે છે. દિગંબરમતમાં પણ જેટલી વાત સાચી હોય તે ઉદારભાવે સ્વીકારવાની મધ્યસ્થતા ગ્રંથકારશ્રી છોડતા નથી. ગ્રંથકારશ્રી કુંદકુંદસ્વામીનું ‘મહર્ષિ’ શબ્દથી ઉદ્બોધન કરે છે. સત્યનિષ્ઠા, ઉદારતા અને મધ્યસ્થતાની પરાકાષ્ઠા મહોપાધ્યાયજીમાં જોવા મળે છે. (ગા.૨૦)
•
આગળ જણાવ્યું તે પ્રમાણે પ્રતિલોમ પરિણામથી અસંપ્રજ્ઞાત સમાધિ પ્રગટે છે. જ્યારે ૧૩માં ૧૪માં ગુણસ્થાનકે કેવળી મનની વૃત્તિઓ અને દેહના સ્પંદનો અટકાવે છે ત્યારે પ્રગટ થતા વૃત્તિસંક્ષય યોગ સાથે અસંપ્રજ્ઞાત સમાધિને સરખાવી શકાય. આવું યોગબિંદુકૃત શ્રીહરિભદ્રસૂરિ મહારાજાના વચનથી ગ્રંથકારશ્રી જણાવે છે. તથા ધર્મમેઘ-સમાધિનો પણ સમવતાર કરેલ છે. મેઘ પાણી સિંચે તેમ ધર્મને સિંચે તે ધર્મમેઘસમાધિ કહેવાય. (ગા.૨૧) જીવદળ શુદ્ધ થતાં જીવ અકરણનિયમ તરફ આગળ વધે છે. ગ્રંથિભેદના સમયમાં જીવ પહેલાની જેમ ૭૦ કોડાકોડી જેવી મોહનીયની સ્થિતિ બાંધતો નથી. તે પ્રથમ અકરણનિયમ જાણવો. તથા કેવલીદશામાં નરકાદિમાં લઈ જનારા કારણોના ત્યાગ રૂપ બીજો અકરણનિયમ જાણવો. (ગા.૨૨)
આગળ ઉપર નૈયાયિકમતની સમીક્ષા કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે તત્ત્વજ્ઞાન સાક્ષાત્ મિથ્યાજ્ઞાનનો ઉચ્છેદ ન કરી શકે. પણ ‘પાપને કદાપિ નહિ કરું' એવા દૃઢ પ્રણિધાન સ્વરૂપ અકરણનિયમથી જ મિથ્યાજ્ઞાનનો સર્વથા ઉચ્છેદ થઈ શકે. અને તો જ મોક્ષ થઈ શકે. (ગા.૨૩)
ત્યાર બાદ યોગની આઠ દૃષ્ટિઓનું વર્ણન કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે જેમ વાદળાવાળી રાત્રિ, વાદળા વિનાની રાત્રિ, નબળી આંખ વગેરે વિવિધ સંયોગમાં સામે રહેલી વસ્તુ વિવિધ રૂપે દેખાય છે તે રીતે એક જ જિનવચન કે જિનોક્ત તત્ત્વ ક્ષયોપશમની વિવિધતાને લીધે જીવોને વિવિધરૂપે ભાસે છે. તેથી તેમનામાં દૃષ્ટિભેદ પડે છે. (ગા.૨૪) સમ્યક્ શ્રદ્ધાથી યુક્ત બોધ દૃષ્ટિ કહેવાય. તે આઠ પ્રકારે છે - મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા સંક્ષેપમાં આઠેય દૃષ્ટિઓના બોધ વગેરે વિશે માહિતી આ મુજબ જાણવી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org