________________
બોલીઓમાંથી સાહિત્યિક પ્રાતો અને અપભ્રંશનો પણ વિકાસ થયો. ઈ. સ.ની પાંચમી શતાબ્દી પછી અપભ્રંશ ભાષા સાહિત્યિક ભાષા તરીકે ઉદય પામી. ત્યારબાદ ધીરે ધીરે અપભ્રંશમાંથી વર્તમાન પ્રાદેશિક ભાષાઓ પ્રચલનમાં આવતી ગઈ. આવો પરિવર્તનનો કાળ કે સંક્રાન્તિની પ્રક્રિયા ઈ. સ. ના અગિયારમા શતકથી શરૂ થઈ ગણાય.
દસમી-બારમી સદીમાં અપભ્રંશોત્તર ભાષાભૂમિકાવાળી હિંદી, રાજસ્થાની, ગુજરાતી ભાષા વિકસવા લાગી તેથી આજની ગુજરાતી ભાષાનો ઉદ્ગમકાળ દસમી-બારમી સદી ગણી શકાય. પણ તે દસમી-બારમી સદીની ગુજરાતી ભાષા આજના ગુજરાતની સીમાઓ પર્યત મર્યાદિત ન હતી. આઠમી સદીથી અગિયારમી સદી સુધી પશ્ચિમ રજપૂતાના અને ઉત્તર ગુજરાતનો ઘણો ભાગ સંયુક્તપણે ગુર્જરત્રા તરીકે ઓળખાતો.
ચીની મુસાફર હ્યુ-એન સંગે જોયેલું ગુર્જરોનું રાજ્ય તે ભિન્નમાલનું રાજ્ય હતું. દસમા શતકના મધ્યભાગમાં ઉત્તરદિશાથી મુસલમાનોનાં આક્રમણ થવા લાગ્યાં. તેનાથી બચવા માટે ગુર્જરોએ ભિન્નમાલ છોડી અત્યારના ઉત્તર ગુજરાતમાં વસવાટ કર્યો ત્યારથી ગુર્જરોને આશ્રય આપનારી ભૂમિ તરીકે એ પ્રદેશ “ગુર્જરત્રા ભૂમિ' તરીકે ઓળખાવા લાગ્યો. આ “ગુર્જરદેશ' એટલે ઉત્તરમાં મારવાડ– મેવાડ, કચ્છ, દક્ષિણમાં કોંકણ, પૂર્વમાં માળવા, ખાનદેશ અને પશ્ચિમમાં અરબી સમુદ્ર એની વચ્ચેનો પાઘડીપનાનો પ્રદેશ તે ગુર્જરત્રા ભૂમિ. પ્રાચીનકાળમાં આ ભૂમિ સમયે સમયે આનર્ત, ગુર્જરદેશ, અનૂપ, શૂર્પરક અને લાટ નામથી ઓળખાયેલ છે.
સાતમી સદીમાં દંડીએ અપભ્રંશને આભીરોની ભાષા તરીકે ઓળખાવી છે. આભીરો સિંધ, રાજસ્થાન, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રથી ખાનદેશ અને વરાડ, વ્રજ સુધીના પ્રદેશો સાથે સંબંધ ધરાવે છે. દસમી સદીમાં કાવ્યમીમાંસાકાર રાજશેખર તો મારવાડ, સૌરાષ્ટ્ર વગેરે પશ્ચિમ કાંઠાના પ્રદેશોને અપભ્રંશના પ્રદેશ તરીકે ગણાવે છે. તદુપરાંત ઉપલબ્ધ અપભ્રંશ સાહિત્ય વિદર્ભ તેમજ ગુજરાત-રાજસ્થાનના જૈન કવિઓનું જ છે.
હેમચંદ્રાચાર્યજીએ અપભ્રંશ ભાષાનું વિસ્તૃત વ્યાકરણ આલેખ્યું છે. તેમાંથી પણ સૂચિત થાય છે કે અપભ્રંશને પશ્ચિમ પ્રદેશ સાથે વિશેષ સંબંધ હતો. તે વાત નિર્વિવાદ છે તેથી અપભ્રંશ ભાષા અને ગુજરાતી ભાષાનો સંબંધ માતા-પુત્રીવત્ છે.
મધ્યકાલીન સાહિત્યનો પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org