________________
બાકીનું કામ તમારા પટાવાળા પાસેથી કરાવી લો. હું નહીં કરું. મને ભણાવીને તમે અહેસાન નથી કરતા. આપને ભણાવવાનો પૂરો પગાર મળે છે. આ છે આજના વિદ્યાર્થીની માનસિકતા. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા પકડાય એ ઘટના સાવ સામાન્ય થઈ ગઈ છે. પરીક્ષકને, નિરીક્ષકને જોઈ લેવાની ધમકી વિદ્યાર્થીઓ આપે છે. પરીક્ષાખંડમાં હથિયાર સાથે બેસનાર વિદ્યાર્થીઓના સમાચાર પણ છાપામાં આવે છે. પરીક્ષામાં નકલ કરતા પકડાઈ ગયેલ વિદ્યાર્થી નિરીક્ષક પર હુમલો કરે એ ઘટનાની હવે કોઈને નવાઈ લાગતી નથી. ગુરુશિષ્યના સંબંધમાં આજે તો ખૂબ પરિવર્તન આવી ગયું છે.
આજે માત્ર શાબ્દિક શિક્ષણ ચાલે છે. એ જ શીખવવામાં આવે છે જે પુસ્તકોમાં લખ્યું હોય છે. એનાથી જાણકારી મળે છે પણ માણસ કેળવાતો નથી. શબ્દોનો વ્યવહાર આવડે છે હૃદયની ભાષા આવડતી નથી.
પતિ ઘરે આવ્યો. પત્નીને કહ્યું, ‘મારે જલદી જવાનું છે. અગત્યની મિટિંગ છે. તરત જમવાનું આપી દે.’
પત્નીએ કહ્યું, ‘દસ મિનિટ રાહ જુઓ. હમણા લાવું છું.'
પંદર મિનિટ બાદ પતિએ વળી પોતાને જલદી જવાનું છે - ની યાદ અપાવી. પત્નીએ કહ્યું, ‘પ્લીઝ, પાંચ મિનિટ.’ એમ કરતાં-કરતાં એક કલાક થઈ ગયો. પતિ અકળાયો, ‘કેટલી વાર છે હવે ?’
પત્નીએ સામે અકળાઈને કહ્યું, ‘એક કલાકથી કહું છું કે પાંચ મિનિટ રાહ જુઓ સંભળાતું નથી ?’
આ છે શબ્દોનો અસમ્યક્ વ્યવહાર. શબ્દોનો દુરુપયોગ રાજકારણમાં તો ખૂબ થાય છે. એક બેજવાબદાર વિધાન પ્રગટ થાય. છાપે ચડેલી વાત વિવાદ પકડે. એ જ નેતા પ્રેસ કોન્ફરન્સ બોલાવે અને પોતાના જ વિધાનને ફેરવી તોળે. ‘અભી બોલા, અભી ફોક.' મેં આમ કહ્યું જ નથી, મારાં વિધાનોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. પોતાની જ કહેલી વાતનું ખંડન કરવાની કળામાં આ નેતાઓ ખૂબ પાવરધા હોય છે.
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
મહાપ્રજ્ઞ વાણી - ૬
www.jainelibrary.org