________________
કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર
૧૯
વનમાં પહોંચીને વટવૃક્ષ નીચે પૃથ્વીશિલા પર પીળા વસ્ત્રથી શરીરને ઢાંકી વિશ્રામ કરશો, ત્યારે જરાકુમાર દ્વારા ફેંકાયેલું બાણ તમારા જમણા પગમાં લાગશે. તે સમયે તમે ત્યાં કાળ કરીને ત્રીજી પૃથ્વીમાં જન્મ લેશો. ભગવાનના શ્રી મુખેથી પોતાનું આગામી ભવિષ્ય જાણીને કૃષ્ણ વાસુદેવ ખિન્ન થઈ ગયા અને ઉદાસ મને આર્તધ્યાન કરવા લાગ્યા તથા વિલાપ કરવા લાગ્યા.
ત્યારે ભગવાને શ્રી કૃષ્ણને સંબોધન કરતા કહ્યું કે હે કૃષ્ણ ! તમે આ આર્તધ્યાન ન કરો. તમે ત્યાંથી કાળ કરીને આગામી ભવમાં મારા જેવા જ તીર્થકર બનશો. ત્યાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરશો. પોતાનું કલ્યાણકારી ભવિષ્ય સાંભળીને શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા. ખુશીમાં એટલા હર્ષ-વિભોર બની ગયા કે ત્યાં ભગવાન સન્મુખ પોતાની ખુશી પ્રગટ કરતાં સિંહનાદ કર્યો. તેમની ખુશીના ભાવ એ હતા કે હું પણ એક ભવ કરીને તીર્થકર બનીશ અને મોક્ષ પ્રાપ્ત કરીશ અર્થાત્ કૃષ્ણ વાસુદેવના ભવમાં જ તેમણે પોતાની ઉત્કૃષ્ટ ધર્મ ભાવના અને ધર્મ દલાલીથી તીર્થકર ગોત્ર નામ કર્મનો બંધ કર્યો હતો. જેથી તેઓ ત્રીજા ભવમાં આગામી ઉત્સર્પિણી કાળમાં આ ભરત ક્ષેત્રમાં બારમાં અમમ નામના તીર્થકર થશે. કૃષ્ણની ધર્મ દલાલી :- આ પ્રમાણે ઉતાર-ચઢાવના વાર્તાલાપ પછી કૃષ્ણ વાસુદેવ ભગવાનને વંદન-નમસ્કાર કરી દ્વારિકામાં આવ્યા. સિંહાસન પર આરૂઢ થઈને પોતાના રાજકીય પુરુષોને એ આદેશ આપ્યો કે નગરીમાં ત્રણ રસ્તા અને ચાર રસ્તા વગેરે જગ્યાએ ત્રણ-ત્રણ વાર ઘોષણા કરાવો કે “આ દ્વારિકા નગરીનો વિનાશ થવાનો છે, જે કોઈ રાજા, રાજકુમાર, રાણીઓ, શેઠ, સેનાપતિ આદિ ભગવાનની પાસે દીક્ષા લઈને આત્મ કલ્યાણ કરવા ઇચ્છે તો તેમને વાસુદેવ કૃષ્ણ તરફથી આજ્ઞા છે. તેઓ પોતાની પાછળની કોઈ પણ જવાબદારીની કોઈપણ પ્રકારે ચિંતા ન કરે. તેની બધી જ વ્યવસ્થા રાજ્ય તરફથી કરવામાં આવશે. દીક્ષા મહોત્સવ પણ સ્વયં શ્રી કૃષ્ણ વાસુદેવ કરશે.” કૃષ્ણની આજ્ઞા અનુસાર નગરમાં ઘોષણા કરવામાં આવી. ભાગ્યશાળી કેટલા ય આત્માઓએ આ સૂચનાનો લાભ ઉઠાવ્યો. પદ્માવતીની દીક્ષા :– કૃષ્ણની પટ્ટરાણી પદ્માવતી દેવી પણ સંસારથી વિરક્ત થઈ ગઈ હતી. તેમણે પણ સંયમ ગ્રહણ કરવાની આજ્ઞા માંગી. કૃષ્ણ વાસુદેવે સહર્ષ અનુમતિ આપી અને ભવ્ય સમારોહ દ્વારા પોતાની જાતે જ પદ્માવતીનો દીક્ષા મહોત્સવ કર્યો. ભગવાનની સન્મુખ પદ્માવતીને લાવ્યા અને નિવેદન કર્યું કે હે ભગવાન! આ મને પ્રાણથી પણ અતિ પ્યારી પદ્માવતી દેવી છે. તે સંસારથી ઉદ્વિગ્ન અને વિરક્ત થઈ છે. તેથી હું તેણીને આપની સેવામાં શિષ્યાના રૂપમાં ભિક્ષા આપું છું. આપ એનો સ્વીકાર કરો.
Jain Education inertional
Nate & Personal Use Only
www.jainelibrary.org