________________
७८
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
અંતગડ સૂત્ર
પરિચય:
આ આઠમું અંગ સૂત્ર છે. જેમાં સંયમ અંગીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરનાર નેવું (૯૦) આત્માઓનું વર્ણન છે. આ સૂત્રમાં આઠ વર્ગ(વિભાગ) છે. પ્રત્યેક વર્ગમાં અનુક્રમે દશ, આઠ, તેર, દશ, દશ, સોળ, તેર, દશ અધ્યયન છે. કુલ નેવુ અધ્યયન છે. અત્યારે આ સૂત્ર નવસો (૯૦૦) શ્લોક પ્રમાણ કહેવાય છે.
બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ ભગવાનના શાસનના એકાવન જીવોનું વર્ણન કર્યા પછી, ચોવીસમા ભગવાન મહાવીર સ્વામીના શાસનના ઓગણચાલીસ જીવોનું આ સૂત્રમાં વર્ણન છે.
રાજા, રાજકુમાર, રાજરાણીઓ, શ્રેષ્ઠી, માળી, બાળ, યુવાન, પ્રૌઢ અને વૃધ્ધ અનેક ઉંમરવાળાઓનાં સંયમ, તપ, શ્રુત-અધ્યયન, ધ્યાન, આત્મદમન, ક્ષમા ભાવ આદિ આદર્શ ગુણો યુક્ત વૈરાગ્યપૂર્ણ જીવનનાં વૃત્તાંતો આ સૂત્રમાં અંકિત છે.
નેવું મુક્ત આત્માઓ સિવાય સુદર્શન શ્રાવક, શ્રીકૃષ્ણ વાસુદેવ અને દેવકી રાણીની એક ઝલક પણ અંકિત છે. જેમાં ત્રણેય આત્માઓને વીતરાગ વાણી પ્રત્યે દઢ શ્રધ્ધાવાન અને પ્રિયધર્મી, દઢધર્મી બતાવવામાં આવ્યા છે.
આ સૂત્રના રચયિતા સ્વયં ગણધર ભગવંત છે. ઉપાસક દશાંગ સૂત્રની જેમ આ સૂત્રમાં પણ દશ અધ્યયન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, એવું ઠાણાંગ, સમવાયાંગ સૂત્ર અને અનેક ગ્રંથોમાં આવતાં વર્ણનો પરથી જણાય છે, પરંતુ નંદી સૂત્રની રચના સમયથી આ સૂત્રનું આઠવર્ગમય નેવુ અધ્યયનાત્મક સ્વરૂપ ઉપલબ્ધ છે.
કથાઓ અને જીવન ચરિત્રોના માધ્યમથી આ સૂત્રમાં અનેક શિક્ષાપ્રદ, અને જીવન-પ્રેરક તત્ત્વોનું માર્મિક રૂપથી કથન કરવામાં આવ્યું છે. તેથી આ સૂત્ર વાચકો માટે અને વિશેષ રૂપે વ્યાખ્યાતાઓ તથા શ્રોતાઓ માટે પણ રુચિકર આગમ છે. આથી જ સ્થાનકવાસી પરંપરાઓમાં મોટે ભાગે દર વર્ષે પર્યુષણ પર્વના આઠ દિવસોમાં આ સૂત્રનું વ્યાખ્યાન સભામાં વાંચન અને શ્રવણ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org