________________
કથાશાસ્ત્ર : નદી સૂત્રની કથાઓ
૧૨
- - -
રોહકે વિમાતાના કડવા શબ્દો સાંભળીને તેનો બદલો લેવાનો નિર્ણય કર્યો અને સમયની રાહ જોવા લાગ્યો. થોડા દિવસ બાદ રોહક પોતાના પિતા પાસે રાત્રે સૂતો હતો. અર્ધી રાતના અચાનક તેની નિદ્રા ઊડી ગઈ. જાગીને તે કહેવા લાગ્યો- પિતાજી! પિતાજી! અહીંથી કોઈ અન્ય પુરુષ દોડીને જઈ રહ્યો છે. બાળકની આ વાત સાંભળીને ભરત નટે વિચાર્યું કે મારી આ પત્ની સદાચારિણી લાગતી નથી. પરિણામ એ આવ્યું કે ભરત નટ પોતાની પત્નીથી વિરુદ્ધ થઈ ગયો, તેની સાથે વાર્તાલાપ પણ બંધ કર્યો અને રાત્રે રોહકને લઈને બીજા રૂમમાં સૂવાનું તેણે શરૂ કર્યું.
પતિની રીતભાત જોઈને રોહકની વિમાતા સમજી ગઈ કે કોઈ પણ કારણે રોહકે પોતાના પિતાને મારી વિરુદ્ધ કાન ભંભેરણી કરી છે. હવે રોહકને અનુકૂળ થયા વગર મારા પતિદેવ સંતુષ્ટ નહીં થાય, પતિ રુષ્ટ રહેવાથી મારું જીવન નિરસ બની જશે. એમ વિચારીને તેણીએ રોહકને પ્રેમથી બોલાવ્યો અને કહ્યું બેટા! મારી ભૂલ થઈ ગઈ. હું આજથી ભવિષ્યમાં ક્યારેય પણ તારી સાથે ખરાબ વ્યવહાર નહીં કરું. હંમેશાં હું તારી સાથે પ્રેમથી વાત કરીશ. એમ વિશ્વાસ પમાડતાં રોહક સંતુષ્ટ થઈ ગયો.
રોહકનો ક્રોધ શાંત થઈ ગયો. તે પોતાના પિતાનો ભ્રમ દૂર કરવા માટે અવસરની રાહ જોવા લાગ્યો. એક વખત ચાંદની રાત હતી. અર્ધી રાતના તે પોતાના પિતાને પોતાની આંગળીનો પડછાયો દેખાડીને કહેવા લાગ્યો, પિતાજી ! જુઓ તે પુરુષ ભાગી રહ્યો છે. ભરત નટે વિચાર્યું જે પુરુષ મારા ઘરમાં આવે છે તે જઈ રહ્યો લાગે છે એમ વિચારીને તેણે મ્યાનમાંથી તલવાર કાઢી અને કહ્યું– રોહક ક્યાં છે તે લંપટ પુરુષ! હમણાં જ હું તેની જીવનલીલાને ખતમ કરીશ. રોહકે પોતાની આંગળીનો પડછાયો દેખાડીને કહ્યું – પિતાજી! આ જ પહેલો પુરુષ છે, તે મારી આંગળીનું હલનચલન થવાથી ભાગી જાય છે.
બાળકની બાલચેષ્ટાથી ભરત નટ લજ્જિત થઈને વિચારવા લાગ્યો કે મેં બાળકની વાત સાંભળીને મારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો, મેં તેને દુરાચારિણી સમજીને છોડી દીધી, એ મેં ભયંકર ભૂલ કરી છે. પછી તે પોતાની પત્ની સાથે સારો વ્યવહાર કરવા લાગ્યો.
બુદ્ધિમાન રોહકે વિચાર કર્યો કે મારા દ્વારા પિતાએ વિમાતા સાથે દુર્વ્યવહાર કર્યો તેથી તે અપ્રસન્ન રહી, હવે પ્રસન્ન છે છતાં વિમાતા તો વિમાતા જ હોય, ક્યારેક તે મને વિષ ખવડાવીને મારી નાખશે. માટે આજથી ક્યારે ય એકલા ભોજન કરવું નહીં. દરરોજ તે પિતાની સાથે જ ભોજન કરતો. દરેક કાર્ય તે પિતાની સાથે કરવા લાગ્યો. પિતાથી અલગ તે ક્યારે ય થતો નહીં.
એક દિવસ કોઈ કામ માટે ભરત નટને ઉજ્જયિની જવાનું થયું. રોહક પણ પિતાની સાથે ઉજ્જયિની ગયો. તે નગરી વૈભવથી સમૃદ્ધ અને સૌંદર્યપૂર્ણ હતી. તેને જોઈને રોહક તેમાં મુગ્ધ બની ગયો. નગરીની ચારે તરફ ફરીને પોતાના મનરૂપી કેમેરામાં તેણે નગરીનો નકશો ઉતારી લીધો. થોડા સમય બાદ પિતાની સાથે તે પોતાના ગામ તરફ રવાના થયો. ઉજ્જયિની નગરીની બહાર નીકળતી વખતે ભરતને એક ભૂલાઈ ગયેલી ચીજ યાદ આવી તેથી રોહકને ક્ષિપ્રા નદીના કિનારે બેસાડીને તે એકલો ફરી ઉજ્જયિની ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org