________________
કથાશાસ્ત્રઃ ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ)
તદનુસાર તેણે અનેક પ્રકારના આક્રાદિના ફળો તથા ફૂલોના બગીચા બનાવ્યા. કાળાંતરે તેણે દિશા પ્રોક્ષિક તાપસની પ્રવ્રજયા અંગીકાર કરી. તેમાં તે છઠ્ઠના પારણે છઠ્ઠ કરતો. પારણાના દિને સ્નાન, હવન આદિ ક્રિયાઓ કરી પછી આહાર કરતો. પ્રથમ પારણામાં તે પૂર્વદિશામાં જતો અને તે દિશાના સ્વામીદેવની પૂજા કરી, તેની આજ્ઞા લઈ કંદાદિ ગ્રહણ કરતો. બીજા પારણામાં દક્ષિણ દિશામાં, ત્રીજા પારણામાં પશ્ચિમ દિશામાં અને ચોથા પારણામાં ઉત્તર દિશામાં જતો. આ પ્રમાણે તાપસી દીક્ષાનું આચરણ કરતો હતો.
૧૮૫
તાપસી દીક્ષાનું પાલન કરતાં તેને સંલેખના કરવાનો વિચાર ઉદ્ભવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે ઉત્તર દિશામાં ચાલતાં ચાલતાં જ્યાંપણ હું પડી જાઉં ત્યાંથી ઉઠીશ નહિ. પહેલે દિવસે ઉત્તર દિશામાં ચાલ્યો. દિવસ ભર ચાલતાં સાંજે કોઈપણ યોગ્ય સ્થાનમાં વૃક્ષનીચે પોતાના વિધિ વિધાન કરી, કાષ્ઠમુદ્રાથી મુખને બાંધી, મૌન ધારણ કરી, ધ્યાનમાં સ્થિર થઈ ગયો.
ત્યાં રાત્રે આકાશમાં એક દેવ પ્રગટ થયો અને આકાશવાણી કરી કે, હે સોમિલ! આ તારી પ્રવ્રજયા દુષ્પ્રવ્રજયા છે અર્થાત્ તારું આ આચરણ ખોટું છે. સોમિલે તેના કહેવા પ્રત્યે ધ્યાન ન આપ્યું. દેવ ચાલ્યો ગયો. બીજે દિવસે ફરીને કાષ્ઠમુદ્રા બાંધી ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો. સાંજે યોગ્ય સ્થાને બેઠો. રાત્રે ફરીને દેવ આવ્યો, પહેલાની જેમ જ કહ્યું છતાં સોમિલે ધ્યાન ન આપ્યું. એ પ્રમાણે ત્રીજો તથા ચોથો દિવસ પણ વીતી ગયો.
પાંચમે દિવસે પણ તે દેવ આવ્યો, વારંવાર કહેતાં સોમિલે પ્રશ્ન પૂછ્યો હે દેવાનુપ્રિય ! મારી દીક્ષા કેમ ખોટી છે? પ્રત્યુત્તરમાં દેવે કહ્યું કે– તમે પાર્શ્વનાથ ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. તેને છોડી તાપસી દીક્ષા અંગીકાર કરી છે, આ યોગ્ય નથી કર્યું. પુનઃ સોમિલે પૂછ્યું કે– મારું આચરણ સુંદર કેવી રીતે બને ? દેવે ફરીને બાર વ્રત સ્વીકારવાની પ્રેરણા કરી.
ત્યારબાદ સોમિલે સ્વયં બાર વ્રત અંગીકાર કર્યા. ઉપવાસથી લઈને માસખમણ સુધીની તપશ્ચર્યા કરી. અનેક વર્ષો સુધી શ્રાવકવ્રતનું પાલન કરી, પંદર દિવસનું અનશન કરી, મૃત્યુ પામી શુક્રાવતંસક વિમાનમાં શુક્ર મહાગ્રહના રૂપમાં દેવપણે ઉત્પન્ન થયો.
એકદા આ શુક્ર દેવ પણ ભગવાન મહાવીરની સેવામાં ઉપસ્થિત થયો. વંદન કરીને પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરી ચાલ્યો ગયો. ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે વ્રતભંગ અને તાપસી દીક્ષા સ્વીકાર કરવાની આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થયો. દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, આત્મ કલ્યાણ કરશે, મુક્ત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org