________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
અનુભૂતિ થાય છે, તે આત્માને જ થાય છે; શરીરને નહિ. શરીર તો જડ છે. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ । શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ I
૧૬૪
આત્માના અસ્તિત્વની શંકા જડને નથી થતી. એવો સંશય ચેતન તત્ત્વને જ થાય છે— “આ મારું શરીર છે.” આ કથનમાં જે 'મારું' શબ્દ છે તે સિદ્ધ કરે છે કે ‘હુ’ કોઈ શરીરથી અલગ વસ્તુ છે અને તે જ આત્મ તત્ત્વ છે, આત્મા છે, જીવ છે, ચૈતન્ય છે. શરીરના નાશ થવા પછી પણ તે રહે છે, પરલોકમાં જાય છે. ગમનાગમન અને જન્મ મરણ કરે છે. તેથી સંશય કરવાવાળો, સુખ-દુઃખનો અનુભવ કરવાવાળો, આત્માનો નિષેધ કરવાવાળો અને ‘હું” અને ‘મારું શરીર’ આ બધાનો અનુભવ કરવાવાળો આત્મા જ છે અને તે શરીરથી ભિન્ન તત્ત્વ છે.
આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે પણ તેનો અનુભવ કરી ભવિષ્યમાં યાદ કોણ કરે છે ? તે યાદ રાખનાર આત્મ તત્ત્વ છે, જે શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન છે.
રાજા :- ભંતે ! મારા દાદા મારા ઉપર અત્યંત સ્નેહ રાખતા હતા. તે મારા જેવા અધાર્મિક હતા, આત્મા અને શરીરને એક જ માનવા વાળા હતા તેથી તે નિઃસંકોચ પાપ કર્મ કરતાં જીવન પસાર કરતા હતા. તમારી માન્યતાનુસાર તે નરકમાં ગયા હશે. ત્યાં દારુણ દુઃખ ભોગવતા હશે. તેમને મારા ઉપર અપાર સ્નેહ હતો. માટે મને સાવધાન કરવા મારી પાસે તેઓએ આવવું જોઈતું હતું કે હે પ્રિય પૌત્ર ! હું પાપકાર્યના ફલસ્વરૂપ નરકમાં ગયો છું અને મહાન દુ:ખો ભોગવું છું તેથી તું આવું પાપ કાર્ય ન કરતો, ધર્મ કર, પ્રજાનું સારી રીતે સંરક્ષણ-પાલન કર. પણ આજ સુધી ક્યારે ય આવ્યા જ નથી. તેથી હે ભંતે ! આત્મા કંઈ અલગ નથી, શરીર એ જ આત્મા છે. શરીરના નાશ થયા પછી આત્માની સ્વતંત્ર કલ્પના કરવી તે જૂઠું છે.
કેશી :- રાજન્ ! તારા દાદા નરકમાં ગયા હશે તો પણ આવ્યા નથી તેનું કારણ એ છે કે— જો તારી રાણી સૂર્યકાંતાની સાથે કોઈ અન્ય પુરુષ ઇચ્છિત કામભોગોનું સેવન કરે તે જોયા બાદ તું તેને કેવો દંડ કરે ?
રાજા :– તે દુષ્ટ પાપીને તત્કાળ દંડ દઉં અર્થાત્ તલવારથી ટુકડે ટુકડા કરી પરલોકમાં પહોંચાડી દઉં.
કેશી :— જો તે એમ કહે કે મને એકાદ બે કલાકનો સમય આપો, જેથી હું મારા પરિવારને મળી આવું, સૂચના આપી આવું તો હે રાજન ! તું તેને છોડી દે ? રાજા ઃ- ના...એટલો બોલવાનો પણ સમય ન આપું. અથવા તે બોલવાની હિંમત પણ ન કરી શકે; અને કદાચ કહે, તો પણ તે દુષ્ટને હું એક ક્ષણ પણ રજા ન આપું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org