________________
૧૪૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
કરી નાખતો, ઊંધા લટકાવી છેદન કરતો. કોઈને ક્ષાર મિશ્રિત તેલથી મર્દન કરાવતો. કોઈને અનેક મર્મ સ્થાનોમાં ખીલાઓ ઠોકતો, હાથ-પગની આંગળીઓમાં સોઈઓ ભોંકતો; અને તેનાથી જમીન ખોદાવતો. કોઈને ભીના ચામડાથી શરીરને બાંધી તડકામાં બેસાડતો, ચામડું જ્યારે સૂકાઈ જતું અને સંકોચાઈ જતું ત્યારે તેને ખોલી નાખતો.
આ પ્રકારે બહુ પાપકર્મ કરતો ૩૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરોપમ સુધી દારૂણ વેદના ભોગવી નંદિવર્ધન રૂપે પેદા થયો છે. આજે ૬૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી પ્રથમ નરકમાં જશે. ઘોર દુઃખો ભોગવતાં ભવભ્રમણ કરશે અને મચ્છ બનીને મૃત્યુ પામશે. ત્યાર પછી શ્રેષ્ઠી પુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ, મહાવિદેહ ક્ષેત્રમાં જઈ સિદ્ધ થશે. શિક્ષા-પ્રેરણા – પિતા અને પુત્રનો સંબંધ નિકટનો સ્નેહ સંબંધ કહેવાય પરંતુ પૂર્વ ભવના અશુભ કર્મોનો સંયોગ હોવાના કારણે તે દ્વેષી અને વેરીના કામ કરી જાય છે. રાજકુમાર રાજાને મારવા ઇચ્છે અને તેના પરિણામે રાજા રાજકુમારને દારુણદંડ આપી મરાવી નાખે છે. આ સંસારના સંબંધ બધા પુણ્યાધીન છે; માટે શુભકર્મ કરી આત્માનો વિકાસ કરવો જોઈએ અને કર્મક્ષય કરવામાં જ પુરુષાર્થ કરવો જોઈએ.
અધ્યયન - ૭ : ઉંબરદત્ત આ અધ્યયનનું નામ ઉંબરદત્ત છે. આમાં પ્રબલ અશાતા વેદનીય કર્મના ઉદયવાળા સાર્થવાહ પુત્રનું દુઃખી જીવન વૃત્તાંત છે.
પાટલીખંડ નામના નગરમાં સિદ્ધાર્થ રાજા રહેતો હતો. તે નગરમાં સાગરદત્ત સાર્થવાહ પણ રહેતો હતો. તેમની ગંગદત્તા નામની પત્ની હતી. તે મૃતવંધ્યા હતી. કોઈ યક્ષાયતનમાં સ્ત્રીઓના સમૂહની સાથે પૂજન કર્યું અને પુત્રની યાચના કરી. પુત્ર થતાં તેનો દાન-ભંડાર ભરવાનું આશ્વાસન દઈ યક્ષની માનતા કરી.
કાલાંતરે તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. યક્ષની સ્મૃતિમાં તેનું નામ ઉંબરદત્ત આપ્યું. પાપના ઉદયે નાની ઉંમરમાં જ તેના મા-બાપનું મૃત્યુ થયું. તેનું ધન લોકોએ તેમજ રાજપુરુષોએ હરી લીધું અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. નગરમાં ફરતો તે દુર્વ્યસની બન્યો. તીવ્ર પાપોદયે સોળ મહારોગ પેદા થયા. તેના હાથ-પગની આંગળીઓ સડવા લાગી. નાક-કાન ગળી ગયા. શરીરના ઘા માંથી પરૂ વહેવા લાગ્યું. વિવિધ વેદનાથી તે કષ્ટોત્પાદક, કરુણાજનક એવું દીનતા પૂર્ણ શબ્દ પોકારી રહ્યો હતો. અસહાય બની જ્યાં-ત્યાં ભટકતો રહેતો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org