________________
તે રાગનો પ્રવાહ હવે પરમાત્મા પ્રત્યે વાળી લે. પરપદાર્થોનો રાગ તને વાસ્તવમાં સુખનો ભાસ પેદા કરે છે. ત્યાં સુખ છે નહિ. માટે એક વાર મુખ ફેરવી જો.
એક વાર તું પરમાત્માની ભક્તિમાં મનને જોડ, ત્યાં પ્રીતિ થવા દે, એ પ્રીતિ જ તારા સુખાભાસથી તને જાગૃત કરી દેશે. અને પરમાત્મા તો વીતરાગ છે. વીતરાગ પ્રત્યે કરેલો રાગ તને વૈરાગનું પ્રદાન કરશે.
ચોથા ગુણસ્થાને હજી વ્રતાદિ ન હોવાથી સુખસેવન છે. અલ્પાધિક ભોગેચ્છા છે. તે કેવળ મોહનીયકર્મના ઉદયને કારણે છે. છતાં અનંતાનુબંધી જનિત તીવ્ર રાગ ન હોવાથી તે કોઈ પ્રકારનું વિષય સેવન કે પાપાચરણ તીવ્રભાવે, રસપૂર્વક કરતો નથી. વળી આ ગુણસ્થાને જેટલી કષાયની મંદતા છે તેટલો વૈરાગ્યનો અંશ છે.
વાસ્તવમાં જેને ભોગાદિની ઇચ્છા છેદ પામી છે, તેની કદાચ ભોગાદિની પ્રવૃત્તિ દેખાય તો તે કેવળ પૂર્વ નિકાચિત કર્મના કારણે છે. આ વિધાન મિથ્યામતિ જીવને લાગુ પડતું નથી કે દંભીજનોને પણ લાગુ પડતું નથી. તેમનો બાહ્ય જણાતો વૈરાગ્ય પણ મુક્તિનું કારણ બનતો નથી.
જ્ઞાની, આત્મભાવે વિરક્ત હોવાથી ભોગો પણ તેમને વૈરાગ તરફ લઈ જાય છે. છતાં પૂર્ણતા પામવા સુધી જીવને જાગૃત રહેવાનું છે. મોહનીય કર્મનો ઉદય જીવને ક્યારે ક્યાં ફેંકી દે તે કહી શકાય તેમ નથી. છતાં જ્ઞાનીને મંદ કષાયથી શુભબંધ પડે છે. અજ્ઞાની સર્વથા બંધાય છે. માટે ભવ્યાત્માએ ઉત્તમ વૈરાગ્યભાવના જ કરવી.
૪. જ્ઞાનયોગ : દેહ છતાં જેની દશા દેહાતીત વર્તે છે તે જ્ઞાનનો વૈરાગ્ય ઉત્તમ છે. ગમે તેવા પ્રચંડ પ્રલોભનોથી પણ તે વિચળ થતા નથી આથી જ્ઞાનસહિત વૈરાગ્ય જ મુક્તિનું કારણ છે.
વૈરાગ્ય સંભવ : ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org