________________
ભવભ્રમણ શા માટે ! શું કરવાથી ટળે ? આ ભવનો તાપ કેવો ભયાનક છે કે જે વડે શમ સંવેગના ભાવોનાં સરોવરો પણ સુકાઈ જાય છે. અને મોહરૂપી સર્પ તો સાધકને ભરડામાં લઈ લે છે. આમ ભવની ચિંતા કરી સાધક ભવભ્રમણાથી મુક્ત થવા અધ્યાત્મનું સેવન કરે છે.
જેને ભવભ્રમણ ટાળવાની ચિંતા કોરી ખાય છે તેને સદ્ગુરુના બોધ દ્વારા વૈરાગ્યનો સચોટ ઉપાય પ્રાપ્ત થાય છે. જે અધ્યાત્મ ભાવનાના બળને ટકાવી રાખે છે. તેને સંસાર અસાર લાગે છે, ઇન્દ્રિય વિષયો તુચ્છ લાગે છે, કષાયોનો માર કારમો લાગે છે, અને વૈરાગ્યના નિમિત્તોને ગ્રહણ કરી અધ્યાત્મભાવનાને પોષણ આપે છે. એથી પછીના પણ અધ્યાયમાં વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે.
ભવસ્વરૂપની ચિંતા પછી પાંચ છ અને સાતમાં અધ્યાયમાં સ્વરૂપની પ્રાપ્તિની દુર્લભતાને લક્ષ્યમાં લઈ વૈરાગ્યભાવમાં પોતાને જોડે છે. વૈરાગ્યગુણની વિશેષતા એ છે, કે તે સાધકને સંસાર, દેહ તથા અન્ય સુખનાં સાધનો નિઃસાર લાગે છે, પ્રારંભમાં એ વૈરાગ્ય દુઃખથી કે મોહથી પેદા થયો હોય, પરંતુ જેને અધ્યાત્મનું માહાત્મ્ય સમજાયું છે. તેને જ્ઞાનસહિત વૈરાગ્ય હોવાથી તે જીવ મુક્તિના પંથે આગળ વધે
છે.
વૈરાગ્યભાવની વિશેષતા એ છે કે સાધકને સંસારમાં સુખ નથી, સ્વરૂપમાં, સ્વભાવમાં સુખ છે, તે નિશ્ચય થાય છે. જેથી પ્રારંભ કષ્ટદાયક હોવા છતાં પરિણામે સુખદાયી એવા વૈરાગ્યને સેવીને અધ્યાત્મરસની પૂર્તિ કરે છે.
વૈરાગ્યનો ગુણ ધારણ થતાં મમતા-મમત્ત્વને રહેવાનું સ્થાન ક્યાંથી મળે ? આથી આઠમા અધિકારમાં મમત્ત્વ ત્યાગની લાલબત્તી ધરે છે. કારણ કે વૈરાગ્યનો ગુણ હોવા છતાં જીવ પૂર્વના સંસ્કારવશ મોહના સકંજામાં સપડાઈ જાય છે. માટે કહે છે કે સર્પ કાંચળી ઉતારે તેટલા માત્રથી નિવૃત્ત થતો નથી. તેમ સંસારનો ત્યાગ કરવાથી જીવ આંતરિક કષાયો કે ઉપાધિઓથી રહિત થતો નથી.
આ વચનથી વિપરીત ચાલે, સદ્ગુરુનો સાથ છોડી જો સ્વચ્છંદે વર્તે તો દીર્ઘકાળનો સેવેલો વૈરાગ્ય પણ વ્યર્થ જાય છે સ્થળાંતર કે વસ્ત્રાંતર થવા છતાં મમતા જો મરાઈ નહિ તો તે બીજા સ્વરૂપે જીવને ઘેરી લે છે. મમતાનો ત્યાગી સમતાનો ભાગી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org