________________
અરે, જેના પ્રત્યે અત્યંત મોહ છે તેવો આ દેહ પણ રાખ્યો રાખી શકાતો નથી. પ્યારા સ્નેહીઓ જ તેને અગ્નિદાહ આપે છે. એ જાણીને પણ સાધકને વૈરાગ્ય પેદા થાય છે.
એ વૈરાગ્ય જીવને જગતથી ભેદજ્ઞાન કરાવે છે. પછી હારેલી બાજી જીતમાં ફેરવાય છે. ભલે ગૃહસ્થા દશા હોય પણ તે સાધકને હવે એક ચાવી મળી ગઈ છે. તે વડે તેને ત્યજવા જેવા પદાર્થો, વિચારો કે વિકારો છૂટી જાય છે. અને આદરવા યોગ્ય તત્ત્વોને આદરે છે.
તેની પાસે સંસારના વ્યવહારનો ઉદય હશે તો પણ તે તેવા પ્રકારોમાં રાગાદિ ભાવ કરી લેપાતો નથી. તેમાંથી છૂટવાનો ભાવ સેવે છે. સાધુજનોનો સંપર્ક રાખી વૈરાગ્યને પુષ્ટ કરે છે.
વિષય પ્રત્યે વિરાગ, કષાયનો ત્યાગ અને ગુણનો અનુરાગ એ તેના જીવનની સાધના છે.
દીર્ઘકાળના સેવેલા પંચેન્દ્રિયના વિષયો પ્રારંભમાં મંદ પડ્યા હોય ત્યારે લાગે કે જાણે વિષયો ભાગી ગયા છે. પણ ભાઈ ! ઉતાવળો ન થતો, ભ્રમમાં ન રહેતો. વિષયના સૂક્ષ્મ સંસ્કારો તને ક્યારે દગો કરી દે તે કહેવાય નહિ.
સંભૂતિમુનિ રાણીના કોમળ કેશકલાપના સ્પર્શથી તપ-સંયમની સઘળી મૂડી ખર્ચીને સ્ત્રીના સુખનું નિદાન કરી બેઠા.
નંદિષણમુનિ લબ્ધિના ઘમંડમાં સૌનૈયા વરસાવી ગણિકાને ઘેર ઘેરાઈ ગયા.
અને કામવિજેતા સ્થૂલિભદ્ર સિદ્ધિનો પ્રયોગ કરી જ્ઞાનને આડે પ્રતિબંધ પામી ગયા.
ભાઈ ! આ સર્વ જીવો પાસે તો વૈરાગ્યના ઘડા ભરેલા હતા. અને તેય ફૂટી ગયા. તો તારી પાસે તો હજી માટીની નાની ટબૂડી છે, તેનું શું ગજું ? માટે ગુરુગમે વિવેકપૂર્વક આગળ વધજે. વૈરાગ્યગુણ વીતરાગતામાં પરિણમે પછી તને ભય નથી. અને તે પણ ક્ષાવિકભાવથી રસાયેલી હશે તો તારી શીઘ્રતાએ મુક્તિ છે.
Jain Education International
વૈરાગ્ય વિષય :
૧૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org