________________
૨૧૨
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 764 રાજસ્થાનનો એક પ્રસંગ :
લોકો કેવા કેવા આશયથી ધર્માનુષ્ઠાનને સેવતા હોય છે તે અંગેનો બહુ વર્ષો પૂર્વે રાજસ્થાનના એક ગામમાં બનેલો એક પ્રસંગ કહું.
રાજસ્થાનના એક ગામમાં એક મોટા શ્રીમંત હતા. પૈસાને કારણે સમાજમાં નામ સારું હતું, પણ સમાજનાં કે ધર્મનાં કોઈ મોટાં કામ કર્યા ન હતાં. પરિવારમાં એમને સાત દીકરીઓનો વિસ્તાર હતો. ગમે તે કારણે તેમની એકેય દીકરીનું ઠેકાણું પડતું ન હતું. સાતે દીકરીઓને શી રીતે વળાવવી એની એમને ઘણી મુંઝવણ હતી. એમાં એકાએક એમને એક રસ્તો સૂઝી આવ્યો. એટલે એમણે નક્કી કર્યું કે, કોઈ મોટા મહારાજનું ચોમાસું કરાવવું. સંઘને ભેગો કર્યો. પગે પડીને વિનંતી કરી. કોઈ નામાંકિત મોટા આચાર્ય મહારાજ સાહેબનું મારે ચોમાસું કરાવવું છે. ચાર મહિનાના રસોડાનો લાભ મને આપો. સંઘને લાગ્યું, જો મોટા આચાર્ય મહારાજ સાહેબનું ચોમાસું થતું હોય અને ખર્ચાની બધી જવાબદારી આ ભાઈ લઈ લેવા તૈયાર થાય તો ના શા માટે પાડવી, સંઘને માથે કોઈ બોજો આવતો નથી અને મોટા આચાર્ય મહારાજ પધારશે તો સંઘને દરેક રીતે લાભ જ થશે. આમ વિચારી, સંઘે એ શ્રીમંતને રજા આપી.
એક મોટા આચાર્ય મહારાજ સાહેબને અત્યંત આગ્રહપૂર્વકની વિનંતિ કરીને ચોમાસાની “જય” બોલાવી. ચારેય બાજુ આમંત્રણ આપી બધાને બોલાવ્યા. ધામધૂમથી આચાર્ય મહારાજનો પ્રવેશ કરાવ્યો. બહારગામથી આવનાર દરેકને પોતાને ત્યાં ઉતરવાની, જમવાની વ્યવસ્થાનું આયોજન કર્યું. બહારગામથી આવનાર દરેકને સ્ટેશનથી પોતાને ત્યાં લાવવા, લઈ જવા માટે સ્ટેશન ઉપર બે ગાડી મૂકી દીધી. બધાને લેવા જાય, મૂકવા જાય, બહુ સારી રીતે રાખે અને આવનારની કક્ષા મુજબ એમની સરસ, સરભરા કરે, ભક્તિ કરે. સાતેય દીકરીઓને આવનારની તમામ સરભરામાં કામે લગાડી દીધી. ઠઠારો એવો કર્યો કે, ઘર બધી રીતે પૂરું છે, એમ આવનાર દરેકને લાગ્યું. ચોમાસું પૂરું થતાં સુધીમાં તો સાતેય દીકરીઓનું ઠેકાણું પડી ગયું. તેને લાગ્યું, મહારાજ સાહેબનું ચોમાસું મને ફળ્યું અને એ પત્યા પછી તો પેલા ભાઈ તો હતા એના એ રહ્યા. જે હેતુથી ચોમાસું કરાવ્યું, તે હેતુ પૂરો થતા જ એ પાછા પોતાની રીતે જ જીવવા લાગ્યા. એમને ધર્મ સાથે ઝાઝી લેવા-દેવા પહેલાં ય ન હતી અને પછીએ ન રહી. આવા અનુષ્ઠાનને શું કહેવાય ? તે તમે વિચારજો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org