________________
૭૮ • સંગીતિ છે. તે જ રીતે મનોભૂમિમાં ધર્મનું ચિત્ર કાઢવા જતાં પહેલાં તેને મનન, ચિંતન, નિદિધ્યાસન વગેરે અનેક પ્રકારની સાધનારૂપ ક્રિયાઓ દ્વારા સ્ફટિક જેવી નિર્મળ બનાવવી જોઈએ. તેમ થાય તો જ તેનાં ધર્મનું પ્રતિબિંબ બરાબર પડી શકે છે. નહીં તો ધર્મને બદલે કેવળ ધતિંગ જ તેમાં પેસી જાય છે અને તેને પરિણામે ધર્મને જ નામે હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રહ, અબ્રહ્મચર્ય વગેરે અનેક અપવિત્ર પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય છે. અરે ચાલુ થઈ રહી છે. છેવટે શુષ્ક વેદાંતની જેમ ધર્મ હાંસીપાત્ર બની હડહડે થવાને પાત્ર બની જાય છે, બની રહ્યો છે ! આ જોતાં ધર્મસાધકોએ બીજાં બાહ્ય ક્રિયાકાંડો કરતાં મનન વગેરે આંતર ક્રિયાકાંડો તરફ જ લક્ષ આપવું રહ્યું, અને સાથેસાથ બાહ્ય ક્રિયાકાંડો પણ તરછોડવો ન જોઈએ. શાસ્ત્રકારોએ તો આ હકીકતને જ અનેક રીતે સમજાવી છે, સ્પષ્ટ કરી છે અને તે વિશે અનેક કથાનકો આપી તેને વધારે સરળ રીતે સમજાવવા પ્રયત્ન પણ કર્યો છે, તેમ છતાં આપણે એ સાધનરૂપ આંતર ક્રિયાઓ તરફ વધારે ને વધારે બેદરકાર રહીએ છીએ અને કેવળ જડ એવાં કર્મકાંડોને જ વળગી રહ્યા છીએ. જેને પરિણામે ધર્મ આપણામાં ભાગ્યે જ જડાયેલો જણાય છે.
આ પરિસ્થિતિ કાંઈ આજકાલની નથી, હજારો વર્ષથી ચાલી આવે છે. તેનાં બીજાં તો ઘણાં કારણો હશે, પરંતુ તેનું આ એક મહાન કારણ તો સ્પષ્ટ જણાય છે, કે બધા શાસ્ત્રકારોએ એ બાહ્ય ક્રિયાકાંડોનાં અદ્દભુત ફળો બતાવ્યાં છે. શાસ્ત્રકાર કહે છે કે યજ્ઞ કરે તે સ્વર્ગે જાય, યજ્ઞ કરે તેને લક્ષ્મી મળે, યજ્ઞ કરે તેના શત્રુઓ નાશ પામે, યજ્ઞ કરે તો પુત્ર થાય, સોમવાર કરે તેને અમુક ફળ મળે, વડની પૂજા કરે તેને પુત્ર થાય, ગંગાસ્નાન કરે તેનાં પાપ ધોવાય, પ્રયાગરાજની ત્રિવેણીમાં સ્નાન કરે તેની સદ્ગતિ થાય, કાશીમાં મરે તેની મુક્તિ થાય, રામરામ જપે તેનું વૈકુંઠગમન થાય; અરે રામરામને બદલે મરામરા' જયનારા પણ વૈકુંઠે પહોંચી ગયાનાં અનેક આખ્યાનો પણ છે ! ગાયને સ્પર્શ કરે તેનાં પાપ ધોવાય, બ્રાહ્મણને જમાડે તેને મહાપુણ્ય થાય, કન્યાદાન દેનાર ઘણું પુણ્ય મેળવે છે, પંચાગ્નિ તપ તપે તે રાજા થાય વગેરે વગેરે અનેક ફલાનિદેશો પેલાં બાહ્ય કર્મકાંડ સંબંધ કહેવાયેલાં છે. આ જ પ્રકારે જૈન ગ્રંથકારોએ પણ કહેલું છે, કે જે શત્રુંજય પર્વતની તરફ એક એક ડગલું ભરે તેનાં કરોડો ભવમાં કરેલાં એવાં બધાં પાપો નાશ પામી જાય, ગૌતમનું નામ લેતાં લાડી, વાડી અને ગાડી મળે, નવે નિધાન આવે, બધા રોગો ટળે, શત્રુઓ નાસી જાય, સિદ્ધચક્રની પૂજા કરનારો રાજા શ્રીપાળની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org